ઇસ્લામાબાદઃ મધ્ય-પૂર્વમાં અશાંતિના કારણે પાકિસ્તાનમાં પહેલા જ ભારે અંધાધૂંધી અને અરાજકતા ફેલાઈ છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત આભને આંબી રહી છે અને દેશમાં અનેક સ્થળે ઈંધણની અછત જોવા મળી રહી છે, ત્યારે દેશની જનતા પર સરકાર વધુ આકરા નિયમો લાદ્યા છે. પાકિસ્તાન સરકાર સમગ્ર દેશમાં ઊર્જા અને ઈધણનો વપરાશ ઘટાડવા દર અઠવાડિયે બે દિવસનું સ્માર્ટ લોકડાઉન લાદવાની વિચારણા કરી રહી છે.
આ લોકડાઉનના સમયે બજાર, ઓફિસો અને તમામ બિનજરૂરી સેવાને બંધ રખાશે. આ પગલાં પર એ સમયે વિચારણા કરાઈ રહી છે, જ્યારે પાકિસ્તાન તેલ અને ગેસના સપ્લાય માટે ઇરાન સાથે ડીલનો દાવો કરી રહ્યું છે. બીજી તરફ ભારતમાં પેટ્રોલપંપો પર ઊમટી રહેલી ભીડમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારત સરકારનું પણ કહેવું છે કે, દેશમાં પેટ્રોલ અને ડીઝલની કોઈ કમી નથી. પાકિસ્તાન સરકારે આ પ્રસ્તાવ રાજ્યોની સરકારોની સાથે PoK અને ગિલગિટ બાલ્ટિસ્તાનના અધિકારીઓ સાથે પણ શેર કર્યો છે. તેનો આશય કોઈપણ નિર્ણય લેતા પહેલાં તેમનો મત જાણવાનો છે. પ્રસ્તાવિત યોજના હેઠળ પાકિસ્તાનમાં દર અઠવાડિયે શનિવારે બપોરથી માંડીને રવિવાર મધરાત સુધી પ્રતિબંધો લાગુ રહેશે. આ દરમિયાન લગ્ન કાર્યક્રમો સહિત તમામ પ્રકારની વ્યવસાયિક ગતિવિધિ સ્થગિત રહેશે, જ્યારે બજાર, ઓફિસો અને અન્ય બિનજરૂરી સેવા પણ બંધ રહેશે.

