કારણો અને પરિણામોઃ પારિવારિક ઘરથી વૈશ્વિક પ્રભુત્વ સુધીની યાત્રા

મારી નજરે

સી.બી. પટેલ Tuesday 30th December 2025 08:02 EST
 
 

ચિંતાતુરતા, વ્યગ્રતા, ઉત્સુક્તા, ઉચાટ કહો કે એન્ગ્ઝાઈટી, વય, નોકરીધંધા કે સામાજિક-આર્થિક દરજ્જા સહિત તમામ વ્યક્તિઓ દ્વારા અનુભવાતી પરિસ્થિતિ છે. તેના પ્રકાર કે અર્થ બદલાતાં રહે છે છતાં, તેની અસર-પ્રભાવ સાર્વત્રિક છે. મૂંઝવણ અને અસલામતી પેદા કરવા ઉપરાંત, તે આંતરિક સંઘર્ષ, અવિશ્વાસ, અસહિષ્ણુતા અને ઘણાં તીવ્ર કિસ્સાઓમાં ખુલ્લી દુશ્મનાવટ તરફ પણ દોરી જાય છે. પોતિકી ઓળખ, મિશ્ર જાતિ(વંશ)ના બાળકો અથવા લૈંગિકતા જેવા સંવેદનશીલ વિષયોની ચર્ચા કરાતી હોય ત્યારે ઘણી વખત મૂળભૂત મુદ્દો આપણી સહભાગી માનવતા માટે ધ્યાનનો અભાવ જ રજૂ કરતો રહે છે. જો સહાનુભૂતિનું સ્થાન ભય અથવા જડવાદી પરિપ્રેક્ષ્યો લેતા હોય ત્યારે સમુદાયો તફાવતોની કદર કરવા અને આદરપાત્ર સહઅસ્તિત્વ જાળવવામાં સંઘર્ષ અનુભવે છે.
નાણાં સાથે આપણો સંબંધ ચોક્કસ પેટર્નને અનુસરે છે. જો નાણા પૂરતાં ન હોય ત્યારે આપણે બે છેડા ભેગા કરવાની ચિંતા કરીએ છીએ, પરંતુ નાણા અઢળક હોય ત્યારે નવા પ્રકારના તણાવ, અસલામતી અને વધુને વધુ મેળવવાની અંતહીન ઈચ્છા રહે છે. છ આંકડાના પગારની કમાણી અથવા કરોડોના મૂલ્યના મૂડીરોકાણોની માલિકી હોય ત્યારે પણ મનની શાંતિ મળશે જ તેવી કોઈ ગેરંટી હોતી નથી. આપણા યુગ માટે આ કોઈ નવી વાત નથી-માનવજાતે હંમેશાં પડકારો અને અચોક્કસતાનો સામનો કર્યો છે. તફાવત તો લોકો અને સમુદાયો કેવા પ્રત્યાઘાત આપે છે તેના પર રહેલો છે. કેટલાક લોકો એન્ગ્ઝાઈટી તેમને જકડી રાખે તેવું કરે છે, જ્યારે ઘણા લોકો તેને વિકસવાની તક, વધુ સ્પષ્ટતા સાથે વિચારવા, અનુકંપા સાથે કામ કરવા તેમજ હેતુ અને સમતુલા સાથે આગળ વધતા રહેવાની તક તરીકે નિહાળે છે. એન્ગ્ઝાઈટીને અવગણવાથી પ્રગતિ થતી નથી, પરંતુ તેને સમજવાથી, માનવતા સાથે તેનો પ્રતિસાદ વાળવાથી અને ડરના બદલે સહાનુભૂતિને ગળે લગાડવાથી પ્રગતિ સધાય છે.
માનવ સ્વભાવમાં ચિંતાતુરતા વિઝન, અપેક્ષા, સખત પરિશ્રમ, આત્મસન્માન, આપસી આદર, વિશ્વાસ, પારિવારિક સ્નેહ, આસ્થા અને ધીરજ જેવા સકારાત્મક (પોઝિટિવ) તેમજ બેદરકારી, બેજવાબદારી, અહંકાર, અસંતોષ, આત્મકેન્દ્રિતા, તિરસ્કાર, અદેખા, ઈર્ષા અને દ્વેષ જેવાં નકારાત્મક, બંને પ્રકારનાં લક્ષણો સાથે સંકળાયેલી છે.
