વિશ્વનિવાસી ગુજરાતીઓને એકતાંતણે બાંધતું પહેલું પગલું

Wednesday 01st April 2026 06:39 EDT
 
 

વડીલો સહિત સહુ વાચકમિત્રો, જય શ્રીરામ... આજે રામનવમીના સપરમા પર્વે આ કોલમ આકાર લઇ રહી છે. આને શુભ સંયોગ જ ગણવો રહ્યો કે આજથી બરાબર 50 વર્ષ પૂર્વે, 1976માં રામનવમીના મંગલ દિને અમે ‘ગુજરાત સમાચાર’નો કાર્યભાર સંભાળ્યો હતો. હજારો વાચકો, લેખકો, સમાજસેવકો, વડીલો અને શુભેચ્છકો-સમર્થકો એવા સજ્જનો અને સન્નારીઓના ઉમળકાભર્યા સાથ-સહકાર અને આશીર્વાદથી આજે ‘ગુજરાત સમાચાર’ લોકહૃદયમાં બિરાજે છે. સંગ સંગ ભેરુ તો સર થાય મેરુ એ ન્યાયે ‘ગુજરાત સમાચાર’ યથામતિ - યથાશક્તિ સેવા કરવા તત્પર રહ્યું છે, અને એ યાત્રા અવિરત ચાલુ જ છે.
આપ સહુએ ગયા અંકમાં પ્રકાશિત અહેવાલ વાંચ્યો જ હશે કે વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ તરીકે શ્રીમાન ભાવેશભાઇ શશીકાન્તભાઇ લાખાણીએ કાર્યભાર સંભાળી લીધો છે. વિશ્વનિવાસી ગુજરાતીઓને એકતાંતણે બાંધવા માટે પ્રતિબદ્ધ સંગઠનના પ્રમુખપદે ભાવેશભાઇની નિમણૂક ખૂબ આશાસ્પદ જણાય છે. સફળ બિઝનેસમેન - જાહેરજીવનમાં સક્રિય નેતૃત્વ... અને સમાજસેવા તો પોરબંદરના આ લાખાણી પરિવારને ગળથૂંથીમાં મળી છે એમ કહો તો પણ ખોટું નથી. અગાઉ તેમના મોટાભાઇ અને વરિષ્ઠ કાનૂનવિદ્ યોગેશભાઇ લોહાણા મહાપરિષદના પ્રમુખ તરીકે તેમણે કરેલી કામગીરીને આજેય સમાજ યાદ કરે છે. આ લાખાણીબંધુઓના પિતા શશીકાન્તભાઇ પણ કાનૂનવિદ્ હોવા ઉપરાંત તત્કાલીન રાજ્ય સરકારમાં વરિષ્ઠ મંત્રી તેમજ ગુજરાત વિધાનસભાના સ્પીકર તરીકે પ્રશંસનીય કામગીરી કરી ચૂક્યા છે. જેટલું મોટું નામ હતું એટલું જ નરમ અને નમ્ર વ્યક્તિત્વ હતું એમ અંગત અનુભવના આધારે કહી શકું. મિત્રો-સ્વજનોમાં શશીભાઇના નામે જાણીતા લાખાણી સાહેબ વિધાનસભા સ્પીકર તરીકેના કાર્યકાળ દરમિયાન લંડન પ્રવાસે આવેલા ત્યારે ‘કર્મયોગ હાઉસ’માં તેમનો સન્માન સમારંભ યોજવાનું સદભાગ્ય અમને સાંપડ્યું હતું.
વિશ્વ ગુજરાતી સમાજના આ જ અહેવાલની લગોલગ ભાઇશ્રી તુષાર જોષીની ‘અજવાળું અજવાળું’ કોલમ પ્રકાશિત થઇ છે, જેમાં 1983માં લંડનના આંગણે યોજાયેલી વિશ્વની પ્રથમ આંતરરાષ્ટ્રીય ગુજરાતી પરિષદનો સ-તસવીર અને સ-રસ ઉલ્લેખ કર્યો છે.
વાત ગુજરાત, ગુજરાતી ભાષા, અને વિશ્વનિવાસી ગુજરાતીની થઇ રહી હોય ત્યારે દિલોદિમાગમાં જૂના સંસ્મરણોનો સમંદર હિલોળા ના લે તો જ નવાઇ... વાચક મિત્રો, આજે મારે આપ સહુની સમક્ષ તે સમયના કંઇકેટલાય સાથીઓ - સમર્થકોની નામજોગ યાદી રજૂ કરવી છે.
