ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા આયોજિત વિશેષ સ્વાગત સમારોહમાં પાર્ટનર (કોર્પોરેટ), વેન્ચર કેપિટલ (યુકે) ના વડા અને લંડનમાં ઇન્ડિયા ગ્રુપના વડા ધ્રુવ છત્રાલિયા BEMનું સન્માન કરવામાં આવ્યું હતું. ધ્રુવ છત્રાલિયા શ્યામ ભદવદ્ ગીતા ક્લાસીસના સ્થાપક અને હિન્દુઈઝમ પરના 21 પુસ્તકના લેખક છે. તેમણે આધ્યાત્મિકતા પર અનેક વિષયોમાં કુલ 450 કલાકથી પણ વધુ સમય સુધી 400થી વધુ જાહેર પ્રવચનો કર્યા છે. તેમના સંબોધનવો 161થી વધુ દેશના ઓડિયન્સમાં પહોંચ્યા છે અને યુટ્યૂબ પર 400,000 વધુ વ્યૂઝ મળ્યા છે. ધ્રુવ છત્રાલિયાને હિન્દુઈઝમ અને યુવાવિકાસમાં સ્વૈચ્છિક યોગદાન માટે 2020માં ક્વીન એલિઝાબેથ દ્વિતીયનાં ન્યૂ યર ઓનર્સ લિસ્ટમાં બ્રિટિશ એમ્પાયર મેડલ (BEM)થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
19 ડિસેમ્બર, 2025ના દિવસે યોજાએલા ઈવેન્ટમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધાના વિજેતાઓની જાહેરાત પણ કરવામાં આવી હતી અને તેમને આકર્ષક ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ABPLના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર પૂજાબહેન રાવલે કર્યું હતું. સુભાષભાઈ ઠકરાર OBE અને કાંતિભાઈ નાગડા MBEએ ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના પ્રકાશક અને તંત્રી સીબી પટેલ સાથે મળીને ધ્રુવ છત્રાલિયાને પ્રશંસાનાં પ્રતીકની ભેટ આપી હતી.
છત્રાલિયાએ હિન્દુ પરંપરાઓ સંદર્ભે ચર્ચા કરી
ગુજરાત સમાચાર અને એશિયન વોઇસની ઓફિસમાં નિબંધ સ્પર્ધાના વિજેતાઓને એવોર્ડ્સ એનાયત કર્યા પછી ધ્રુવ છત્રાલિયા BEMએ ઉપસ્થિત રહેવા બદલ આનંદ વ્યક્ત કરી વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભગવદ્ ગીતા અને અન્ય શાસ્ત્રો પર પ્રવચનોથી શ્યામના વિકાસ તેમજ વાર્તાલાપોના આયોજનમાં રસ ધરાવતી તળિયાસ્તરની નાની સંસ્થાઓ અને વ્યક્તિઓને સારો સપોર્ટ આપવાના હેતુસર ચેરિટી તરીકે નોંધણી કરાવવાના લક્ષ્ય વિશે પણ જણાવ્યું હતું.
તેમણે હિન્દુ પરંપરાઓ વિશે વિસ્તારપૂર્વક જણાવવા સાથે કહ્યું હતું કે, ‘કાસ્ટ કે જાતિ વિશે મૂળભૂત અર્થ વર્ણ એટલે વિવિધરંગી થાય છે. બ્રાહ્મણ જ્ઞાનના શોધક છે, ક્ષત્રિયો અન્યોનું રક્ષણ કરે છે, વૈશ્યો ધનનું સંચાલન કરે છે અને શૂદ્રો અન્યોની જરૂરિયાતો પૂર્ણ કરે છે. વર્ણ જન્મ પર નહિ, પરંતુ જન્મજાત ગુણો પર આધારિત હતો. ઉદાહરણ તરીકે, વિશ્વામિત્ર ક્ષત્રિય તરીકે જન્મ્યા પરંતુ બ્રાહ્મણ ઋષિ બન્યા. ‘કાસ્ટ’ શબ્દ તો પોર્ટુગીઝ અને બ્રિટિશ કાળમાં આવ્યો હતો.’
છત્રાલિયાએ સમજાવ્યું હતું કે મૂર્તિપૂજા આપણને મનને એકાગ્ર કરવામાં મદદ કરે છે. પ્રતિમાઓ તો નિર્જીવ છે, પરંતુ મૂર્તિઓ જીવંત સ્વરૂપ મનાય છે. તેમણે યજ્ઞના ત્રણ તત્વ વિશે જણાવતા કહ્યું હતું કે દેવપૂજા આત્મસુધારણાના લક્ષ્ય સાથેની પૂજા છે, સંગતિ કર્ણમ એટલે કે ઉમદા હેતુ માટે એકત્ર થવું અને દાનમ એટલે વહેંચવું અને અન્યોને આપવું એમ થાય છે.
