અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનનો બોમ્બમારોઃ 40નાં મોત, 163 ઘાયલ

Wednesday 01st July 2026 05:59 EDT
 
 

કાબુલઃ પાકિસ્તાની એરફોર્સે રવિવારે રાત્રે સરહદ નજીકના 3 અફઘાન પ્રાંત પર હુમલા કર્યા હતા. જેમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિત 40 લોકો માર્યા ગયાં છે અને 163 લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતના ગિયાન અને ચમકાની તેમજ કુનાર પ્રાંતના મરવારા વિસ્તારમાં રહેણાક ઘરો અને મસ્જિદોને નિશાન બનાવી હુમલા કર્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર હુમલા પછી જ્યારે લોકો પીડિતોની મદદે આવ્યા, ત્યારે ફરી એકવાર પાકિસ્તાની વાયુસેનાએ બચાવ કાર્યમાં જોડાયેલા નિર્દોષ નિઃશસ્ત્ર લોકો પર હુમલો કર્યો હતો, જેના કારણે મૃતકો અને ઘાયલોની સંખ્યામાં મોટો વધારો થયો હતો. જો કે પાકિસ્તાન અફઘાન નાગરિકોનાં ઘર પરના હુમલાને આતંકવાદ વિરોધી અભિયાન ગણાવી દાવો કરી રહ્યું છે કે, આ હુમલો આતંકી સંગઠન જમાત-ઉલ-અહરારનાં ઠેકાણાંને નિશાન બનાવવા કરાયો હતો. પાકિસ્તાનના દાવા પ્રમાણે આ હુમલામાં 25 આતંકી ઠાર મરાયા છે.
જો કે તસવીરો પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરી રહી છે, કારણ કે મૃતકો અને ઘાયલોમાં મોટી સંખ્યામાં બાળકો-મહિલાઓ હતાં. આતંકી સંગઠન જમાત-ઉલ-અહરારે દાવો કર્યો હતો કે, તેનો અફઘાનિસ્તાનમાં કોઈ આધાર નથી. તેના તમામ આતંકીઓ ખૈબર પખ્તુનખ્વાં ક્ષેત્રોમાં રહે છે.


comments powered by Disqus