અહિંસા, શાંતિ, કરૂણા, પ્રેમ અને મૈત્રીનો સંદેશ આપતું “મહાવીર જન્મ કલ્યાણક”નું પર્વ આ વર્ષે ૩૧ માર્ચના રોજ છે. દેશવિદેશમાં વસતા હજારો જૈનો આ પર્વની ઉજવણી ભક્તિભેર, આનંદોલ્લાસ સહિત કરી ધન્યતાનો અનુભવ કરશે. ભગવાન મહાવીરે એમના અલૌકિક વ્યક્તિત્વ અને દિવ્યતાથી ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં એક ક્રાંતિકારી યુગનું નિર્માણ કર્યું છે.
મહાવીર જન્મ કલ્યાણક’ની ઉજવણી સમાજના સૌ સભ્યો સાથે મળી મૈત્રીભાવ અને આંતરિક શાંતિ માટે ભક્તિભેર કરે છે. દેરાસરોમાં વહેલી સવારે પ્રાર્થના, પ્રભુની પ્રતિમાજી પર અભિષેક, પૂજા, ઉપવાસ, (હાલ આયંબિલની ઓળી ચાલી રહી છે એથી કેટલાય ભાઇબહેનોએ એ કરી જીભના સ્વાદને તિલાંજલી આપી હશે), ભવ્ય વરઘોડો, પેંડાની વહેંચણ, જન્મોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે દ્વારા જ્ઞાન ઉપાર્જન કરવાની પ્રવૃત્તિમાં સક્રિય બની આંતરિક શુધ્ધિ તેમજ માનવતાને અગ્રસ્થાને રાખવાની જાગૃતિ આવે છે.
જગતને “જીવો અને જીવવા દો” અને “અહિંસા પરમો ધર્મ”ના સરળ મંત્ર આપ્યા જે માનવતા માટે અત્યંત ઉપકારી છે. ત્રણેય જગતના તારણહાર ભગવાન મહાવીરના જન્મની મંગળ ઘડીનો પાવન પ્રસંગ “ત્રિશલાનંદન વીરકી જય બોલો મહાવીર કી”ના નારાથી ગૂંજી ઉઠશે.
જૈન ધર્મના પાયાના સિધ્ધાંતો:
અહિંસાના પાયા પર રચાયેલ જૈન ધર્મ માનવને કરૂણામય જગત બનાવવા સૂચવે છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવના રક્ષણની વાત કરે છે. પશુઓ ને પંખીઓના રક્ષણ માટે ઠેર ઠેર પાંજરાપોળો બનાવી એમનું રક્ષણ કરી જીવદયાને મહત્વ આપે છે.
વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના સંઘર્ષ ટાળવાની માસ્ટર કી આપે છે: “તમારી જાતને કોઇ દુ:ખ પહોંચાડે તો તમને ગમશે?’ નહિ ગમે ને! એ જ નિયમ બીજા સામેના વર્તનમાં લાગુ પાડીએ તો કેટલાય સંઘર્ષો ટાળી શકાય. ઘરમાં કે ઓફિસમાં શાંતિનું વાતાવરણ સર્જાય. મૈત્રીભાવ વ્યાપક બને. માનવીનો સાચો ધર્મ આ જ છે; સૌની સાથે પ્રેમભર્યો વ્યવહાર રાખો. વાણી-વર્તનમાં સંયમ રાખો. નમ્ર બનો.
એના કેન્દ્ર સ્થાને ચેરિટી છે. ઇશ્વરે તમને સંપતિ આપી હોય તો લક્ષ્મીનો સદુપયોગ કરો. સુવિધાથી વંચિતોને ભોજન, કપડાં તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વિતરણ કરી એમના રક્ષણ તેમજ સન્માનની ભાવના ઉજાગર કરો જેથી મનમાં સંતોષની લાગણી જન્મશે જે સુખનો અનુભવ કરાવશે. સુખ શોધવા માર્કેટમાં જવાની જરુર નથી. એ આપણા માહ્યલામાં જ પડ્યું છે. અંતરમન જાગૃત કરવાની વાત છે. સત્કાર્યો કરી માનવભવ મળ્યો છે તેને સાર્થક કરવાનો છે.
ભૌતિક સુખનો ત્યાગ અને ક્રોધ, લોભ, મોહ-માયા જેવા આંતરિક દુશ્મનો પર વિજય મેળવવા સ્વ શિસ્તનું પાલન કરવાથી મોક્ષનો માર્ગ ખૂલે છે.