યુવાનોમાં વધતી ચિંતાતુરતા
બાળકોમાં તણાવ અને ચિંતાતુરતા વિશે તાજેતરની ચર્ચામાં વધતી ચિંતાઓ નજર સમક્ષ તરી આવે છે. મેં વાંચેલા ચિંતનાત્મક નિબંધમાં શાળા સંબંધિત તણાવ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે નોંધાયું હતું કે ચિંતાતુરતા એ તણાવ સામે સ્વાભાવિક પ્રતિભાવ છે, જેની રચનાત્મક અને નકારાત્મક, અસરો હોઈ શકે છે. હળવી ચિંતા આપણને જોખમો સામે ચેતવણીસૂચક જણાય અથવા એકાગ્રતાને સુધારવામાં મદદરૂપ બની શકે છે, જ્યારે એન્ગ્ઝાઈટી (ડિસઓર્ડર્સમાં અનુભવાતી લાંબા સમયની) અથવા તીવ્ર ચિંતાતુરતા રોજિંદા જીવનને અને સમગ્રતયા સ્વાસ્થ્યને ખોરવી નાખી શકે છે. તેમાં જણાવાયું હતું કે સેકન્ડરી સ્કૂલ્સના અડધા જેટલા વિદ્યાર્થીઓ ગત વર્ષની ચિંતાતુરતાના લીધે શાળામાં હાજરી આપવાનું ટાળતા હતા અને કિશોરો શાળાકીય વર્ષમાં સરેરાશ 22 દિવસો ગુમાવતા હતા. આ ઉપરાંત, એમ પણ જણાવાયું હતું કે છોકરાઓની સરખામણીએ છોકરીઓ ચિંતાતુરતાના લીધે 1.6 ગણા વધુ દિવસો ગુમાવતી હતી. વિદ્યાર્થીઓ માટે શાળા પણ ઘણી વખત અનિવાર્ય, અસલામત અને થકવી દેનારી બની રહે છે, ઘણી વખત સદંતર ટાળવા માટેનું કારણ બની જાય છે. ઘણા વિદ્યાર્થીઓ તેમના દેખાવ, લોકો તેમના વિશે શું ધારશે, ભૂલો કરવાનો અથવા પાછળ પડી જવાના ભયની તેમજ સૂચનાઓ ભૂલી જવા, ઘરકામ નહિ કરવા અથવા ઠપકો મળવા જેવી બાબતોની ચિંતા કરતા રહે છે.
આપણા બાળપણ પર નજર કરીએ ત્યારે આજની સરખામણીએ કેટલી બાબતો બદલાઈ ગયાનું સ્પષ્ટ થાય છે. આપણે ઘણી ઓછી સુવિધાઓમાં ઉછર્યાઃ સામાન્ય શાળા, મર્યાદિત શૈક્ષણિક સ્રોતો, ભાગ્યે જ કોઈ રમકડાં હોય અને ઈન્ટરનેટ કે મોબાઈલ ફોન તો હતાં જ નહિ. માતાપિતા તો શિક્ષકોને સ્પષ્ટ કહેતા કે બરાબર ભણે નહિ તો મારજો, શિસ્ત શીખવજો. આજે તો ઘણું કઠોર લાગે પરંતુ, આપણું બાળપણ જરા પણ ચિંતા વિનાનું અને સંતોષી હતું. આપણને નાની નાની વાતોમાં ખુશી મળતી હતી, પથ્થર રમકડું બની જતો અથવા અનંત રમતોની પ્રેરણા આપતો. ફાનસનો પ્રકાશ એવો કે હાથના પડછાયા જીવંત બની જતા, જાણે કે આજનું ટેલિવિઝન. જીવનમાં ગૂંચવણો તો હતી, પરંતુ રચનાત્મકતા, મિત્રતા અને ધીરજથી ભરપૂર રહેતી હતી. શિક્ષકો ધમકાવતા કે શારીરિક શિક્ષા પણ કરતા, પણ તેનાથી આપણો ઉત્સાહ ભાંગી ન જતો. એનાથી ઉલટું, આપણને દબાણ અને પીછેહઠો સામે લડવામાં મદદ મળતી હતી. આજની જીંદગી કાંઈક અલગ જ છે.
