કામના સ્થળે સફળ કૌશલ્ય કોને કહેવાય?

કરિયર કોર્નર

- જય ગોહેલ Wednesday 01st July 2026 06:42 EDT
 
 

તમે તમારી પ્રથમ નોકરીમાં જોરદાર શરૂઆત કરવા માટે તૈયાર છો? આ માટે તમારે નીચે જણાવેલી કુશળતાઓ પર ધ્યાન આપવું પડશે અને તમારી સફળતાને કોઈ અટકાવી શકશે નહિ. તમારી નોકરીના ઈન્ટરવ્યૂ પહેલા જ તમે તમારી જાતને ઈન્ટરપર્સનલ કોમ્યુનિકેશન, કેટલીક કોમ્પ્યુટર એપ્લિકેશન્સ, કામ કરવાની વ્યવસ્થિત પદ્ધતિઓ અને પ્રાથમિકતાઓની કુશળતાઓ બરાબર જાણી લીધી હશે. આ ઉપરાંત, અનુકૂલન સાધવું, રચનાત્મક અભિગમ રાખવો તેમજ આ સાથે જણાવેલી કુશળતાઓ પણ મહત્ત્વપૂર્ણ છે.
[1] તમારી પ્રોફેશનલ વર્તણૂકઃ સૌથી પહેલું પગલું અયોગ્ય વર્તણૂકોને ટાળવાનું છે. તુમાખી કે અહંકારપૂર્ણ, પ્રપંચી કે નકારાત્મક ટીકાખોરીનું વર્તન ટાળવું. આના બદલે વિવેકપૂર્ણ રહેવાનું, અન્યોની હાજરી હોય તે રીતે જ તેમના વિશે બોલવાનું તેમજ કોન્ફિડેન્શિયલ માહિતીને જાળવવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. આ સાથે ઓફિસની પાર્ટીઓ વિશે પણ કાળજી રાખો. પાર્ટી કદાચ સામાજિક ફંક્શન્સ હોય,પરંતુ ધ્યાનમાં રાખજો કે તમે કામ પર છો અને તમારા પર કોઈની નજર પણ છે. કામના સમયમાં જ્યારે કોઈ બોલતું હોય ત્યારે તે વ્યક્તિ શું કહી રહી છે તે સમજવાનો પ્રયાસ કરજો અને તમને બરાબર સમજાયું ન હોય તો સ્પષ્ટતા માગવામાં જરા પણ ખચકાશો નહિ. મિરર એન્ડ મેચ, આનો અર્થ એ છે કે તમારી કોમ્યુનિકેશન કુશળતાને સામેની વ્યક્તિ સાથે અનુકૂળ બનાવો. તે તમને બરાબર સમજી શકશે અને તમારી સાથે વધુ સ્વસ્થતા અનુભવશે. અન્ય વ્યક્તિ તમારું મન વાંચી લેશે તેવી અપેક્ષા કદી રાખશો નહિ. તમારો કહેવાનો અર્થ શું છે તે શબ્દોથી નહિ સમજાવો તો તમારે શું જોઈએ છે તેની ધારણા તે વ્યક્તિ કરી શકશે નહિ. અસ્પષ્ટ વાતચીતથી તક ગુમાવવી પડે છે. ટુંકાણમાં કહો, પરંતુ સ્પષ્ટ રહો. જો તમે વધુપડતું બોલશો તો નકામી વાતોમાં સમય વહી જશે અને મુખ્ય મુદ્દો તો કહેવાનો જ રહી જશે. હંમેશાં સકારાત્મક બોલો અને મુખ્ય મુદ્દા પહેલા જણાવો.
[2] કોમ્યુનિકેશન સ્કીલ્સ મૌખિક અથવા લેખિત હોય છેઃ મૌખિક કોમ્યુનિકેશનનો લાભ એ રહે છે કે તમને સામેની વ્યક્તિના અવાજ અને બોડી લેંગ્વેજ સમજવાની તક મળે છે. સામેની વ્યક્તિના પ્રત્યાઘાતને સમજવાનું સરળ પડે છે.
મૌખિક કોમ્યુનિકેશન લાભકારી બની શકે જ્યારે [a] વિષય જટિલ હોય અને લેખિત સમજાવવામાં વધુ સમય જાય તેમ હોય [b] જ્યારે વાટાઘાટો કરવાની હોય અથવા તમારે ટીમ તરીકે કોઈ સમસ્યા ઉકેલવાની હોય.
જ્યારે સામેની વ્યક્તિને સમજવા કે વિચારવા વધુ સમય જોઈતો હોય અથવા તમારે એક જ પ્રકારનો સંદેશો ઘણા લોકોને મોકલવાનો હોય ત્યારે લેખિત કોમ્યુનિકેશન્સ બહેતર રહે છે.
[3] સારું ટીમવર્ક એટલે શું?ઃ સૌપહેલા તો ‘હું’ પર નહિ, પરંતુ ‘આપણે’ પર ધ્યાન કેન્દ્રિત રાખો. કદી કોઈ પણ અસહમતિને વ્યક્તિગત લેશો નહિ, તેને પ્રોફેશનલ તરીકે સ્વીકારો. તમારા જેવા મંતવ્યો હોય તે રીતે તમારા સાથીઓના પણ મંતવ્યો હોય છે. તમારી સંસ્થા માટે શું શ્રેષ્ઠ છે તેના પર ધ્યાન આપો અને એકબીજાને સપોર્ટ કરો. સારું ટીમવર્ક હંમેશાં નજરમાં આવે જ છે.