તેમણે શાસ્ત્રોમાં વૈજ્ઞાનિક જ્ઞાન વિશે પણ ચર્ચા કરતા જણાવ્યું હતું કે, ‘મત્સ્ય (માછલી)થી કલ્કિ સુધીના અવતારો ઉત્ક્રાંતિને દર્શાવે છે. 18 અને 108 જેવી સંખ્યાઓ સચોટ છે, 18 પુરાણો, કુરુક્ષેત્ર યુદ્ધના 18 દિવસ અને માળામાં 108 મણકા. તુલસી હવા શુદ્ધ કરે છે, ગાય પોષણ અને ઊર્જા આપે છે. આપણી સંસ્કૃતિ સમૃદ્ધ અને વૈજ્ઞાનિક છે. જ્યારે બાળકો-યુવાનો પ્રશ્નો પૂછે, ત્યારે વિધિવિધાનો પાછળનો તર્ક સમજાવવાથી તેઓ માતાપિતા કરતાં પણ વધુ ઉત્સાહી બને છે.’
છત્રાલિયાએ સંબોધનના સમાપનમાં કહ્યું હતું કે, ‘દરેક શાસ્ત્ર નિષ્પક્ષ-પૂર્વગ્રહરહિત છે, આપણે તમામ હિન્દુ દેવીદેવતાની પૂજા કરીએ છીએ અને તમામ સારા ગુરુઓ દ્વારા અપાયેલા જ્ઞાનનું સન્માન કરીએ છીએ. આ હિન્દુ ધર્મ અને તેની ઊંડાઈનો સંક્ષિપ્ત પરિચય છે.’
હિન્દુ મૂલ્યોને બ્રિટિશ વિચારસરણી અને નીતિઓમાં સામેલ કરવાનો સમય પાકી ગયો છેઃ સુભાષ ઠકરાર
સુભાષભાઈ ઠકરાર OBEએ જણાવ્યું હતું કે, તેમણે શરૂઆતના દિવસોથી ધ્રૂવના ગીતાસત્રોનું અનુસરણ કર્યું છે. તેમણે બ્રિટિશ હિન્દુ સમાજની અંદર રહેલી ‘મહત્ત્વની ખાઈ’ પૂરવાના તેમના કાર્યને બિરદાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ‘ઘણા હિન્દુઓ આપણી પોતાની સંસ્કૃતિ, શાસ્ત્રો અને જીવનના માર્ગ વિશે જાણતા નથી. માત્ર ભગવદ્ ગીતા વાંચવાથી પણ જીવનભરની શીખ-ઉપદેશ મળી જાય છે.’ આ ઉપદેશો ઈંગ્લિશમાં સુલભ બનાવવા બદલ ધ્રૂવનો આભાર માનતા તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, ‘કોમ્યુનિટીના ઘણા લોકો માટે હવે બ્રિટન જ ઘર છે. આપણે પ્રથમ કક્ષાના બ્રિટિશ નાગરિક છીએ અને આપણે અહીંના વતની છીએ.’ તેમણે બ્રિટિશ હિન્દુઓને શાંત યોગદાન આપવાથી આગળ વધી વ્યાપક સમાજના ઘડતર માટે સક્રિયપણે કામ કરવાનો અનુરોધ કરતા કહ્યું હતું કે,‘હિન્દુ મૂલ્યોને બ્રિટિશ વિચારસરણી અને નીતિઓમાં સામેલ કરવાનો સમય પાકી ગયો છે, જેથી સમગ્ર સમાજનું કલ્યાણ થઈ શકે.’
