લંડનઃ પ્રેસ્ટનમાં ગુજરાત હિન્દુ સોસાયટી દ્વારા ભક્તિભાવ સાથે રામનવમી અને ચૈત્ર નવરાત્રિની ઉજવણી કરાઇ હતી. માર્ચ મહિનામાં દરરોજ સવારે અને સાંજે માતાજીની આરતી કરાતી હતી. પૂજારી જિગ્નેશભાઇ ચંડી પાઠનું પઠન કરતાં અને તમામ શ્રદ્ધાળુઓને પવિત્ર પાણી આપતા હતા. દરરોજ બપોરે 4થી 6 દરમિયાન રામચરિતમાનસનું પઠન તેમના માર્ગદર્શન હેઠળ કરાતું હતું. દરરોજ સાંજે આરતી બાદ મહિલાઓ ગરબામાં ભાગ લેતી તેથી ઉજવણીમાં આધ્યાત્મિક ભાવનાનો ઉંમેરો થતો હતો.
રામ નવમીના પવિત્ર દિવસે સવારથી જ મંદિરમાં ભક્તોનો પ્રવાહ શરૂ થઇ ગયો હતો. ભજન-કીર્તન બાદ યજમાન દુલાભાઈ અને ઉર્મિલાબેન સોલંકીએ પ્રથમ હવન અને સૂર્ય જળપૂજા કરી હતી. ત્યારબાદ પૂજારી દ્વારા ભગવાન રામના જન્મ પર સત્સંગ કરાયો હતો. બાદમાં સ્નાન વિધિ યજમાન આશિષભાઈ ગોર અને નેહાબેન દ્વારા કરાઇ હતી. ઉર્મિલાબેન અને ઇશ્વરભાઇ ટેલરે પટ દર્શન પૂજા કર્યા બાદ ઉર્મિલાબેન, ધનુબેન અને તારાબેને પારણુ ઝૂલાવાયું હતું. નિલકંઠભાઇ અને પરિવારે ધ્વજારોહણ વિધિ કરી હતી. રામ નવમીની ઉજવણી માટે યોગદાન આપનારા તમામનો પ્રમુખ દશરથભાઇએ આભાર માન્યો હતો. રામધૂન બાદ યજમાન મધુબેન અને ઇશ્વરભાઇ દેસાઇએ ચૈત્ર નવરાત્રિ આરતી કરી હતી. તમામ શ્રદ્ધાળુઓ માટે પ્રસાદની વ્યવસ્થા માટે નિરંજન તુલસી અને તેમના માતાપિતાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉજવણીમાં 350 કરતા વધુ શ્રદ્ધાળુ હાજર રહ્યા હતા.