સેન્ટ્રલ લંડનના હોક્સટન વિસ્તારમાં નવેમ્બર 1981થી ‘કર્મયોગ હાઉસ’માં આપણું કાર્યાલય ધમધમતું થયું તે પહેલાં બધી કામગીરી ચિઝિક કાર્યાલયમાં થતી હતી. છેક તે સમયથી ‘ગુજરાત સમાચાર’નું કાર્યાલય અદના વાચકથી લઇને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની અવરજવરથી ધમધમતું હતું. ગુજરાતી ભાષા - સાહિત્ય - સમાજસેવા હોય કે અધ્યાત્મ દરેક પ્રસંગે સહુ કોઇ આપણે ત્યાં ભેગા થતા હતા. થોડોક નામોલ્લેખ કરું તો...
વરિષ્ઠ પત્રકાર ભૂપતભાઈ પારેખ, ‘ચિત્રલેખા’ના તંત્રી અને ધુરંધર નવલકથાકાર હરકિસન મહેતા, ‘દુનિયાને ઊંધા ચશ્મા’ પહેરાવનાર તારક મહેતા, દિગ્ગજ પત્રકારો કાંતિ ભટ્ટ, શીલાબહેન ભટ્ટ... યાદી બહુ લાંબી છે. કાર્યક્ષેત્ર ભલે કંઇ પણ હોય, મિત્રો ભારતથી લંડન આવે ત્યારે સહુનો લાગણીભર્યો આગ્રહ રહેતો - ‘ગુજરાત સમાચારનો કાર્યક્રમ તો હોવો જ જોઇએ...’ આવા સમારંભમાં ‘મુંબઇ સમાચાર’ના તંત્રી જેહાન દારુવાલા, આપણા સમાજના દિગ્ગજ ઉદ્યોગપતિ અને દિલેર દાતા મનુભાઇ માધવાણી, સર જે.કે. ગોહેલ, શાંતુભાઇ રુપારેલ, આઇ.કે. પટેલ, નવનીતભાઇ ધોળકિયા, પ્રો. ભીખુભાઇ પારેખ, મેઘનાદ દેસાઇ (આપણા સમાજના આ ત્રણેય મહાનુભાવો હાઉસ ઓફ લોર્ડ્સમાં નીમાયા તે પહેલાંની વાત કરું છું), સર ગુલામ નૂન, ઝરબાનુ ગિલ્ફર્ડ, રતિલાલ ચંદારિયા, કાન્તિભાઈ નાગડા, પંકજ વોરા, પ્રાણલાલ શેઠ, ટી.પી. સુચક, બાલમુકુંદ પરીખ, ભાનુશંકર ઓધવજી વ્યાસ, ટી.એ. ભટ્ટ, હીરાભાઇ શાહ, ડાહ્યાભાઇ પટેલ, રતિલાલ જોબનપુત્રા, બી.કે. જોષી કંઇકેટલા બધા નામ યાદ કરું... પ્રેસ્ટન, લેસ્ટર, બર્મિંગહામ વગેરે અન્ય સ્થળોથી મિત્રો પણ પધારતા.
આ બધા મહાનુભાવો નિયમિત કાર્યાલયમાં પધારે. દેશદેશાવરની - અલકમલકની - સમાજની વાતો મંડાય (કુથલી નહીં હોં...) ને વિચારોનું આદાનપ્રદાન થાય. મત-ભેદ પણ થાય, પરંતુ મન-ભેદ ક્યારેય નથી થયા. ‘ગુજરાત સમાચાર’ માત્ર એક વર્તમાનપત્ર ન રહેતા, બ્રિટનમાં વસતાં ગુજરાતીઓના વિવિધ સમાજને જોડતો સેતુ બની રહ્યું હતું. નાત-જાત-ધર્મના કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર સહુને સાથે ભેગા રાખવા તેનું કામ હતું (અને આજે પણ અમે આ જ કામ કરીએ છીએ). સમયના વહેવા સાથે કાર્યાલય જરૂર ચિઝિકથી હોક્સટન સ્ટ્રીટમાં શિફ્ટ થયું હતું, પરંતુ ઉદ્દેશ અને મિત્રો-સમર્થકો તો એ જ હતાને...!
1982ની વાત છે. એક વખત ‘કર્મયોગ હાઉસ’માં મિત્રોની મંડળી જામી હતી. ભીખુભાઇ પારેખ, આઇ.કે. પટેલ, શાંતુભાઇ રૂપારેલ સાથે ચર્ચા ચાલતી હતી ને વાતમાંથી વાત નીકળી. ભીખુભાઇ પારેખ તે વેળા વડોદરાની પ્રખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપતા હતા અને થોડાક દિવસ લંડન આવ્યા હતા. મુદ્દો ગુજરાત અને ગુજરાતીઓનો હતો.