યુવાન લોકો નાની વયથી જ એન્ગ્ઝાઈટીના હુમલા, ડિપ્રેશન અને નાની વયે જ હૃદયસંબંધી સમસ્યાઓ અનુભવતા હોવાના રિપોર્ટ્સ સતતપણે સામાન્ય બની રહ્યા છે. ઘણી વખત એમ લાગે છે કે આજના બાળકો પીછેહઠ અને નિરાશાનો સામનો કરવાનો આવે ત્યારે વધુ સંવેદનશીલ અને ઓછાં સ્થિતિસ્થાપક હોય છે. તણાવ સહન કરવાનું તો સાવ ઘટી જ ગયું છે, પરંતુ અપેક્ષાઓ વધી ગઈ છે. આપણને સહુને ચિંતા કરાવે ટ્રેન્ડ એવો છે કે બાળકો અને કિશોરોમાં આત્મઘાતી ઘટનાઓમાં વધારો થયો છે. આ પરિસ્થિતિ આપણે યુવા પેઢીઓ પર જે દબાણો લાદીએ છીએ, તેમના માટે જે વાતાવરણો ઘડીએ છીએ તેમજ ભૌતિક સુખસુવિધાઓ માટે લાગણીઓની સ્થિરતાની અદલાબદલી કરીએ છીએ તેના ડહાપણ સંદર્ભે મુશ્કેલ પ્રશ્નો ઉભાં કરે છે. ભૂતકાળની કઠણાઈઓનો બોધપાઠ કદાચ કઠણાઈમાં જ નહિ, પરંતુ સમતુલામાં- સંતોષી બનવાના સ્વીકાર, નિષ્ફળતામાંથી પાર ઉતરવું અને નાની નાની ખુશીઓની કદર કરવામાં રહેલો છે. ભાવિ પેઢીઓનાં સુચારુ સ્વાસ્થ્ય અને કલ્યાણને સપોર્ટ કરવા માટે ફરી આ મૂલ્યો તરફ વળવાની જરૂર છે.
વર્તમાનનું જટિલ સામાજિક અને ભાવનાશીલ ફલક
વર્તમાન સામાજિક ગતિશીલતાને પ્રતિબિંબિત કરતું અન્ય મહત્ત્વપૂર્ણ વલણ કે ચલણ કાયદેસર લૈંગિક પરિવર્તન એપ્લિકેશન્સ છે. સરકારી ડેટા અનુસાર સપ્ટેમ્બરમાં પૂર્ણ થયેલાં વર્ષમાં બ્રિટનમાં જેન્ડર રેક્ગ્નિઝેશન સર્ટિફિકેટ્સ માટે 1987 અરજી કરાઈ હતી. આમાંથી 730 અરજી એપ્રિલ અને જૂન મહિનાઓ વચ્ચે કરાઈ હતી, જે 2009માં રેકોર્ડ્સની શરૂઆત થઈ ત્યારથી સૌથી ઊંચી ત્રિમાસિક સંખ્યા છે. આ ઊંચે જતો આંકડો ઓળખ, કાનૂની માળખા અને સમકાલીન સમાજમાં અંગત સ્વીકૃતિના વધતાં પ્રાધાન્ય તેમજ વર્તમાનમાં જટિલ સામાજિક અને સંવેદનાત્મક ફલકને દર્શાવે છે.