આધુનિક યુગમાં અજંપો અને અશાંતિનું વાતાવરણ વિશ્વ વ્યાપી બન્યું છે ત્યારે જૈન ધર્મના સિધ્ધાંતોનો પ્રચાર-પ્રસાર કરવાની ને અમલમાં મૂકવાની જરૂર છે. હાલના અમેરિકા, ઇઝરાયેલ, ઇરાનના યુધ્ધે વિશ્વને ભયભીત બનાવી દીધું છે એવા સંજોગોમાં ભગવાન મહાવીરનો સંદેશ “જીવો અને જીવવા દો”ની સમજ કેળવવાની અને એ અંગે ચિંતન કરી એમાંથી પ્રેરણા લેવાની જરૂર છે. “પરસ્પરગ્રહો જીવાનામ્” અને “અનેકાંતવાદ”ની ભેટ જૈન ધર્મે આપી જગતને વાદવિવાદમાંથી બચવાનો માર્ગ ચીંધ્યો.. જૈન ફિલોસોફી વૈશ્વિક સમાજને વધુ શાંતિમય અને મૈત્રીસભર બનાવવા પ્રેરે છે.
ભગવાન મહાવીરના જન્મની સંક્ષિપ્ત કથા:
ચૈત્ર સુદ તેરસના પાવન દિને ઉત્તરા ફાલ્ગુન નક્ષત્રમાં જૈનોના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીરનો જન્મ બિહારના કુઁડલગ્રામમાં મહારાજા સિધ્ધાર્થના ઘરે અને ત્રિશલારાણીની કૂખે રાજવી કૂળમાં થયો. ૫૯૯ બી.સી.ઇ એટલે કે ૨૬૨૪ વર્ષ પૂર્વે ભગવાન મહાવીરનો જન્મ થયો હતો.
ભગવાન મહાવીર માતાના ગર્ભમાં હતા ત્યારે એમને આવેલ ચૌદ સ્વપ્નોની ફળશ્રુતિ હતી કે તે જગતના તારણહાર તીર્થંકર બનશે. એ ગર્ભમાં હતા ત્યારથી રાજ્યમાં ધન-ધાન્યની વૃધ્ધિ થવા લાગી અને પ્રજાજનોના સુખ-સમૃધ્ધિમાં વધારો થતાં એમનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું.
પુત્રના લક્ષણ પારણામાં એમ એમની વીરતાના અનેક પરચાઓએ તેમને “મહાવીર” તરીકે સંબોધ્યા.
ભગવાન મહાવીરના કરૂણા અને પ્રેમના ગુણનો એક કિસ્સો:
તેઓ ગર્ભમાં હતા ત્યારે માતાને દુ:ખ ન પહોંચે એટલે હલન-ચલન બંધ કર્યું. માતા બેબાકળા બની ગયા કે, મારો પુત્ર અંદર જીવિત છે કે કેમ તેની ચિંતા કરવા લાગ્યા. એ જાણી તરત જ હલન-ચલન શરૂ કર્યું અને માતાના જીવને સાંત્વના મળી. ત્યારથી જ પ્રભુએ નક્કી કર્યું કે માતા-પિતા જીવિત હશે ત્યાં સુધી એમને વ્યથિત નહિં કરું. એટલે એમણે માતા-પિતાની આજ્ઞાનું પાલન કરી એમના સ્વર્ગવાસ બાદ મોટાભાઇ નંદિવર્ધનની આજ્ઞા લઇ ૩૦ વર્ષની વયે દિક્ષા અંગિકાર કરી. રાજમહેલના સુખ-વૈભવનો ત્યાગ કરી મોક્ષના માર્ગની શોધમાં નીકળ્યાં.
બાર વર્ષનું ઘોર તપ કર્યું દરમિયાનમાં અનેક ઉપસર્ગો સહન કર્યા. ચઁડકૌશીક જેવા ઝેરી નાગને ઉગાર્યો. કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. જનહિતાય લોકભાષામાં ઉપદેશ આપ્યો.
અહિંસા, સત્ય, અસ્તેય (જુઠ્ઠું ન બોલવું), બ્રહ્મચર્ય, અપરિગ્રહ જેવા પાંચ મહાવ્રતોના પાલનની મહત્તા સમજાવી. સતત ૪૮ કલાક સમવસરણ (માનવી, પશુ-પંખી સૌ કોઇ ગોળાકારે ભગવાનનો ઉપદેશ સાંભળવા બેસી ગયા) રચી દેશના આપી ૭૨ વર્ષનું આયુ ભોગવી દિવાળીના દિવસે દેહ ત્યાગ કરી મોક્ષ માર્ગે સિધાવ્યા. જેને જૈનો મોક્ષ કલ્યાણક કહે છે. તીર્થંકરોના પાંચ કલ્યાણકો હોય છે.

