લંડનઃ બીએપીએસ શ્રી સ્વામિનારાયમ નીસડન મંદિર ખાતે 28 માર્ચ શનિવારના રોજ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામચંદ્રના દિવ્ય અવતારની ભવ્ય ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે 150થી વધુ બાળકો અને યુવાનો દ્વારા તૈયાર કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો.
બે તબક્કામાં યોજાયેલા કાર્યક્રમનું નિર્માણ અને માર્ગદર્શન 40 યુવા સ્વયંસેવકોની પ્રતિબદ્ધ ટીમે કર્યું હતું. પ્રગટ હરી મુજને મળ્યા કાર્યક્રમ દ્વારા શ્રદ્ધાળુઓને પ્રભાવક પ્રદર્શન અને વાર્તાકથન દ્વારા આધ્યાત્મિક મુસાફરીનો અનુભવ કરાવવામાં
આવ્યો હતો.
કાર્યક્રમના વિશેષ આકર્ષણ રામ આખ્યાનમાં ભગવાન શ્રીરામ કેવી રીતે મહત્વનું પરિવર્તન લાવ્યા તે પ્રદર્શિત કરાયું હતું. આ જ દિવ્ય શક્તિ ભગવાન સ્વામિનારાયણમાં પણ પ્રતિબિંબિત થઇ હતી જેમણે જોબન પગી જેવા કુખ્યાત વ્યક્તિથી માંડીને આધ્યાત્મ ઇચ્છતા અનુયાયીઓના જીવનો પરિવર્તિત કર્યાં અને તેમને સુરક્ષા, ઉદ્દેશ્ય અને આધ્યાત્મિક ઉન્નતિ આપી.
ભગવાન પ્રત્યેની પ્રતિબદ્ધતામાંથી જ આનંદ અને સુખ પ્રાપ્ત થઇ શકે છે તેનું નિદર્શન કરતું નૃત્ય કાર્યક્રમની ચરમસીમા હતું. જેના દ્વારા શ્રદ્ધાળુઓ આત્મિક રીતે પ્રસન્ન થઇ ગયાં હતાં. સવારના સેશનમાં હાજરી આપનાર શ્રેયા પટેલે જણાવ્યું હતું કે, કાર્યક્રમ અત્યંત હૃદયસ્પર્શી રહ્યો હતો. ભગવાન શ્રી રામની વાર્તામાં દર્શાવવામાં આવ્યું કે તેમનું નામ પથ્થરોમાં પણ પરિવર્તન લાવી શકે છે. જે યાદ અપાવે છે કે જીવનમાં જ્યાં પણ હોઇએ, સાચું પરિવર્તન હંમેશા શક્ય છે.
અગ્રણી સ્વયંસેવક કિર્તન અલૈયાએ જણાવ્યું હતું કે, અમારા સ્વયંસેવકોની પ્રતિબદ્ધતા અદ્વિતિય રહી. તેમના પ્રયાસો દ્વારા સાચું પરિવર્તન ભગવાન સ્વામિનારાયણની કૃપા અને ભગવાન શ્રી રામના અનંતકાલિન ઉદાહરણોથી શક્ય છે તે સંદેશને જીવંત કરી શક્યાં. હાજર રહેલા તમામને આ શક્તિશાળી આધ્યાત્મિક સંદેશા સ્પર્શી ગયાં તે જોઇને ઘણો આનંદ થયો.
શ્રી સ્વામિનારાયણ જયંતી અને રામનવમીની ઉજવણી પણ 26 માર્ચના રોજ મંદિરમાં વિવિધ ભક્તિસભર વિધિઓ સાથે કરવામાં આવી, જે હિન્દુ ચંદ્ર કેલેન્ડર મુજબ ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન રામચંદ્રના અવતારનો દિવસ છે.
શ્રી રામચંદ્ર ભગવાનની જન્મોત્સવ આરતી બપોરે 12 વાગ્યે કરવામાં આવી. તેમના જન્મ અને દિવ્ય ગુણોની વાણીના ઉદ્બોધન સાથે દિવસની શરૂઆત કરાઇ હતી.
રાત્રે 10.10 કલાકે જન્મોત્સવ આરતી અને ભગવાન સ્વામિનારાયણના દૈવી જીવન પ્રદર્શિત કરતો કિર્તન ભક્તિ કાર્યક્રમ યુવાનો દ્વારા રજૂ કરાયો હતો.