[4] તમારા લાઈન મેનેજર સાથે તમારો સંબંધઃ તમારા કાર્યસંતોષ અને કારકિર્દીની તકો માટે લાઈન મેનેજર સૌથી મહત્ત્વની વ્યક્તિ છે. કાર્યની સફળતા માટે તેની સાથેના સંબંધને ઉપયોગી બનાવો. જો તમારા મેનેજરનું વ્યક્તિત્વ તમારાથી સંપૂર્ણપણે અલગ હોય તો પણ તેમની સાથે વિવેકપૂર્ણ અને સપોર્ટિવ વ્યવહાર રાખો.
તમારા મેનેજર સાથે તમારો સંબંધ પાર્ટનરશિપ જેવો છે. તમારું અને તેમનું મુખ્ય લક્ષ્ય એકસમાન છે- કંપનીની સફળતા. તેમની ઓથોરિટી તેમના હોદ્દા અને અનુભવની નીપજ છે, તમારી સત્તા તમારા કૌશલ્ય અને તમે નિર્માણ કરેલા ટ્રેક રેકોર્ડ થકી ઉદ્ભવે છે.
હંમેશાં નિયમિત રહો, સ્પષ્ટ કોમ્યનિકેશન રાખો તેમજ તમારા લાઈન મેનેજર અને સાથી કર્મચારીઓ સાથે સારાં વર્કિંગ સંબંધો જાળવી રાખો. ઉપાયો મેળવો, માત્ર સમસ્યાઓ નહિ. તમારો અનુભવ વધતો જશે તેમ તમારી ઓથોરિટી પણ વધતી જશે. આ પછી, તમારે રચનાત્મક આઈડિયાઝનું યોગદાન આપવું જોઈશે.
તમારા મેનેજર અને સહયોગીઓ સાથે નિયમિત વાતચીત કરવાથી વિશ્વાસનું નિર્માણ થાય છે. આથી, કોઈ છબી ઉભી કરવાની લાલચમાં સપડાશો નહિ. જેમકે લોકો કહે કે, ‘આ તો શાંતિથી પોતાનું કામ કરે રાખે છે.’ આવી ઈમેજ ત્યારે જ કામ કરે છે જ્યારે તમે તમારા લક્ષ્યાંકોથી ઘણાં આગળ વધી ગયા હો અને નોંધપાત્ર ધ્યેયો હાંસલ કર્યા હોય. અન્યથા, નિયમિત સમયે તમારા મેનેજર સાથે સલાહ-પરામર્શ કરવાનું સારું રહેશે. જોકે, તેમને જરૂર વિના ખલેલ પહોંચાડશો નહિ.
મૂળભૂતપણે તમારો અભિગમ આ હોવો જોઈએઃ
• તમારું કામ બરાબર થઈ રહ્યું છે તેની ચોકસાઈ રાખવા તમારા લાઈન મેનેજર સાથે નિયમિત પરામર્શ કરો. જો તમે અપેક્ષા અનુસારના પરિણામો આપી રહ્યા નથી તો તમારે તેમની સાથે આ બાબતે ચર્ચા કરવી જોઈએ. કોઈ પણ ચર્ચા વિના તમારા મેનેજરનો વિશ્વાસ જીતવો મુશ્કેલ બનશે.
• ઉદાહરણ આપું તો, જો તમે તમારા ટાર્ગેટ્સ હાંસલ કરી રહ્યા નથી તો તમારા લાઈન મેનેજર સાથે તેની ચર્ચા કરવામાં વિલંબ કરશો. નહિ. હું જ્યારે બેંકમાં બ્રાન્ચ મેનેજર હતો ત્યારે એક સમસ્યા સર્જાઈ હતી. બ્રાન્ચ નિર્ધારિત લક્ષ્યો હાંલ કરવામાં પાછળ હતી. બ્રાન્ચ દ્વારા માર્કેટિંગ કાર્ય પૂર્ણ કરી દેવાયું હતું, મને વિશ્વાસ હતો કે બ્રાન્ચ આગામી બે મહિનામાં તેના લક્ષ્યો હાંસલ કરશે એટલું જ નહિ, લક્ષ્યોથી પણ આગળ વધી જશે. આથી મેં ધીરજ રાખવા માટે રીજિયોનલ મેનેજરની મુલાકાત લીધી. તેમણે મને ઉષ્માપૂર્ણ સ્મિતથી આવકારી પ્રશ્ન કર્યો,‘મેં તમને કશું પ્રશ્ન કર્યો છે?’ મેં કહ્યું, ‘ ના સાહેબ, પણ મને લાગ્યું કે મારે આ બાબતે સમજાવવું જોઈએ.’ તેમમે ઉત્તર આપ્યો,‘હું તમારી બ્રાન્ચની સ્થિતિથી માહિતગાર છું, પરંતુ હું એ પણ જાણું છું કે તમે એકાગ્રતાપૂર્ણ વ્યક્તિ છો અને હું જાણું છું કે તમે અને તમારા સહયોગીઓ કામ પુર્ણ કરી દેશો.’ આ પછી, તેઓ ખુરશીમાંથી ઉભા થયા અને હું પણ મારી ખુરશીમાંથી ઉભો થયો.
તેમણે હુંફાળા સ્મિત સાથે મારી સાથે હાથ મિલાવ્યા અને કહ્યું,‘ચિંતા કરશો નહિ. તમારો દિવસ સુખરુપ રહે.’ મારા માટે આ ઘણી મોટી રાહત હતી. અને તેનાથી મારો ઉત્સાહ પણ બેવડાયો! આ સલાહ-પરામર્શની તાકાત છે.
તમને સારા નસીબની શુભકામના.


comments powered by Disqus