દિલ્હીના જંતરમંતર ખાતે ભારતની યુવાપેઢીએ લગભગ એક મહિનો દેશની એજ્યુકેશન સિસ્ટમ અને વિશેષ કરીને મેડિકલ એન્ટ્રન્સ જેવી મહત્વની પ્રવેશ પરીક્ષાઓમાં પેપર લીક અને અન્ય ગેરરિતીઓ સામે આંદોલન ચલાવ્યું. વિદ્યાર્થીઓમાં પ્રવર્તતો અસંતોષ અને આક્રોશ સ્પષ્ટ સંકેત આપતાં હતાં કે ભારતની એજ્યુકેશન સિસ્ટમ દેશના યુવાનોને નિષ્ફળ બનાવી રહી છે.
ભારતની શિક્ષણ વ્યવસ્થા મૂળભૂત રીતે ક્ષતિગ્રસ્ત છે કારણ કે તે આધુનિક યુગની સાથે કદમતાલ મિલાવવાના બદલે કારખાના યુગની શતાબ્દી જૂની બ્લુપ્રિન્ટ પર ચાલે છે. બ્રિટિશ સંસ્થાનવાદી વહીવટી જરૂરિયાતોમાંથી જન્મેલી આ વ્યવસ્થાનો ઉદ્દેશ્ય આજ્ઞાંકિત, કારકુની મજૂરો પેદા કરવાનો હતો, જેનું માળખું આજે પણ ભાગ્યે જ વિકસિત થયું છે. આજે પણ તે
માનવ ક્ષમતાનું મૂલ્યાંકન ગોખણપટ્ટી, ધોરણસરની પરીક્ષાના ગુણ અને અતિશય સ્પર્ધાના આધારે કરે છે.
આ સમસ્યાના મૂળમાં વિચારવાની ક્ષમતા કરતાં બીબાંઢાળ કુશળતાને અગ્રતા આપવાની સંસ્કૃતિ છે. નાની ઉંમરથી જ વિદ્યાર્થીઓને કેવી રીતે વિચારવું તેના બદલે શું વિચારવું તે શીખવવામાં આવે છે. પાઠ્યપુસ્તકોને જ સિદ્ધાંતો તરીકે ગણવામાં આવે છે, અને પરીક્ષાઓ મૂળ વિચારસરણી કે સમસ્યા ઉકેલવાના બદલે ઉત્તરવહીના જવાબોનું અક્ષરશઃ પુનરાવર્તન કરનારાઓને પુરસ્કૃત કરે છે. જે વિદ્યાર્થી પ્રશ્નના આધાર પર સવાલ ઉઠાવે છે તે ગુણ ગુમાવવાનું જોખમ લે છે પરંતુ જ્યારે જે ફકરા ગોખી લે છે તેને ટોચની સિદ્ધિ પ્રાપ્ત કરનારો તેજસ્વી તારલો માનવામાં આવે છે. આ અભિગમ જિજ્ઞાસા, સર્જનાત્મકતા અને સંશોધન તથા સાહસિકતા માટે જરૂરી જોખમ લેવાની વૃત્તિને રૂંધી નાખે છે.
પરીક્ષાઓ પરની આ અતિશય નિર્ભરતાને કારણે વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષાઓ પાસ કરવા માટે લાંબા કલાકોના અભ્યાસ શિડ્યુલમાં તેમના શારીરિક અને માનસિક વિકાસના વર્ષો કુરબાન કરી દે છે. બીબાંઢાળ પરીક્ષાઓ અસ્તિત્વની લડાઈ બની જાય છે જે યુવાનોમાં ચિંતા, બર્નઆઉટ અને માનસિક સ્વાસ્થ્યના અભૂતપૂર્વ સંકટો તરફ દોરી જાય છે.
ભારતની સૌથી મોટી સંપત્તિ તેની યુવા વસતી છે. જોકે લાખો તેજસ્વી મગજોને જૂની ફેક્ટરી-શૈલીની કન્વેયર બેલ્ટ પ્રોસેસમાંથી પસાર કરવાનું ચાલુ રાખવું એ તેમની ક્ષમતા સાથે અન્યાય છે. આ અન્યાયના કારણે જ સક્ષમ પરિવારોના સંતાનો વિદેશમાં અભ્યાસ અને સ્થાયી થવા પલાયન કરી રહ્યાં છે કારણ કે ભારતમાં તેમને યોગ્ય તકો જ ઉપલબ્ધ થતી નથી. ગરીબ પરિવારના સંતાનોને જે થોડી ઘણી તકો ઉપલબ્ધ થાય છે તેને પેપર લીક, મોંઘી દાટ ફી, ભ્રષ્ટાચારની ઉધઇ કોરી રહી છે.
દિલ્હીમાં જંતર મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટીના નેજા હેઠળ એકઠાં થયેલા હજારો વિદ્યાર્થીઓએ ભારતના એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઇને સંતોષ માન્યો. મૂળભત સવાલ એ છે કે શું એક મંત્રીના રાજીનામાથી સમગ્ર સિસ્ટમમાં ધરમૂળથી બદલાવ આવી જશે ખરો. ખરેખર તો સમગ્ર સિસ્ટમના ઓવરહાઉલની તાતી જરૂર છે. આધુનિક જમાના સાથે કદમ તાલ મિલાવી શકે તેવા અભ્યાસક્રમો, શિક્ષણ અને પરીક્ષાઓમાં મૂલ્યાંકનની ગુણવત્તા, રોજગાર અને રિસર્ચ-ઇનોવેશનને પ્રોત્સાહન આજની યુવા પેઢીને સફળ બનાવવાની મૂળભૂત ચાવીઓ છે. ભારતમાં સરકારો દ્વારા શિક્ષણ માટે ફાળવાતું બજેટ અમેરિકા, ચીન અને અન્ય વિકસિત દેશોની સરખામણીમાં નહીંવત છે. ભારતના સત્તાધીશોએ આ મુદ્દાઓ પર ગંભીરતાથી વિચારીને દેશના વિદ્યાર્થીઓને એક એવી વ્યવસ્થા આપવી પડશે જેના દ્વારા તેઓ પોતાના જ વિકાસની સાથે દેશનો વિકાસ પણ સાધી શકે.