એ યાદ રાખવું જરૂરી છે કે આપણા સ્વાસ્થ્ય-આરોગ્યનું ધ્યાન રાખવું તે વ્યક્તિગત જવાબદારી છે. NHS આપણા માટે બધું કરી શકે નહિ. હેલ્થકેર સર્વિસીસમાં વિલંબ અથવા સમસ્યાઓની સખળડખળથી ગુસ્સો આવે અને NHS કેવી સેવા આપે છે તેના વિશે અવાજ ઉઠાવીએ તે સમજી શકાય છે. આમ છતાં, તે તમામ જવાબદારી ઉઠાવી લે તેવી અપેક્ષા આપણે રાખી શકીએ નહિ. આપણી શારીરિક અને માનસિક તંદુરસ્તી પર તો ખોરાકની પસંદગીઓ, આહારની આદતો, લાઈફસ્ટાઈલ સંબંધિત નિર્ણયો અને માનસિકતાની ઘણી મોટી અસર થાય છે. અસરકારક હેલ્થકેર સિસ્ટમ હોવાની સાથોસાથ દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યની જવાબદારી સંભાળે તેના પર જ તંદુરસ્ત સમાજનો આધાર રહેલો છે.
સંપત્તિ-મિલકતોના વિવાદો
પ્રોપર્ટી અને વારસા સંબંધિત પારિવારિક વિવાદો સતત વધી રહ્યા છે જે ઘણી વખત જટિલ માનવીય ગતિશીલતાને ખુલ્લી પાડે છે. સંપત્તિની અસમાન વહેંચણી કે વિભાજન વિશે તાજેતરના કોર્ટ ખટલા દર્શાવે છે કે અવિશ્વાસના લીધે પરિવારોમાં વિભાજન અને સમાજના તત્કાળ પ્રત્યાઘાતો જોવાં મળે છે.
એક પેઢી અગાઉની સરખામણીએ આજે પારિવારિક જીવન ઘણું સંકુલિત બની ગયું છે. 1960 અને 1970ના દાયકામાં યુકે આવેલા ઘણા ભારતીયો લગભગ ખાલી ખિસ્સે હતા અને થોડા હજાર પાઉન્ડ્સ-1500થી 2000 કે 5000 પાઉન્ડ્સમાં નાના ઘર ખરીદતા હતા. કઠોર પરિશ્રમ અને કરકસરિયા બલિદાનો થકી તેમણે જીવન સુરક્ષિત બનાવ્યું હતું. આજે આવી પ્રોપર્ટીઝની કિંમત 500,000 પાઉન્ડ કે તેથી વધુ હોય છે અને યુકેમાં આશરે 83 ટકા ભારતીયો સ્વમાલિકીના ઘરમાં રહે છે જે નોંધપાત્ર સિદ્ધિ છે.
કોઈ પણ વિપુલતા કેટલીક ચિંતાઓ નાબૂદ કરી શકે છે તેની સાથે નવા પડકારો પણ સર્જે છે. અછત કે અભાવ ઘણી વખત એન્ગ્ઝાઈટી તરફ દોરી જાય છે,પરંતુ વધતું ધન કે સંપત્તિ પણ વધુ જટિલ તણાવોમાં પરિણમે છે. પ્રોપર્ટીની કિંમત વધે છે તેમ માલિકીહક, ઓથોરિટી અને વારસા સંબંધિત મુદ્દાઓ આગળ આવે છે. આ બાબતે વસિયતનામા કરવા અને પાવર ઓફ એટર્ની સત્તાઓનું લાંબા ગાળાનું મહત્ત્વ સમજાય છે. આમ છતાં, કાનૂની વ્યવસ્થાઓ પણ પૂરતી રહેતી નથી, ખરેખર તો પરસ્પર વિશ્વાસ, પારદર્શિતા અને સહભાગી શ્રદ્ધા જ પરિવારોને એકસૂત્રે બાંધી રાખે છે.
તમારી પોતાની ભૂલોનો સ્વીકાર
પરિવારોમાં ઝગડા શા માટે થાય છે? જીવન ભાગ્યે જ સરળતાથી વહે છે, ગેરસમજો, સહસંમતિનો અભાવ અને દુભાયેલી લાગણીઓ જીવનયાત્રાનો હિસ્સો જ છે. દરેક વ્યક્તિ કદીને કદી ભૂલો કરે જ છે. સાચી વાત તો એ છે કે પોતાની ભૂલોનો સ્વીકાર કરવાનું, ભૂલો માની લેવાનું અને વચનો પાળવાનું શીખી લેવું જોઈએ.
