શેખ હસીના સરકારના પતન બાદ બાંગ્લાદેશમાં ચાલી રહેલો ભારત વિરોધી ઘટનાક્રમ એક ઊંડા મનોમંથનની જરૂર હોવા પર ભાર મૂકી રહ્યો છે. 1971માં પાકિસ્તાની અત્યાચારો તળે કચડાઇ રહેલા વર્તમાન બાંગ્લાદેશીઓ માટે ભારતે એકસમયે અમેરિકા જેવી મહાસત્તા સામે ઝૂકવાનો પણ ઇનકાર કરી દીધો હતો. આજે એજ બાંગ્લાદેશીઓની નવી પેઢી ભારત, ભારતીયો અને વિશેષ કરીને લઘુમતી હિન્દુ સમુદાય સામે ઝેર ઓકી રહી છે. બાંગ્લાદેશનું ભારત પ્રત્યેનું વર્તમાન વલણ ઘણા સવાલો પેદા કરી રહ્યું છે. સૌથી મહત્વનો સવાલ એ છે કે પ્રાદેશિક સ્થિરતા., પરસ્પરનો વિશ્વાસ અને લાંબાગાળાની વ્યૂહાત્મક ભાગીદારીના લક્ષ્યાંકો હાંસલ કરવામાં ભારત સંપુર્ણ નિષ્ફળ ગયો છે? એવી તો કઇ ખામી રહી ગઇ કે આજે એકસમયનો ભારતનો સૌથી વિશ્વાસુ પાડોશી દેશ આજે ચીન અને પાકિસ્તાન જેવા ભારતના પરંપરાગત દુશ્મનોના ખોળામાં જઇને બેઠો છે.
ભારતની નીતિની સૌથી મોટી નિષ્ફળતા તેની બાંગ્લાદેશ અંગેની જુનિયર પાર્ટનરની ધારણામાં રહેલી છે. ભારતીય નીતિઘડવૈયાઓએ ક્યારેય બાંગ્લાદેશને સ્વાયત્ત સમાન દેશ તરીકે સ્વીકાર્યો નથી અને હંમેશા મોટાભાઇ તરીકેનો વર્તાવ તેની સાથે કર્યો છે. ભારતના નીતિઘડવૈયાઓનું એમ માનવું ભૂલભરેલું પૂરવાર થયું છે કે બાંગ્લાદેશની રચનામાં કરેલી સહાયને કારણે બાંગ્લાદેશ હંમેશા ભારતનો વફાદાર સાથી દેશ બની રહેશે. તેમની આ માનસિકતાના કારણે જ બાંગ્લાદેશના ઘટનાક્રમને પારખવામાં નિષ્ફળતા મળી છે એમ કહેવું અયોગ્ય નહીં કહેવાય. બાંગ્લાદેશમાં સ્થાનિક સરકારો પ્રત્યે વધી રહેલા અસંતોષ, વિશેષકરીને આજની યુવાપેઢીમાં પ્રવર્તી રહેલા આક્રોશને ભારત સમજી શક્યો નથી. તેનો ભરપૂર લાભ બાંગ્લાદેશના કટ્ટરવાદી અને ભારત વિરોધી પરિબળોએ ઉઠાવ્યો છે. આજે એવી સ્થિતિ સર્જાઇ છે કે ભારત પ્રત્યેની આ નફરત હવે હિન્દુઓ પ્રત્યેની નફરતમાં તબદિલ થઇ ચૂકી છે. શેખ હસીના સામે પ્રવર્તતી રહેલી નારાજગી અને આક્રોશ છતાં ભારત સરકારે શેખ હસીનાને રાજ્યાશ્રય આપ્યો તેના કારણે સ્થિતિ વધુ વકરી છે. આ સ્થિતિનું નિર્માણ રાતોરાત થયું નથી. બાંગ્લાદેશ સાથેના જળ વહેંચણી અને અન્ય આર્થિક મુદ્દાઓમાં ભારતના નીતિ ઘડવૈયાઓની ભૂલોએ બાંગ્લાદેશમાં ભારત વિરોધી લાગણીઓને વધુ પ્રજવલિત કરી અને તેનો લાભ કટ્ટરપંથીઓ ઉઠાવી રહ્યાં છે.
બીજી એક સૌથી વધુ મોટી નિષ્ફળતા ભારતીય ગુપ્તચર એજન્સીઓની છે. બાંગ્લાદેશી જનમાનસમાં ધરમૂળથી આવી રહેલા પરિવર્તનને પારખવામાં ભારતીય ગુપ્તચર એજન્સીઓ સદંતર નિષ્ફળ ગઇ છે. તે ઉપરાંત બાંગ્લાદેશમાં વધી રહેલા ચીન અને પાકિસ્તાનના પ્રભાવને ખાળવામાં ભારતની કૂટનીતિની નિષ્ફળતા પણ આંખે ઊડીને વળગે તેવી છે. એક રીતે કહીએ તો ભારતની અવગણનાને કારણે બાંગ્લાદેશ વૈકલ્પિક ભાગીદારીઓ તરફ આગળ વધી ગયો હતો. આજે તે ભારત સાથેના સંબંધોના ભોગે પણ ચીન અને પાકિસ્તાન સાથે લશ્કરી અને આર્થિક સંબંધો વધુ મજબૂત બનાવતાં ખચકાઇ રહ્યો નથી.
બાંગ્લાદેશના મામલામાં ભારતે તેની નીતિઓમાં ધરમૂળથી બદલાવ કરવાનો સમય આવી પહોંચ્યો છે. ભારતે બાંગ્લાદેશને એક જુનિયરની જેમ ટ્રીટ કરવાને બદલે એક સારા પાડોશી વ્યૂહાત્મક ભાગીદાર તરીકે સ્થાન આપવાની તાતી જરૂર આજની વૈશ્વિક પરિસ્થિતિને જોતાં લાગી રહી છે.