બાય ધ વે, વાચક મિત્રો... એ સમયને જરા યાદ કરશો તો એક ભારતીય તરીકે આનંદ અને ગૌરવ અનુભવશો. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં, આઝાદીના આરંભના વર્ષોમાં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ધર્મ વિભાગના વડા તરીકે કાર્યભાર સંભાળતા હતા..
મદ્રાસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે તેમને સોંપાતાં તેઓ મદ્રાસ પહોંચી ગયા હતા. આવું જ બહુમાન આપણા પ્રો. ભીખુભાઇ પારેખને મળ્યું હતું. તેમને વડોદરાની વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ વાઇસ ચાન્સેલર તરીકે જવાબદારી સંભાળવા ભાવભર્યું નિમંત્રણ આપ્યું, અને ભીખુભાઇએ એક અધ્યાપક તરીકે, પ્રોફેસર તરીકે, એક જીવંત નાગરિક તરીકે ખૂબ સુંદર સેવાઓ આપી. મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકેનો કાર્યકાળ ભલે પૂરો થઇ ગયો, પણ એક અધ્યાપક તરીકે આજેય તેઓ શિક્ષણક્ષેત્રે સેવારત છે. આમેય સાચો શિક્ષક ક્યાં કદી નિવૃત થતો હોય છે?!
ખેર, મૂળ વાત પાછો ફરું તો... અમે બેઠા હતા ‘કર્મયોગ હાઉસ’માં. વાતમાંથી વાત નીકળી - અહીં બધા ઇંડિયાથી આવ્યા, ફિજીથી આવ્યા, એડનથી આવ્યા અને આફ્રિકાથી તો અનેક લોકો આવ્યા જ છે. આપણે ગુજરાતીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પથરાઇ ગયા છીએ અને અનેકવિધ ક્ષેત્રે આગવો પ્રભાવ ઉભો કર્યો છે. આપણા સમાજની આ સફળતા-સિદ્ધિ-સમસ્યાઓ અંગે કંઇક નક્કર - કંઇક સંગઠિત કાર્ય કરવું જોઇએ. આપણી ઓળખ, પરખને નક્કર સ્વરૂપ આપવું જરૂરી છે. ચિંતનમાંથી ચેતના પ્રગટે એમ એક સહિયારો અવાજ ઉઠ્યો કે આપણે આંતરરાષ્ટ્રીય ગુજરાતી અધિવેશન કે પરિષદ યોજવી જોઇએ. જેમાં વિદેશવાસી ગુજરાતીઓ સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓને વાચા આપવી જોઇએ. કામ ખરેખર બહુ અઘરું અને પડકારજનક હતું, પણ અમે મિત્રો આવું આયોજન કરવા દૃઢ નિશ્ચયી હતી. અમારું સંઘબળ હતું, અને વ્યાપક સંપર્કો પણ હતા.
તમામ કામ - આયોજન કોરાણે મૂકી મંડી પડ્યા. આઠ-દસ મહિના કામકાજ ચાલ્યું. તૈયારીઓ થઇ ગઇ. મિત્રો, યાદ કરજો એ જમાનામાં નહોતા ઇ-મેઇલ કે નહોતા મોબાઇલ ફોન. લેન્ડલાઇન ટેલિફોન કેવા કામ કરતા હતા એનો તો આપ સહુને અનુભવ હશે જ... ભીખુભાઇ વડોદરામાં હોય, અમે લંડનમાં હોઇએ અને મદદરૂપ થઇ શકે તેવા લોકો વળી બીજે ક્યાંક હોય... જોકે બધી અડચણો-અવરોધો ઓળંગીને સમગ્ર આયોજન સુપેરે પાર પાડ્યું.
લંડનના આંગણે 19થી 21 ઓગસ્ટ 1983ના રોજ વિશ્વમાં પહેલી આંતરરાષ્ટ્રીય ગુજરાતી પરિષદ યોજાઇ. સમગ્ર આયોજન શાનદાર અને સફળ રહ્યું. બ્રિટનભરના ગુજરાતીઓ તો ખરા જ, લગભગ 150 પ્રતિનિધિઓ ગુજરાતથી આવ્યા હતા. આ ઉપરાંત અમેરિકા, કેનેડા, કેન્યા, ટાન્ઝાનિયા, ઝાંબિયા વગેરે દેશોમાંથી આવેલા ગુજરાતીઓ અલગ. મૂળ આયોજન પ્રમાણે અધિવેશનના મુખ્ય મહેમાન પદે ગુજરાતના મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકી ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી અતિવૃષ્ટિના સંજોગો સર્જાતા તેમણે છેલ્લી ઘડીએ પ્રવાસ રદ કરીને ગૃહપ્રધાન પ્રબોધ રાવળને મોકલ્યા હતા. વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ પણ શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો. ભીખુભાઇ પારેખે તો જાણે રેકોર્ડ કર્યો - તે સમયે ગુજરાતમાં સાત યુનિવર્સિટીઓ કાર્યરત હતી તેમાંથી પાંચના વાઇસ ચાન્સેલર આ પરિષદમાં હાજરી આપવા લંડન આવ્યા હતા.