કોર્ટ્સના બારણે ગયેલા પરિવારોનો ન્યાય તોળતા પહેલા આપણે તેમના લડાઈઝગડાના દૂર સુધીના કારણો વિચારીએ તે પણ મહત્ત્વનું છે. પરિવાર અને બિઝનેસમાં અપૂર્ણતાઓ કે અધૂરાપણું સર્વસામાન્ય છે અને કોઈ એક વ્યક્તિની સમસ્યાથી સમગ્ર જૂથને દોષ દેવાય નહિ. ભારે ધીરજ અને સમજદારી સંઘર્ષને હળવો બનાવવામાં મદદ કરી શકે છે, જ્યારે અવિશ્વાસ અને જડવાદી વિચાર ઘણી વખત પારિવારિક ખાઈને ઊંડી બનાવે છે. વ્યસન જેવી કોઈ સમસ્યાવાળી વ્યક્તિને નકારવાથી તેની સાથે સંકળાયેલા તમામને નુકસાન થઈ શકે છે. ઘણા ઓછાં લોકો પોતાના જીવનમાં ભારે ભૂલ કદી કરી ન હોવાનો દાવો કરી શકે છે. અન્યો માટે ચોકસાઈ કે પૂર્ણતાના ધોરણોની અપેક્ષા રાખવી તે વાસ્તવિક નથી કે વાજબી પણ નથી. ઘણી વખત આવી અપેક્ષાઓ એન્ગ્ઝાઈટી, સંઘર્ષ અને નિરાશાને વધારવામાં ફાળો આપે છે.
આપણો સમાજ આગળ વધતો અને સમૃદ્ધ થતો જાય છે ત્યારે આપણા માટે કાનૂની, ભાવનાત્મક અને નૈતિક દૃષ્ટિએ ખુલ્લા સંવાદ અને કાળજીપૂર્વકનાં આયોજનની આવશ્યકતા જણાય છે. આના થકી પરિવારોને તેમની સંપત્તિઓ, સંબંધો, ગૌરવ અને મનની શાંતિને સુરક્ષિત રાખવામાં મદદ મળશે.
એન્ગ્ઝાઈટી વિવિધ માર્ગોએ બહાર આવી શકે છે
આપણે જ્યારે સમગ્ર વિશ્વ સંદર્ભે વિચારીએ ત્યારે ડિપ્લોમસી, સત્તાની સાઠમારી અને વોરફેર થકી ઘણા સ્વરૂપે એન્ગ્ઝાઈટી જોવા મળે છે. આજે વિશ્વમાં કોઈને કોઈ ઠેકાણે સંઘર્ષો ચાલતા જ રહે છે. વર્ચસ્વ સ્થાપવાની દોડમાં દેશો એકબીજાને નુકસાન પહોંચાડતા રહે છે.
ઘણી વખત ઉતાવળિયા કે સત્તાખોર નેતાઓ આ યુદ્ધોની આગ ચાંપે છે, અંગત મહત્ત્વાકાંક્ષાઓ, વિચારધારાઓ અથવા સરમુખત્યારશાહી લક્ષ્યોને સંતોષવા તેમના દેશોને સંઘર્ષમાં ખેંચી જાય છે. કરુણતા એ છે કે નિર્દોષ પ્રજાને સૌથી વધુ સહન કરવાનું આવે છે અને સમગ્ર દેશોનું ભવિષ્ય ખાડે જાય છે. આ બાબત આપણને એક સવાલ તરફ દોરી જાય છેઃ નાગરિકોનો સંહાર અને અજન્મા પેઢીઓનું ભવિષ્ય રોળી નાખવાથી ખરેખર શું હાંસલ થશે?
