PoKમાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ આંદોલન ઉગ્ર બન્યું

Wednesday 01st July 2026 05:59 EDT
 
 

નવી દિલ્હીઃ પીઓકેમાં સરકાર વિરુદ્ધ આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. આ વચ્ચે જીવન જરૂરિયાતની વસ્તુઓની અછત જોવા મળી. સ્થાનિકોનો આરોપ છે કે, ઈસ્લામાબાદે આંદોલનને દબાવવા જરૂરી ચીજવસ્તુઓના પુરવઠા પર નિયંત્રણ મૂક્યું છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી જોઈન્ટ આવામી એક્શન કમિટીના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે, જેમાં ચૂંટણીમાં 12 અનામત સીટનો મુદ્દો ઉઠાવાયો છે. જોઇન્ટ આવામી એક્શન કમિટીના સમર્થકોનો આરોપ છે કે, આ બેઠકોનો ઉપયોગ પાકિસ્તાન સરકાર તેમના નજીકના વ્યક્તિઓ માટે કરે છે. આ આંદોલનમાં 20થી વધુ નાગરિકોનાં મોત થયાં છે અને અનેક ઘાયલ થયા છે, જ્યારે સેંકડો લોકોની ધરપકડ કરાઈ છે. પાકિસ્તાની સરકારે ઈન્ટરનેટ અને એટીએમ બંધ કરી દીધાં છે.
અનાજ, ગેસ અને દવાઓની અછત
પીઓકેની વિધાનસભામાં બાર બેઠકો ભારતના કબજા હેઠળના કાશ્મીરમાંથી આવેલા નિરાશ્રિતો માટે અનામત રાખવા મામલે થયેલા વિવાદને કારણે દેખાવો વ્યાપક બનતાં જોઇન્ટ આવામી એક્શન કમિટીના બંધના પગલે જરૂરી વસ્તુનો પુરવઠો ખોરવાતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. પીઓકેમાં ચાલતા વિરોધને કચડવા ઇસ્લામાબાદે અન્ન, બળતણ અને દવાઓનો પુરવઠો બંધ કરી દીધો છે.
દેખાવોનો સામનો કરવા પાકિસ્તાને જોઇન્ટ આવામી એક્શન કમિટીને આતંકી સંગઠન જાહેર કરી તેના ટેકેદારો પર જુલમ કરવા માંડ્યો છે. સ્થાનિક જૂથોના જણાવ્યા અનુસાર ઇસ્લામાબાદ આ બેઠકોનો ઉપયોગ કરી ચૂંટણીમાં ઘાલમેલ કરી પોતાને અનુકૂળ સરકાર બેસાડે છે.


comments powered by Disqus