પાક.ના ખૈબર પખ્તુનખ્વાંમાં હુમલોઃ 15 સૈનિકનાં મોત

Wednesday 29th July 2026 05:29 EDT
 
 

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાં પ્રાંતના ટાંક જિલ્લામાં એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલી ગાડી સુરક્ષા ચોકી સાથે અથડાવી દેતાં 15 સુરક્ષાકર્મીઓનાં મોત થયાં. સેનાએ જણાવ્યું કે, શુક્રવારે આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલી ગાડી સુરક્ષા ચોકી સાથે અથડાવી, ત્યારબાદ તેમાં જોરદાર વિસ્ફોટ થયો. મૃતકોમાં 12 સૈનિકો, 2 પોલીસકર્મીઓ અને વન વિભાગના એક પૂર્વ સરકારી અધિકારીનો સમાવેશ થાય છે.
સેનાના નિવેદન મુજબ આ હુમલો ટાંક જિલ્લામાં થયો હતો, જ્યાં ઉગ્રવાદીઓએ વિસ્ફોટકોથી ભરેલી ગાડી સુરક્ષા ચેક પોસ્ટની બહારની દીવાલ સાથે અથડાવતાં વિસ્ફોટ થયો અને સ્થળને મોટું નુકસાન પહોંચ્યું. સેનાના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોએ વળતો જવાબ આપતાં 12 ઉગ્રવાદીને ઠાર માર્યા હતા. આ હુમલાની જવાબદારી કોઈપણ સંગઠને સ્વીકારી નથી. જો કે આ વિસ્તાર ઈસ્લામિક ઉગ્રવાદી સંગઠન તહરિક-એ- તાલિબાન પાકિસ્તાન (TTP)ની વધતી હિંસક પ્રવૃત્તિથી પ્રભાવિત છે. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં ઉગ્રવાદી હિંસામાં વધારો થયો છે, જેના માટે પ્રતિબંધિત TTPને જવાબદાર મનાય છે. આ સંગઠને છેલ્લાં વર્ષોમાં ખૈબર પખ્તુનખ્વાંમાં હુમલાઓની સંખ્યા વધારી છે. પાકિસ્તાને અગાઉ પણ ખૈબર પખ્તુનખ્વાં અને દક્ષિણના સરહદી પ્રાંત બલૂચિસ્તાનમાં વધતા હુમલાઓ માટે અફઘાનિસ્તાનાંથી ફેલાતા ઉગ્રવાદને જવાબદાર ઠેરવ્યો છે.


comments powered by Disqus