ઉત્તરપ્રદેશના ઉન્નાવના ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરને દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા અપાઈ હતી. આ સજાને સસ્પેન્ડ કરવા ઉપરાંત જામીન મંજૂર કરવાના દિલ્હી હાઇકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે.
• સંરક્ષણ મંત્રાલય રૂ. 79 હજાર કરોડનાં શસ્ત્રો ખરીદશેઃ ભારતે ત્રણેય સશસ્ત્ર દળ માટે લગભગ રૂ. 79,000 કરોડનાં શસ્ત્ર ખરીદવાને મંજૂરી આપી. સંરક્ષણ સંપાદન સમિતિ (DAC)ની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ સોદો હવે સેનાને આધુનિક શસ્ત્રો અને એન્ટિ ડ્રોન સિસ્ટમ્સ પ્રદાન કરશે.
• અરવલ્લીની ગિરિમાળા અંગે સુપ્રીમનો સુઓમોટોઃ અરવલ્લી ગિરિમાળા સંદર્ભે સુપ્રીમ કોર્ટે 20 નવેમ્બરના પોતાના જ ચુકાદા પર સ્ટે મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એવા કેટલાય મુદ્દા છે તેની તપાસ થવી જરૂરી છે.
• કોંગ્રેસની સ્થાપનાના 140 વર્ષઃ કોંગ્રેસે 28 ડિસેમ્બરે પોતાના પક્ષની સ્થાપનાની 140મી વર્ષગાંઠ ઊજવી. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, સાંસદ સોનિયા ગાંધી સહિતના મહાનુભાવોએ ધ્વજારોહણમાં હાજરી આપી હતી.
• ચિનાબ પર હાઇડ્રો પ્રોજેક્ટને મંજૂરીઃ કેન્દ્ર સરકારે પાકિસ્તાન સાથે સિંધુ જળસંધિ અટકાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં ચેનાબ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. કિશ્તવાડમાં ચેનાબ નદી પર 260 મેગાવોટના સ્ટેજ-2 હાઈડ્રો પાવર પ્રોજેક્ટને પર્યાવરણ મંત્રાલયની વિશેષજ્ઞ મૂલ્યાંકન સમિતિએ મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટની અંદાજિત કિંમત રૂ. 3,200 કરોડથી વધુ છે.
• કેરળના કોઈ જિલ્લામાં પહેલીવાર ભાજપને મેયર પદઃ કેરળના તિરુવનંતપુરમ કોર્પોરેશનમાં 45 વર્ષ જૂનો કોંગ્રેસની આગેવાની હેઠળનો એલડીએફ ગઢ શુક્રવારે તૂટી પડ્યો. ભાજપના વી.વી. રાજેશે મેયર તરીકે શપથ લઈને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે.
• બ્રહ્મોસ બન્યાં વધુ ઘાતકઃ સુપરસોનિક બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલનું નવું સંસ્કરણ ટૂંક સમયમાં રજૂ કરાશે. તેની રેન્જ, ગતિ અને પ્રહાર ક્ષમતા વધારાઈ રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવાં સંસ્કરણની રેન્જ 800 કિ.મી. સુધીની છે.
• ખાલિદા ઝિયાનું નિધનઃ બાંગ્લાદેશનાં પ્રથમ મહિલા વડાપ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીનાં પ્રમુખ ખાલિદા ઝિયાનું મંગળવારે સવારે 6 વાગ્યે 80 વર્ષની વયે નિધન થયું. તેઓ 20 દિવસથી વેન્ટિલેટર પર હતાં. ખાલિદા વર્ષોથી છાતીમાં ઇન્ફેક્શન, લિવર, કિડની, ડાયાબિટીસથી પીડાઈ રહ્યાં હતાં.
• યુવરાજ, સોનુ સૂદ સહિત 7 લોકોની રૂ. 7.93 કરોડની મિલકત જપ્તઃ ઈડીએ ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી નેટવર્ક સામે કાર્યવાહી હેઠળ 7 અગ્રણી હસ્તીની રૂ. 7.93 કરોડની મિલકત કામચલાઉ રીતે જપ્ત કરી છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ કરાઈ છે.
• બજેટના દિવસ અંગે અવઢવઃ સામાન્ય રીતે 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરાય છે. જો કે આ વખતે 1 ફેબ્રુઆરીએ રવિવાર હોવાથી નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા ક્યારે બજેટ રજૂ કરવામાં આવશે તે અંગે અવઢવ છે.
• PIA રૂ. 4320 કરોડમાં વેચાઈઃ પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ કંપની પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઈન્સ (પીઆઈએ)ની હરાજી પૂર્ણ થઈ. પીઆઈએને આરિફ હબીબ ગ્રૂપે રૂ. 4,320 કરોડમાં ખરીદી લીધી છે.