સુભાષભાઈએ વધુમાં જણાવ્યું હતું કે,‘ હું માનું છું કે આપણા બધા વતી આપણે સીબીનો વિશેષ આભાર માનવો જોઈએ. તેઓ 89 વર્ષના છે, તમે માની શકો ખરા? અને તેઓ હજુ પણ ઘણા સક્રિય છે. મને તો તેમની યાદશક્તિ વિશેષ પ્રભાવિત કરે છે અને મને ખાતરી છે કે તેમને પહેલી વાર મળતા લોકો સાથે પણ આમ જ થશે. સીબી અસાધારણ વ્યક્તિત્વ છે અને આપણે તેમના આભારી રહેવું જોઈએ. વ્યાપક સમાજને તેમનું યોગદાન અપાર છે. મને સ્મૃતિ ગ્રંથ માટે ક્રેડિટ મળી રહી છે, પરંતુ આ તેમની પહેલ હતી. તેમણે આજે સન્માન માટે ધ્રુવને ઓળખ કરી. આપણે ગુજરાત સમાચારના 50 વર્ષની ઊજવણી કરી અને આવતા વર્ષે એશિયન વોઇસ 50 વર્ષનું થાય છે. આ વયે, આવી તીક્ષ્ણ સ્મરણશક્તિ સાથે, તેઓ આપણા સમુદાયને ઘણું આપી રહ્યા છે અને આ માટે આપણે બધાએ તેમનો આભાર માનવો જોઈએ.’
આ વાર્તાલાપો સ્થાનિક સ્થળોએ લઈ જવા જોઈએઃકાન્તિભાઈ નાગડા
કાન્તિભાઈ નાગડા MBEએ જણાવ્યું હતું કે, ‘હું ન્યૂઝપેપર્સ દ્વારા તેમજ બોબ બ્લેકમેન દ્વારા અપાતા અપડેટ્સ સાથે ધ્રૂવના કાર્યને અનુસરતો આવ્યો છું અને તમે બ્રિટિશ પાર્લામેન્ટમાં ગીતાપઠનનું આયોજન કર્યું તે અદ્ભૂત છે.’ જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે બ્રિટિશ પાર્લામેન્ટમાં પ્રવેશ મેળવવો ઘણા લોકો માટે સુલભ હોતો નથી, આથી, ‘શા માટે આ વાર્તાલાપો વિવિધ સ્થાનિક સ્થળોએ ન લઈ જવા જોઈએ જેથી વધુ લોકોને તેનો લાભ મળી શકે? શરૂઆતમાં ઓડિયન્સ ઓછું હોઈ શકે, પરંતુ ધીરે ધીરે આ ઉપદેશો વધુ લોકો સુધી પહોંચી શકશે.’ તેમણે આ ગ્રૂપને ચેરિટી તરીકે રજિસ્ટ્રેશન કરાવવાનું પણ સૂચન કર્યું હતું જેના થકી ‘સરકારી મદદ મેળવવાને પાત્ર બની શકાશે અને હિન્દુત્વના પ્રસાર અને પહોંચને વિસ્તારવામાં મદદ મળશે.’.
સનાતન ધર્મની સીમાઓ વિસ્તરી રહી છેઃ સીબી પટેલ
આભારપ્રસ્તાવ દરમિયાન સીબી પટેલે કહ્યું હતું કે, ‘હું ખરેખર તમારી (ધ્રૂવ) ઉપસ્થિતિની કદર કરું છું. તમે જે હાંસલ કર્યું છે તે અદ્ભુત છે. અમે સૌથી નાનાથી લઈને સૌથી મોટા સુધીની અમારી પરંપરાને જાળવી રાખવા સાથે અમારા જ્ઞાન યજ્ઞ, સેવા યજ્ઞના નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ. ધ્રુવ, તમારી રચનાત્મકતા નોંધનીય છે. તમારું કારકિર્દી, જ્ઞાન અને સેવાનું સંયોજન અનુકરણીય છે. સનાતન ધર્મની સીમાઓ વિસ્તરી રહી છે અને તમારા પ્રયાસો દરેક પેઢીઓને પ્રેરણા આપે છે. અમારું સોનેરી સમૃતિ ગ્રંથ પુસ્તક આપણા માઈગ્રેશન અને વીરાસતનો વિશ્વકોશ છે. જેટલી કોપીઓ માંગો તેટલી લઈ જાઓ. સુભાષભાઈ, કાંતિભાઈ અને અન્ય ઘણાનો આભાર કે કોઈ ચાર્જ નથી.’ તેમણે ઉમેર્યું હતું કે, ‘હું કોમ્યુનિટી સિક્યુરિટી ટ્રસ્ટ (CST) અને કર્મ યોગ ફાઉન્ડેશન સાથે સંકળાયેલો છું. વ્યક્તિ કરતાં સંસ્થા મહાન છે એટલે કે વ્યક્તિ કરતાં સંગઠન મોટું છે. અમારું ધ્યેય તમારા જેવા પ્રોજેક્ટ્સને સપોર્ટ કરવા અને જ્ઞાનના પ્રસારમાં મદદ કરવાનું છે.’ મેં સમગ્ર યુરોપમાં સત્યાનંદ સ્વામીથી મોરારી બાપુ સુધીના લેક્ચર્સ આયોજિત કર્યા છે કારણકે અમારું કાર્ય મહત્ત્વપૂર્ણ સંદેશા ફેલાવવાનું છે.’
