ડિસેમ્બર 2025માં ઓસ્ટ્રેલિયાની સંસદે 16 વર્ષ કરતાં નાના બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લાદ્યો ત્યારથી એશિયા, આફ્રિકા, યુરોપ અને અમેરિકામાં આજ પ્રકારના પગલાંની માગ ઉગ્ર બની રહી છે. યુકેમાં પણ સરકાર બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર નિયંત્રણો લાદવાની કવાયત કરી રહી છે અને તાજેતરમાં જ બાળકો માટેના સ્ક્રીન ટાઇમમાં ઘટાડો કરવા માટેની માર્ગદર્શિકા પણ જારી કરાઇ છે.
એ વાતમાં તો કોઇ શંકા નથી કે સોશિયલ મીડિયા બાળકોને વ્યાપક નુકસાન કરી રહ્યું છે. તેમનું રમત ગમત સાથેનું બાળપણ જ જાણે છિનવાઇ ચૂક્યું છે. ઘણા આંતરરાષ્ટ્રીય સ્ટડીમાં દાવો કરાયો છે કે વધુ પડતા સ્ક્રીન ટાઇમના કારણે બાળકોની કલ્પના શક્તિ પર વિપરિત અસર થાય છે. તેઓ સતત ઉત્તેજનાત્મક અવસ્થામા રહેવાના આદિ બની જાય છે. તે ઉપરાંત તેમની માનસિક સ્થિતિ હાનિકારક સામાજિક વાતાવરણ પણ સર્જે છે.
તાજેતરમાં જ લોસ એન્જલસમાં એક 20 વર્ષીય યુવતીએ યુટ્યુબ અને મેટા પર દાવો ઠોકી દીધો હતો. તેણે દાવો કર્યો હતો કે તે બાળક હતી ત્યારે આ સોશિયલ મીડિયાના કન્ટેન્ટની વ્યસની બની ગઇ હતી જેના કારણે તેના માનસિક આરોગ્યને વ્યાપક નુકસાન થયું હતું. હવે જ્યૂરીએ આ યુવતીની તરફેણમાં ચુકાદો આપ્યો છે.
એક મહત્વની વાત એ છે કે સમયની સાથે પ્રવૃત્તિઓમાં પણ બદલાવ થતો રહ્યો છે અને બાળકો જે તે સમયના આવિષ્કારોના આદિ બનતાં રહ્યાં છે. વર્ષ 1800ના પ્રારંભે બાળકોમાં કેલિડોસ્કોપનો ક્રેઝ વ્યાપક બન્યો હતો. ત્યારબાદની પેઢીઓ કોમિક બુક્સની આદિ બની રહી અને તેના પછી વીડિયો ગેમ્સે બાળમાનસો પર કબજો જમાવ્યો હતો. ટેલિવિઝન પર કાર્ટુનોની ભરમારે બાળકોના સ્ક્રીન ટાઇમને વધારી દીધો હતો. તે સમયગાળાઓમાં પણ માતાપિતા બાળકો અંગે આજના જેટલી જ ચિંતાઓ વ્યક્ત કરતાં હતાં.
તેનો અર્થ એ થયો કે કોઇપણ સમયગાળાના કોઇપણ આવિષ્કારના લાભ અને ગેરલાભ થતાં જ રહ્યાં છે અને તે માટે સ્વનિયંત્રણ જ સૌથી કારગર ઉપાય છે. કોમિક બુક્સના જમાનામાં પોર્ન સાહિત્ય પણ ઉપલબ્ધ હતું તો સોશિયલ મીડિયાના જમાનામાં પોર્ન વીડિયો ઉપલબ્ધ છે. માતાપિતા પોતાના બાળકોને આ પ્રકારના દુષણોથી કેટલાં દૂર રાખી શકે છે તેનો આધાર તેમના ઘરના વાતાવરણ, બાળકોને અપાતા પ્રોત્સાહન અને સંસ્કાર પર રહેલો છે. માતાપિતા પોતાનો સ્ક્રીન ટાઇમ ઘટાડે તો બાળકો પણ આપોઆપ તેમનો સ્ક્રીન ટાઇમ ઘટાડશે. આમ પરિવારોમાં સ્વનિયંત્રણ જ બાળકોને કોઇપણ પ્રકારના દુષણ અને વ્યસનથી બચાવી શકે છે તેમાં બેમત નથી.
