આશા રાખીએ કે 2026 માનવજાત માટે સુખાકારી લાવે....

Wednesday 31st December 2025 05:12 EST
 

ગુજરાત સમાચારનો આ અંક આપના હાથમાં આવશે ત્યાં સુધીમાં વર્ષ 2025નો અંત અને 2026નો પ્રારંભ થઇ ચૂક્યો હશે. 2025માં વિશ્વે રશિયા-યુક્રેન યુદ્ધ, ઇઝરાયેલ- હમાસ યુદ્ધ, ભારત-પાકિસ્તાન વચ્ચે ટૂંકાગાળાની લશ્કરી અથડામણ સહિતના સંઘર્ષ,આર્થિક મહાસત્તાઓ વચ્ચે ટેરિફ વૉર, ટેકનોલોજી ક્ષેત્રે વૈશ્વિક પ્રભુત્વ હાંસલ કરવા મહાસત્તાઓ વચ્ચેની હોડ સહિતના ઘણા પડકારનો સામનો કર્યો. શું ઇસુનું નવું વર્ષ વિશ્વ માટે શાંતિ અને સૌહાર્દ લઇને આવશે કે પછી પડકારો વધુ ઉગ્ર બનશે? હાલ તો સમગ્ર વિશ્વમાં શાંતિ, ભાઇચારો, પરસ્પર વિશ્વાસ, સહિષ્ણુતા સ્થાપિત થાય તેવી આશા સાથે આપણે નવા વર્ષમાં પ્રવેશી રહ્યાં છીએ.
2025નો સૌથી મોટો ઘટનાક્રમ વૈશ્વિક વ્યવસ્થામાં બદલાવ રહ્યો. એ વાતમાં કોઇ શંકા નથી કે વીતેલા વર્ષમાં વિશ્વ બહુધ્રુવીય બની ચૂક્યું છે. ભારત સહિતના ઘણા દેશ અમેરિકા, ચીન અને રશિયા સાથેના સંબંધોમાં સંતુલન જાળવવા પ્રયાસ કરી રહ્યાં છે. નવા વર્ષમાં પણ આ ગતિવિધિ જારી જ રહેશે તેવા સંકેતો ક્યારના મળી ચૂક્યાં છે. એકતરફ અમેરિકા વૈશ્વિક પ્રભુત્વ જાળવા રાખવામાં પીછેહઠ કરી રહ્યો છે ત્યારે ચીન, ભારત, રશિયા અને બ્રાઝિલ જેવી પ્રાદેશિક સત્તાઓનો ઉદય 2026માં નવા વર્લ્ડ ઓર્ડરને આકાર આપશે.
2026ના વર્ષમાં આર્થિક શક્તિ વિશ્વ પર પ્રભુત્વ માટેનું સૌથી મહત્વનું શસ્ત્ર બની રહેવાનું છે. વીતેલા વર્ષમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ શસ્ત્રનો ભરપૂર ઉપયોગ કરાયો. તેમણે ન કેવળ પ્રતિસ્પર્ધી પરંતુ પોતાના મિત્ર દેશોને પણ ટેરિફની જાળમાં સપડાવી દીધાં હતાં. આ માટે ટ્રમ્પે વર્લ્ડ ટ્રએડ ઓર્ગેનાઇઝેશનની પણ સાડાબારી રાખી નહોતી. અમેરિકાએ અપનાવેલી નીતિ સામાન્ય વૈશ્વિક વેપાર નિયમોને તાક પર ચડાવી ચૂકી છે.
2025નું વર્ષ વિશ્વને કેટલાંક સંઘર્ષ વારસામાં પણ આપી ગયું છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ લંબાઇને નવા વર્ષમાં પહોંચી ગયું છે. આ ઉપરાંત ચીન-તાઇવાન વિવાદ, ઇન્ડો-પેસિફિક રિજિયનમાં સાઉથ ચાઇના સીના મામલે ચીનનું મનસ્વી વલણ પણ આપણે 2025ના વારસા તરીકે લઇને વર્ષ 2026માં પ્રવેશી રહ્યાં છીએ.
2026ના વર્ષમાં આપણે ટેકનોલોજીકલ સાર્વભૌમત્વનો ઉદય થતો પણ જોઇ રહ્યાં છીએ. સેમી કન્ડક્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતની મહત્વની ટેકનોલોજી અને સંસાધનોના વિકાસ અને નિયંત્રણ માટે મહાસત્તાઓ વચ્ચે જંગ છેડાઇ ચૂક્યો છે. નવા વર્ષમાં આ જંગ વધુ વિકરાળ બનવા જઇ રહ્યો છે. એઆઇ અને ટેક સર્વોપરિતા હાંસલ કરવા ડેટા અને ઇન્ફર્મેશન માટે અમેરિકા, ચીન અને અન્ય દેશો વચ્ચેની હરિફાઇ ટેકનોપોલિટિકલ શસ્ત્ર બની રહેવાની છે. નવી ટેકનોલોજીને સપોર્ટ કરવા માટે રેર અર્થ મિનરલ્સ, લિથિયમ સહિતના અન્ય મહત્વના ખનીજ અને અન્ય કુદરતી સંસાધનો દ્વારા આર્થિક પ્રભુત્વને મજબૂત બનાવવાની ગળાકાપ સ્પર્ધા વર્ષ 2026માં જોવા મળી શકે છે.
સૌથી મોટા દુર્ભાગ્યની વાત એ છે કે આપણે નવા વર્ષમાં વધુ વૈશ્વિક અસમાનતાના સાક્ષી બનવા જઇ રહ્યાં છે. મુક્ત બજારોના કારણે કટ્ટર મૂડીવાદ વિશ્વ પર હાવી થઇ ચૂક્યો છે. ધનવાન વધુ ધનવાન અને ગરીબ વધુ ગરીબ બની રહ્યાં છે. બેરોજગારી, ભ્રષ્ટાચાર, ભૂખમરા સહિત નવા વર્ષમાં કટ્ટર મૂડીવાદના પગલે જન્મી રહેલો આર્થિક અસંતોષ સંખ્યાબંધ દેશોમાં સામાજિક અને રાજકીય ઉથલપાથલો સર્જી શકે છે. છેલ્લે એટલું કહી શકાય કે વર્ષ 2026માં પણ આપણે એક અસ્થિર અને અનિશ્ચિત વિશ્વમાં જ જીવીશું. માનવી સફળતાઓની સાથે સાથે ક્લાઇમેટ ચેન્જ જેવી સમસ્યાઓ સામે હારતો રહેશે. આશા રાખીએ કે 2026નું વર્ષ સમગ્ર માનવજાત માટે સુખાકારી લાવનારું બની રહે.


comments powered by Disqus