નિબંધસ્પર્ધા અને વિજેતાઓ સંદર્ભે બોલતા સીબીએ ઉમેર્યું હતું કે,‘40થી વધુ નિબંધો આવ્યા હતા અને માત્ર ગુણવત્તાના આધારે નિર્ણયો કરવામાં આવ્યા છે. ઇનામની રકમ ગૌણ છે; તમારી પ્રતિબદ્ધતા મહત્ત્વની છે. યોગદાન આપવાનું ચાલુ રાખો અને જો શક્ય હોય તો તમે મિત્રો અને પરિવારને સબસ્ક્રિપ્શનની ગિફ્ટ આપો. આ કોઈ અંત નથી, અમારું કામ ચાલુ જ છે અને મને વધુ નહિ તો આગામી હજાર વર્ષોમાં વિશ્વાસ છે.’
આનંદદાયક વાતાવરણમાં કાર્યક્રમનું સમાપન થયું હતું. ઉપસ્થિત આમંત્રિતોએ વિવિધ નાસ્તા અને રિફ્રેશમેન્ટનો આનંદ માણ્યો હતો તેમજ મહેમાનોને વિજેતાઓ સાથે હળવામળવા અને અભિનંદવાનું મુક્ત વાતાવરણ સાંપડ્યું હતું.
સંસ્કૃતિ અને સમુદાય પરત્વે ઈનામવિજેતાઓના પ્રતિભાવ
ગુજરાત સમાચારની નિબંધ સ્પર્ધામાં ઋતા રાડિયાએ પ્રથમ સ્થાન મેળવીને 501પાઉન્ડનું ઇનામ જીત્યું હતું. દીપિકા બિટાલાએ દ્વિતીય સ્થાન સાથે 251 પાઉન્ડ મેળવ્યા હતાં જ્યારે ડો. અમૃતભાઈ શાહે ત્રીજું સ્થાન મેળવી 101 પાઉન્ડ જીત્યા હતા. એશિયન વોઇસની નિબંધ સ્પર્ધામાં તારલા મોઢાએ પ્રથમ સ્થાન મેળવીને 501પાઉન્ડનું ઇનામ જીત્યું હતું.જીત્યા, મીબહેન વ્યાસ MBEએ દ્વિતીય સ્થાન સાથે 251 પાઉન્ડ તેમજ ભૂપેન્દ્રભાઈ ગાંધીએ ત્રીજું સ્થાન મેળવી 101 પાઉન્ડ જીત્યા હતા.
નિબંધ સ્પર્ધાના વિજેતા ઋતા રાડિયાએ જણાવ્યું: ‘હું છેલ્લા 18-19 વર્ષથી યુકેમાં રહું છું. મારો જન્મ અને ઉછેર ભારતના રાજકોટમાં થયો છે. હું છેલ્લા 15 વર્ષથી યુકેમાં સોફ્ટવેર ડેવલપર તરીકે કામ કરું છું.’ તેમણે ગુજરાત સમાચાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ‘સૌથી પહેલા હું ગુજરાત સમાચારને આભાર માનું છું કે તેમણે આપણા સમુદાયને ગુજરાતી અખબાર પૂરા પાડ્યા છે. હું આ દેશમાં આવી ત્યારે ટ્યુબમાં મેટ્રો વાંચતી હતી. હું હજુ પણ જૂની સ્કૂલની છોકરી છું જેને ઇ-પેપર કરતાં હાથમાં રાખી અખબાર વાંચવું ગમે છે. આથી જ મેં સબસ્ક્રિપ્શન માટે વિનંતી કરી જેથી હું વાંચી શકું.’
ઋતાએ તેમના નિબંધ લખવાની પ્રેરણાને વર્ણવતાં કહ્યું હતું કે, ‘ મને આ જાહેરાત જોતાંજ જૂની વાતો યાદ આવી ગઈ. હું ભારતમાં સ્કૂલમાં સ્પર્ધાઓમાં ભાગ લેતી હતી. મને યાદ છે કે મારા પિતાજી મારાં માટે સ્પીચ લખતા નઅને માર્ગદર્શન આપતા હતા. આજે તો તેઓ નથી, પરંતુ નિબંધ લખતી વખતે મને તેમની ખૂબ યાદ આવી. મારાં મનમાં તેઓએ એડિટર બની રહ્યા હતા, સુધારા સૂચવતા હતા. એ તો કેક પર આઈસિંગ જેવું હતું.’