ત્રણ દિવસની આ વિશ્વ ગુજરાતી પરિષદમાં ઉપસ્થિત મહાનુભાવોની યાદી પર નજર ફેરવીએ તો... જાણીતા શ્રેષ્ઠી રતિભાઇ ચંદરિયા, જગુભાઇ તન્ના, પ્રા. નરહરિ પરીખ, કાર્યકારી વિદેશમંત્રી રે વીટની, હાઉસ ઓફ કોમન્સના સ્પીકર બર્નાર્ડ વેધરોલ, ભારતીય હાઇકમિશનર ડો. સૈયદ મહમદ, ભારતના સાંસદ હરિસિંહ મહિડા, ગુજરાતના લઘુમતી પંચના અધ્યક્ષ રઉફ વલી ઉલ્લાહ, એંગ્લો એશિયન કન્ઝર્વેટિવ સોસાયટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.કે. ગોહેલ, વર્ણીય સમતા પંચ સીઆરઇના પૂર્વ ઉપાધ્યક્ષ પ્રાણલાલ શેઠ, વિદૂષી ડો. પૂર્ણિમા ભટ્ટ (અમેરિકા), વિજય શર્મા (ઝાંબિયા)...
ત્રણ દિવસની કોન્ફરન્સમાં અનેકવિધ વિષયો પર ચર્ચાવિચારણા થઇ. આટલા બધા મહેમાનોને લંડનમાં રાખ્યા, ફેરવ્યા. ‘બ્રિટનમાં ધબકતાં ગુજરાત’ લેસ્ટરની મુલાકાતે પણ ગયા. સમગ્ર આયોજનમાં સહુ કોઇને અઢળક અને ઉષ્માભર્યો સાથસહકાર મળ્યો.
સમગ્ર આયોજનની રૂપરેખા તૈયાર કરવાથી માંડીને તેને સાકાર કરવામાં પ્રો. ભીખુભાઇ પારેખ, ઉપરાંત આઇ.કે. પટેલ, શાંતુભાઇ રુપારેલ, પ્રો. નવનીત ધોળકિયા સહિતના અનેક મહાનુભાવોએ દિવસરાત મહેનત કરી હતી. આ પછીના ગાળામાં નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ-યુકેની સ્થાપના થઇ, જે આજે પણ કામ કરે છે.
વાચક મિત્રો, પ્રથમ આંતરરાષ્ટ્રીય ગુજરાતી અધિવેશનનો તે વેળાના ‘ગુજરાત સમાચાર’ (અંક 26 ઓગસ્ટ 1983)માં પ્રકાશિત લેખ આપ પણ સહુ ઘરેબેઠાં વાંચી શકો છો. તે વેળા ભલે ટેક્નોલોજી પાંખી હતી, આજે તો તેનો જ જમાનો છે ને... તેથી તે વેળાનો અસલ લેખ આપ સહુ માટે ઉપલબ્ધ કરાવવાનું આસાન બન્યું છે. આ લેખ સાથે રજૂ થયેલો ફોટો સાથે એક બારકોડ મૂક્યો છે, જેને મોબાઇલ વડે સ્કેન કરતાં જ તે વેળાનો સચિત્ર અને સંપૂર્ણ અહેવાલ વાંચી શકશો. અહેવાલ વાંચશો તો સમજાશે કે કેટલું વિચારપૂર્વક અને ઝીણવટભર્યું આયોજન થયું હતું. વક્તાઓએ રજૂ કરેલા વિચારો આજે પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે.
કલમ વિરામ લેવાના આરે પહોંચી છે ત્યારે આ ગુજરાતી પરિષદને સંબોધતા ગૃહપ્રધાન શ્રી પ્રબોધભાઇ રાવળના - થોડામાં ઘણું કહી જતાં - શબ્દો ટાંકું છુંઃ ‘અહીંથી કોઇ નવું તત્વ ન લઇ જઇ શકીએ, પણ એક વિચાર જે મૂકાયો છે કે ગુજરાતીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભેળા થાય એ મહત્ત્વની વાત છે...’ (ક્રમશઃ)


comments powered by Disqus