ઐતિહાસિક ઘટનાઓ મૂલ્યવાન સમજ પૂરી પાડે છે. ઈતિહાસમાં દ્વિતીય વિશ્વયુદ્ધ (1939–1945) સૌથી લાંબા અને વિનાશક સંઘર્ષ તરીકે નોંધાયું છે, જેમાં ઘણા ખંડો અને મહાસાગરોના આશરે 70 દેશ સંકળાયેલા હતા. એવો અંદાજ છે કે 50 મિલિયન નાગરિકો સહિત 70થી 80 મિલિયન સુધી વ્યક્તિઓ યુદ્ધમાં હોમાઈ ગયા હતા. વોર્સો, બર્લિન, ડ્રેસડન અને લંડન જેવા અસંખ્ય યુરોપીય શહેરોએ ગણનાપાત્ર વિનાશ સહન કર્યો હતો, જ્યારે ઈસ્ટ એશિયામાં જાપાનની લશ્કરી કાર્યવાહી થકી ભારે હાડમારી-મુશ્કેલીઓ સર્જાઈ હતી. હિરોશિમા અને નાગાસાકી પર ફેંકાયેલા અણુબોમ્બથી 200,000થી વધુ લોકોએ જાન ગુમાવ્યા હતા અને અણુયુગનો આરંભ થયો હતો.
દેશોની હાલતમાં સુધારો અને રૂપાંતર
યુદ્ધનો વિનાશ માત્ર જાન ગુમાવવા પૂરતો ન હતો, પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મકાનો-ઘર અને ઈન્ડસ્ટ્રીઝનો પણ નાશ થયો હતો જેના પરિણામે કરોડો લોકો નિર્વાસિતો બન્યા અને આર્થિક પતન નોંધાયા હતા. યુરોપની રિકવરીમાં માર્શલ પ્લાનની સહાય મળી હતી તેમજ જર્મની અને જાપાન જેવા દેશોને લાકશાહી સાથીઓમાં બદલી શકાયા હતા. ચર્ચિલ, રુઝવેલ્ટ અને સ્ટાલિન જેવા નેતાઓ ફાસીવાદને પરાજિત કરવા એક થયા હતા અને ટકાઉ એલાયન્સીસ ઉભાં કર્યા હતા. યુદ્ધ પછીના સમયગાળામાં યુનાઈટેડ નેશન્સ, વર્લ્ડ બેન્ક અને IMF જેવી સંસ્થાઓ સ્થપાઈ હતી અને ડિકોલોનાઈઝેશનને વેગ મળવા સાથે લગભગ 70 જેટલા દેશોએ સ્વતંત્રતા હાંસલ કરી હતી.
ભારત આવા બદલાવનું નોંધપાત્ર ઉદાહરણ છે. સંસ્થાનવાદી શાસનની સદીઓ પછી ભારત ટેકનોલોજી, ડિજિટલ સર્વિસીસ, અંતરિક્ષ સંશોધન અને અન્ય ક્ષેત્રોમાં મજબૂત વિકાસ સાથે વિશ્વમાં સૌથી ઝડપે વૃદ્ધિ પામતા અર્થતંત્રોમાં એક તરીકે બહાર આવ્યું છે. આ દેશ હવે વિશ્વતખતા પર આર્થિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. વિશ્વભરમાં ભારતીય ડાયસ્પોરાનું પ્રમાણ યુનાઈટેડ સ્ટેટ્સ(5.4 મિલિયન) અને યુકે (1.8 મિલિયન)ના સૌથી મોટા સમુદાયો સાથે આશરે 35 મિલિયન જેટલું છે. વિદેશસ્થિત ભારતીયોએ તેમની કર્મભૂમિના દેશોમાં બિઝનેસ, સાયન્સ, ટેકનોલોજી અને શિક્ષણના ક્ષેત્રોમાં નોંધપાત્ર અસર સર્જી છે.
નેતૃત્વ, સત્તા અને ઉત્તરદાયિત્વનો આપસી સંબંધ
કેટલીક ચાવીરૂપ સમજણોને ધ્યાનમાં લેવી આવશ્યક છે. વૈશ્વિક વ્યવસ્થાને ઘડવામાં નેતાગીરી, સત્તા અને ઉત્તરદાયિત્વ સાથે મળીને કામ કરે છે. પ્રેસિડેન્ટ હેરી ટ્રુમેને આ સમતુલાને ઘણી સારી રીતે સમજાવતા કહ્યું હતું કે,‘નરમાશથી બોલો અને હાથમાં લાંબો દંડો રાખો’ એટલે કે નિયંત્રણ સાથેની તાકાત સૌથી વધુ અસરકારક નીવડે છે. થોડા વર્ષો પછી 1961માં પોતાના સત્તારોહણ સંબોધનમાં પ્રેસિડેન્ટ જ્હોન એફ. કેનેડીએ કહેલા શબ્દો પેઢીઓ પછી પણ ગુંજે છે, ‘દરેક દેશે જાણી લેવું જોઈએ કે.... અમે સ્વતંત્રતાની સફળતા અને અસ્તિત્વને જાળવી રાખવા કોઈ પણ કિંમત ચૂકવીશું, કોઈ પણ ભાર ઉઠાવીશું, કોઈ પણ હાડમારીનો સામનો કરીશું, કોઈ પણ મિત્રને સપોર્ટ આપીશું અને કોઈ પણ દુશ્મનનો વિરોધ કરીશું.’