તેમના પતિ કશ્યપ રાડિયાએ ઉમેર્યું હતું કે, ‘પરિવાર તરીકે અમારી જવાબદારી છે. અમે તહેવારો ઉજવીએ છીએ, દિવાળીના નાસ્તા બનાવીએ છીએ, ગુજરાતી બોલીએ છીએ અને અમારા બાળકોને ગુજરાતી ફિલ્મો જોવા પ્રોત્સાહિત કરીએ છીએ. સનાતન પરંપરા ચાલુ રહે તે માટે દરેકે આપણી પરંપરાઓ આગામી પેઢી સુધી પહોંચાડવાની જવાબદારી લેવી જ જોઈએ.’
ઋતાના દીકરા રિશિતે જણાવ્યું હતું કે, ‘મારી મમ્મીએ ચેસમાં મને સપોર્ટ કર્યો અને નિબંધ માટે પ્રોત્સાહિત કર્યો. મેં તેમને ગુજરાતી વાંચવામાં મદદ કરી. તેમણે ઇનામમાંથી માત્ર એક પાઉન્ડ રાખવા માંગ્યાં અને બાકીની રકમ આયોજકોને પરત કરી દીધી છે.’
દીપિકાબહેન બુટાલાએ જણાવ્યું હતું કે તેઓ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સમાં બિઝનેસ એનાલિસ્ટ તરીકે કામ કરે છે અને પતિ અને બે બાળકો સાથે યુકેમાં રહે છે જ્યારે તેમના સાસરાપક્ષના ભારતના વડોદરામાં રહે છે અને તેમના ખુદના પેરન્ટ્સ વેમ્બલીમાં રહે છે. નિબંધલેખન માટે પોતાની પ્રેરણા વિશે તેમણે જણાવ્યું હતું કે, ‘હું જ્યારે વિષયો, અને ખાસ કરીને આપણી સંસ્કૃતિ અને સભ્યતા વિશે વાંચ્યુ તો તે હૃદયને સ્પર્શી ગયું હતું. મને લાગ્યું કે આ આપણા પારિવારિક મૂલ્યોમાંથી જ આવે છે, મારે પણ કાંઈક લખવું જ રહ્યું.’ તેમણે જણાવ્યું હતું કે આખરી દિવસે તેમણે થોડા કલાકોમાં જ નિબંધ લખ્યો હતો, ‘મને હું જીતીશ કે નહિ તેની જરા પણ દરકાર ન હતી. મહત્ત્વનું એ હતું કે વિષયોથી હું હલબલી ગઈ હતી.’ દ્વિતીય ઈનામ હાંસલ કરવા બાબતે દીપિકાબહેને જણાવ્યું કે,‘સૌ પહેલા મારા પતિને આ જણાવ્યું હતું અને તેમને પણ આંચકો લાગ્યો અને ગર્વ પણ થયો. આ પછી, આ સમાચાર મારાં બાળકોને પણ જણાવ્યા અને આ ખરેખર વિશિષ્ટ પળો હતી.’
અન્ય વિજેતા મીરાબહેન વ્યાસ MBEએ જણાવ્યું હતું કે, ‘હું આ દેશમાં 50 વર્ષથી છું અને 45 વર્ષથી ગુજરાત સમાચારની વાચક છું. મારી સ્વર્ગસ્થ માતા અને દાદીમાને આ અખબાર ખૂબ ગમતું હતું. મેં મારી મમ્મીને યાદ કરીને નિબંધ લખ્યો હતો. હું આ દેશ અને તેણે આપેલી તકો માટે ખૂબ આભારી છું. આપણે આપણી સંસ્કૃતિનો પ્રચાર કરવો જોઈએ અને સનાતન પરંપરાનું મૂલ્ય પ્રદર્શિત કરવું જોઈએ.’
યુગાન્ડાથી આવેલા અન્ય વિજેતા તરલાબહેન મોઢાએ કહ્યું હતું કે, ‘હું નિવૃત્ત છું અને હેરોમાં અંધ લોકો માટે અને નોર્થવિક પાર્ક હોસ્પિટલમાં અંતિમ સંભાળ માટે વોલન્ટિયર કામ કરું છું. અમે દર્દીઓ અને પરિવારોને ભાવનાત્મક સપોર્ટ આપીએ છીએ, જે ખૂબ સંતોષજનક છે.’

