બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર અત્યાચાર

Wednesday 31st December 2025 05:51 EST
 
 

ઢાકાઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર દિવસે ને દિવસે વધી રહ્યો છે. એવામાં હવે હિન્દુઓના સામૂહિક હત્યાકાંડને અંજામ આપવા કાવતરું ઘડાયું હોવાના અહેવાલો છે. ફેબ્રુઆરી મહિનામાં બાંગ્લાદેશમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. તે પૂર્વે બે લાખથી વધુ હિન્દુઓની હત્યા કરવા માટે લોકોને ઉશ્કેરતાં પોસ્ટરો ફરતાં થયાં છે. આ પોસ્ટરો હિંસાગ્રસ્ત ચટગાંવમાં લગાવાયાં છે. આ ચર્ચા વચ્ચે વધુ એક હિન્દુનું ઘર સળગાવવામાં આવ્યું. બાંગ્લાદેશના કટ્ટરવાદી નેતા અને હાલમાં વચગાળાની સરકાર ચલાવનારા મોહંમદ યુનુસે કટ્ટરવાદીઓને ખુલ્લી છૂટ આપી દીધી છે. જેના પરિણામે હવે હિન્દુઓ પર હુમલા સામાન્ય બનતા જાય છે.
બે સપ્તાહમાં ત્રીજા હિન્દુ યુવકની હત્યા
બાંગ્લાદેશમાં ઉસ્માન હાદીના મોત બાદ શરૂ થયેલી હિંસા અટકી રહી નથી. હિંસક લોકોએ સરકારની નાકમાં દમ કરી દીધો છે. આ ઘટના બાદ બાંગ્લાદેશમાં બે અઠવાડિયામાં જ ત્રણ હિન્દુ યુવકની કરપીણ હત્યા કરાઈ છે. 30 ડિસેમ્બરે મયમનસિંહ જિલ્લામાં ફેક્ટરીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા હિન્દુ યુવક બ્રજેન્દ્ર વિશ્વાસની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. સૌૈપ્રથમ 18 ડિસેમ્બરે ઢાકા નજીક ટોળાએ દીપુચંદ્ર દાસ અને 24 ડિસેમ્બરે 29 વર્ષીય હિન્દુ યુવક અમૃત મંડલની ટોળાએ ખંડણીના આરોપ લગાવી હત્યા કરી હતી.
ભારત સરહદો ખોલી અમને બચાવી લે
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર એટલો વધી ગયો છે કે હવે તેમનું મોબ લિન્ચિંગ થવા લાગ્યું છે. તાજેતરમાં જ બે હિન્દુ યુવકોની હત્યા બાદ હવે બળતામાં ઘી હોમવા માટે બાંગ્લાદેશનો કટ્ટરવાદી નેતા તારિક રહેમાન પરત ફર્યો છે, જેને પગલે હિંસા વધવાની શક્યતા છે. અનેક હિન્દુઓએ ભારત સરકારને વિનંતી કરી છે કે, તે બાંગ્લાદેશ સરહદ ખોલી નાખે અને હિન્દુઓને ભારત આવવાની છૂટ આપે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓની વસ્તી 14 ટકાથી ઘટી માત્ર 7 ટકા થઈ
ગઈ છે.
તારિક રહેમાન 17 વર્ષ બાદ બાંગ્લાદેશ પરત ફર્યા
બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ના કાર્યકારી પ્રમુખ તારિક રહેમાને 17 વર્ષ પછી દેશમાં પરત ફર્યા બાદ શાંતિ, કાયદો અને વ્યવસ્થાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, દેશમાં શાંતિ માટે કામ કરવા દરેક વ્યક્તિએ રાજકીય પક્ષ, ધર્મ અથવા ઓળખથી ઉપર રહેવું જોઈએ. માર્ટિન લ્યૂથર કિંગને ટાંકીને તેમણે કહ્યું, મારી પાસે દેશ અને લોકો માટે એક યોજના છે અને તેને અમલમાં મૂકવા માટે દરેકના સહયોગની જરૂર છે.
6 મહિનામાં હિન્દુઓ સામે ઇશનિંદાના 71 કેસ
બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિન્દુ સમુદાય સામે ઈશનિંદાના આરોપોને હથિયાર બનાવીને કરાઈ રહેલી હિંસાએ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમૂહોની ચિંતા વધારી છે. હ્યુમન રાઇટ્સ કોંગ્રેસ ફોર બાંગ્લાદેશ માઇનોરિટીઝ (HRCBM)ના રિપોર્ટ અનુસાર જૂન 2025થી ડિસેમ્બર 2025 દરમિયાન હિંદુઓ સામે ઈશનિંદાના ઓછામાં ઓછા 71 કેસ દાખલ કરાયા છે.


comments powered by Disqus