નેપાળના સૌથી યુવાન વડાપ્રધાન બાલેન્દ્ર શાહે શપથ ગ્રહણ કર્યા

Wednesday 01st April 2026 07:03 EDT
 
 

કાઠમંડુઃ નેપાળમાં બાલેન યુગનો આરંભ થયો છે. કાઠમંડુના પૂર્વ મેયર અને રેપરથી રાજનેતા બનેલા બાલેન્દ્ર શાહે શુક્રવારે નેપાળના 40મા અને દેશના સૌથી યુવાન વડાપ્રધાનના રૂપમાં શપથ લીધા. 35 વર્ષના બાલેને પોતાના પક્ષને પ્રચંડ બહુમતી અપાવીને નેપાળના જૂના રાજકીય ઘરાના અને પરંપરાગત પક્ષોનું વર્ચસ્વ ખતમ કરી દીધું છે. રાષ્ટ્રપતિ પૌડેલે કાઠમંડુ ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં બાલેન્દ્ર શાહને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. બાલેન્દ્ર શાહ નેપાળના ટોચના પદે પહોંચનારી મધેશ મૂળની પ્રથમ વ્યક્તિ બન્યા છે.
શપથ સમારંભમાં મંત્રોચ્ચાર ઉપરાંત બૌદ્ધ લામાઓએ પ્રાર્થના પણ કરી હતી. બાલેનની રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીએ તાજેતરમાં સંસદીય ચૂંટણીમાં કુલ 275 સભ્યોની પ્રતિનિધિ સભામાં 182 બેઠકો જીતીને બે તૃતીયાંશ બહુમતી મેળવી હતી. તેણે નેપાળમાં સપ્ટેમ્બર-2025માં આર્થિક ભીંસ, બેરોજગારી તેમજ ભ્રષ્ટાચારને મુદ્દે યુવાનોએ જેનઝી આંદોલન ચલાવ્યું હતું.
મોદીએ બાલેન્દ્રને અભિનંદન પાઠવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના નવા વડાપ્રધાન બાલેન્દ્ર શાહને પદ સંભાળવા પર અભિનંદન આપ્યા હતા અને નેપાળ સાથેના ભારતના સંબંધો વધુ મજબૂત બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, બાલેન્દ્ર શાહને નેપાળના વડાપ્રધાન તરીકે શપથ લેવા બદલ ઉષ્માભર્યા અભિનંદન.
ભારત સાથે કામ કરવા આતુર
નેપાળમાં જેન-ઝી ચળવળના ચહેરા 35 વર્ષીય બાલેન્દ્ર શાહ બાલેને શપથ ગ્રહણ કરીને ઇતિહાસ રચ્યો. રેપર, એન્જિનિયર બાલેન નેપાળના રાજકારણમાં પેઢીગત પરિવર્તનનું પ્રતીક બની ગયા છે. વડાપ્રધાન તરીકે શપથ લીધાના એક દિવસ પછી બાલેન્દ્ર શાહે ભારત સાથેના સંબંધોને નવી ગતિ આપવાની ઇચ્છા વ્યક્ત કરી. તેમણે અભિનંદન આપવા બદલ પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, ‘તેઓ ભારત સાથે નજીકથી કામ કરવા આતુર છે. એક સમય હતો જ્યારે બાલેન્દ્ર શાહનાં કેટલાંક નિર્ણયો અને નિવેદનોને ભારત વિરોધી માનવામાં આવતાં હતાં.
બાલેન્દ્ર શાહે સ્પષ્ટતા આપવી પડી હતી
2023માં કાઠમંડુના મેયર તરીકે સેવા આપતાં બાલેન્દ્ર શાહે બોલિવુડ ફિલ્મોના રિલીઝ થવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો. આ વિવાદ ફિલ્મ ‘આદિપુરુષ’ ના એક સંવાદ પર કેન્દ્રિત હતો. જો કે બાલેન્દ્ર શાહે પાછળથી સ્પષ્ટતા કરી કે તેમનો વાંધો ફિલ્મના એક ચોક્કસ સંવાદ પર હતો, ભારત કે બોલિવૂડ પર નહીં. આ પછી બાલેન્દ્ર શાહે તેમની ઓફિસમાં એક ખૂબ જ ચર્ચિત નકશો પ્રદર્શિત કર્યો. ભારતના સંયુક્ત ભારતના નકશાના જવાબમાં તેમણે ગ્રેટર નેપાળનો નકશો પ્રદર્શિત કર્યો, જેમાં ભારતના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે. શુક્રવારે શપથ ગ્રહણ સમારોહ પછી તરત જ વડાપ્રધાન મોદીએ બાલેન્દ્ર શાહને અભિનંદન આપ્યા અને કહ્યું કે, ‘તેઓ સંબંધોને વધુ મજબૂત બનાવવા કામ કરવા આતુર છે.’


comments powered by Disqus