ઇરાન યુદ્ધમાં ટ્રમ્પને સાથ આપવા નાટો દેશો શા માટે તૈયાર નથી...

Wednesday 01st April 2026 06:30 EDT
 

અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે વકરી રહેલા યુદ્ધ મધ્યે યુરોપની તમામ અર્થવ્યવસ્થાઓ તણાવ અને બોજાનો સામનો કરી રહી છે તેમ છતાં નાટોના સભ્ય દેશો ઇરાન સામેના યુદ્ધમાં અમેરિકા અને ઇઝરાયેલને સાથ આપવા તૈયાર નથી. આમ તો અમેરિકા અને નાટો વચ્ચેનો તણાવ વર્ષ 2022માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી સપાટી પર આવી ગયો હતો. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં સત્તા પર આવ્યા બાદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નાટોને સાથ આપવાનો ઇનકાર કરી દીધો હતો ટ્રમ્પ તે સમયે ગાણુ ગાઇ રહ્યા હતા કે આ લડાઇ અમારી નથી. હવે નાટો સંગઠન ટ્રમ્પને તેમની જ ભાષામાં જવાબ આપી રહ્યું છે કે આ લડાઇ અમારી નથી.
નાટોની રચના 1949માં કરવામાં આવી ત્યારે તેનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરી દેવાયો હતો. તેના મુખ્ય સિદ્ધાંત આર્ટિકલ 5 પ્રમાણે સંગઠનનો મુખ્ય હેતૂ સંરક્ષણ છે નહીં કે આક્રમણ. આર્ટિકલ અનુસાર જ્યારે કોઇ નાટોના સભ્ય દેશ પર સીધો હુમલો થાય ત્યારે જ તેને નાટો પરનો હુમલો ગણવામાં આવે છે. ઇરાન મામલામાં નાટોના સભ્ય દેશ પર કોઇ સીધો હુમલો થયો નથી તેથી નાટો દેશો આ યુદ્ધમાં સંડોવાવા તૈયાર નથી.
અમેરિકા અને વિશેષ કરીને ટ્રમ્પને આશા હતી કે નાટોના સભ્યો મીડલ ઇસ્ટમાં અમેરિકાના વ્યૂહાત્મક હિતોની જાળવણીમાં સાથ આપશે. પરંતુ યુરોપના નેતાઓએ સ્પષ્ટ કરી દીધું હતું કે, આ યુદ્ધ નાટોનું નથી. યુકેના વડાપ્રધાન સ્ટાર્મરે પણ ઇરાન યુદ્ધમાં સંડોવાવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. જર્મની સહિતના દેશોએ તો ટ્રમ્પને ચોપડાવી દીધું હતું કે ઇરાન પર હુમલો કરતાં પહેલાં અમને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી તેથી યુદ્ધમાં જોડાવાની અમારી તૈયારી નથી.
તો શું હવે યુરોપ અને વિશેષ કરીને નાટો અમેરિકાથી દૂર થઇ રહ્યું છે? તેમની વચ્ચે પ્રવર્તતા મતભેદો ટ્રાન્સએટલાન્ટિક સંબંધોમાં પેદા થયેલી ગેરસમજો પણ છે. દાયકાઓથી નાટો પશ્ચિમની સુરક્ષાનો આધારસ્થંભ રહ્યું છે. પરંતુ ઇરાન યુદ્ધમાં નાટોએ અપનાવેલું વલણ દર્શાવે છે કે સહિયારા મૂલ્યો પર રાષ્ટ્રીય હિતો હાવી થઇ રહ્યાં છે. યુક્રેન યુદ્ધના કારણે રશિયા પર લાદેલા પ્રતિબંધોથી આમ પણ નાટોના દેશો ઉર્જા સંકટનો સામનો કરી રહ્યાં હતાં. ઇરાન સાથેના યુદ્ધમાં સામેલ થઇને તેઓ પોતાના અર્થતંત્રોને બરબાદ કરવા ઇચ્છતા નથી. એ વાતમાં કોઇ શંકા નથી કે ઇરાન યુદ્ધના કારણે સર્જાયેલા ઉર્જા સંકટથી સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર અસર પડી રહી છે પરંતુ નાટોના દેશો હાલ પોતપોતાનું સાચવીને બેસી રહેવામાં જ શાણપણ સમજી રહ્યાં છે.
ઇરાન સામેના અમેરિકા અને ઇઝરાયેલના યુદ્ધને નાટોના દેશો આંતરરાષ્ટ્રીય કાયદાઓથી વિપરિત માની રહ્યાં છે. તેમનું માનવું છે કે અમેરિકા અને ઇઝરાયેલના હુમલાઓ માટે કોઇ મજબૂત કાનૂની આધાર જ નથી. કાનૂની આધાર વગર તેમાં સામેલ થવું કે તેને સમર્થન આપવાથી તેમની વૈશ્વિક શાખને નુકસાન થઇ શકે છે. તેના કારણે જ નાટોની યુરોપિયન સરકારો સૈન્ય ભાગીદારી અને રાજકીય સમર્થન આપવામાં પીછેહઠ કરી રહી છે.
નાટોએ અમેરિકાને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે હવે તેને સાથી દેશોનું આપોઆપ સમર્થન પ્રાપ્ત થવાનું નથી. યુરોપ વધુ વ્યૂહાત્મક સ્વતંત્રતા તરફ આગળ વધી રહ્યો હોવાનું તેનાથી સ્પષ્ટ થઇ ગયું છે. ઇરાન સંકટે પૂરવાર કરી દીધું છે કે વિશ્વની બદલાઇ રહેલી ભૂરાજકીય પરિસ્થિતિમાં ગઠબંધનોની પ્રાસંગિકતા મર્યાદિત બની રહી છે. એ વાતમાં કોઇ શંકા રહી નથી કે અમેરિકા અને યુરોપ વચ્ચેના ટ્રાન્સએટલાન્ટિક સહયોગનો યુગ હવે પૂરો થઇ રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય સંબંધોના વધુ જટિલ યુગનો પ્રારંભ થયો છે.
સીધી ને સટ વાત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પની અંધાધૂંધ નીતિઓએ અમેરિકા અને નાટો વચ્ચે ન પૂરાઇ એવી ખાઇનું નિર્માણ કરી દીધું છે. આગામી વર્ષોમાં ટ્રમ્પના અનુગામી તરીકે આવનારા અમેરિકી પ્રમુખને નાટો સાથેના સંબંધોની મરામત કરવામાં લોઢાના ચણા ચાવવા પડશે.


comments powered by Disqus