લગભગ આઠ દાયકા સુધી યુનાઈટેડ સ્ટેટ્સે પોતાના અર્થતંત્ર અને પ્રભુત્વને મજબૂત બનાવવાની સાથોસાથ વ્યવસ્થાની જાળવણી અને નિર્બળ દેશોનું રક્ષણ કરનારા મસીહા- વૈશ્વિક કેરટેકર, ‘જગત જમાદાર’ની ભૂમિકા નિભાવી હતી. તાજેતરના વર્ષોમાં ટુંકા ગાળાના લક્ષ્યો અથવા સોદાબાજીના વલણોને પ્રાથમિકતા આપતી નેતાગીરી (જેનું ઉદાહરણ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જ છે) દ્વારા સામાજિક વિઘટનો અને વૈશ્વિક સ્થિરતાની અવહેલના કરવામાં આવી છે.
કોઈ પણ સત્તા હંમેશાં રહેતી નથી
આખરે, ટ્રમ્પ સહિત કોઈ પણ નેતા હંમેશાં સત્તા પર રહેતા નથી. ભારત-પાકિસ્તાનના સંબંધો અને લશ્કરી સોદાબાજી સંદર્ભે તેમની કેટલીક કામગીરી ચિંતા ઉપજાવનારી છે ત્યારે એ સમજી લેવું આવશ્યક છે કે ક્યારેક કોઈ કલ્પનાશીલ નેતા તરીકે નહિ, પરંતુ બિઝનેસમેન તરીકે કામ કરે છે. તેમના અભિગમમાં ટ્રુમેન, રુઝવેલ્ટ અથવા સરદાર પટેલ જેવા નેતાઓમાં જે દીર્ઘકાલીન દૃષ્ટિ કે પરિપ્રેક્ષ્યો જણાતા હતા તેનો સ્પષ્ટ અભાવ નજરે પડે છે.
અરસપરસ સંકળાયેલા આજના વિશ્વમાં પડકારો પણ ઘણા ગૂંચવણભર્યા છે અને સાદા સ્લોગન્સ કે ઝડપી ઉપાયોથી નિરાકરણ લાવી શકાય તેમ નથી. ઈતિહાસ આપણને શીખવે છે કે પરિવર્તન સતત ચાલતું જ રહે છે, પરિવારો હોય કે દેશો હોય, વિશ્વાસ, ઉત્તરદાયિત્વ, વિનમ્રતા અને મૂળભૂત રીતે લાંબા ગાળાની બાબતો પર ધ્યાન આપવું જરૂરી બને છે. સમાજમાં અને ભારતીય સમુદાયમાં મિશ્ર જાતિના પરિવારો અને બાળકોમાં વધારો થતો રહેશે. આ અપેક્ષિત ઘટનાક્રમને આવકાર આપવો જ રહ્યો. વૈવિધ્યતાનું મૂલ્ય કરવાથી જ આપણે આગામી પેઢીઓમાં પરિવારો અને સમુદાયોને મજબૂત બનાવી શકીશું.
આખરે ઘર હોય કે વિશ્વમાં નેતૃત્વ, એકસમાન હાર્દરૂપ મૂલ્યો જ લાગુ પડે છે. ઉત્તરદાયિત્વ,વાજબીપણું, વિશ્વાસ અને જરૂરિયાતમંદો પ્રત્યે અનુકંપા જ ટકાઉ તાકાત અને સ્થિરતાનો પાયો રચે છે.


comments powered by Disqus