બ્રહ્માકુમારીઝ દ્વારા યોગદિવસની વિવિધ ઉજવણીઓ

Wednesday 01st July 2026 06:44 EDT
 
 

લંડનઃ વિશ્વભરમાં 12મા યુએન ઈન્ટરનેશનલ યોગ દિવસની 21 જૂને ઉજવણી કરાઈ તે અગાઉથી બ્રહ્માકુમારીઝ દ્વારા યોગના મૂલ્યોને સમજાવતા સંખ્યાબંધ અને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ ઉજવણીની શરૂઆતમાં કેમ્બ્રિજમાં 6 જૂનથી કરવામાં આવી હતી.
ભારતીય હાઈ કમિશન, નેહરુ સેન્ટર અને બ્રહ્માકુમારીઝના સંયુક્ત ઉપક્રમે કેમ્બ્રીજમાં 6 જૂને બ્રહ્માકુમારીઝ ઈનર સ્પેસ ખાતે યોગદિવસ ઉજવાયો હતો. મનને શાંત કરતા રાજયોગ ધ્યાન ઈવેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં નેહરુ સેન્ટરના ડેપ્યુટી ડાયરેક્ટર રાકેશ કુમાર, યોગગુરુ દૃષ્ટિ પટેલ, ડો, પ્રશાંત કાકોડે અને સિસ્ટર જૈમિની પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત, ભારતીય હાઈ કમિશન, નેહરુ સેન્ટરના સહયોગમાં ઓક્સફર્ડમાં ગ્લોબલ રીટ્રીટ સેન્ટરના શાંત વાતાવરણમાં યોગગુરુ દૃષ્ટિ પટેલે યોગાસનો કરાવ્યાં હતાં, જ્યારે સિસ્ટર મંદા પટેલે રાજયોગ ધ્યાન વિશે સમજ આપી હતી. 19 જૂને સ્ટ્રેન્ડ ખાતે ભારતીય હાઈ કમિશન, કિંગ્સ કોલેજ લંડન દ્વારા આયોજિત કાર્યક્રમમાં બ્રહ્માકુમારીઝ સહિત અનેક સંસ્થાઓ જોડાઈ હતી. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર પી. કુમારને ઈવેન્ટને ખુલ્લો મૂક્યો હતો. વિવિધ ગ્રૂપો દ્વારા યોગાસનો કરાવાયા હતા. બીજી તરફ, બ્રહ્માકુમારીઝના સિસ્ટર જૈમિનીએ સહુને ધ્યાનમાં જોડાવા આમંત્રિત કર્યા હતા અને રાજયોગ વિશે સમજ આપી હતી.
21 જૂને વાસ્તવિક 12મા યુએન ઈન્ટરનેશનલ યોગ દિવસ નિમિત્તે ભારતીય હાઈ કમિશન, નેહરુ સેન્ટર, રોયલ કોલેજ ઓફ કેન્સિંગ્ટન એન્ડ ચેલ્સીના સંયુક્ત ઉપક્રમે લંડનના હોલેન્ડ પાર્ક ખાતે યોગ ઈવેન્ટ યોજાયો હતો. વિવિધ યોગગુરુઓ દ્વારા લોકોને વિવિધ યોગાસનો કરાવાયા હતા. બ્રહ્માકુમારીઝના સિસ્ટર જૈમિનીએ ધ્યાનયોગનું નેતૃત્વ કર્યું હતું અને સિસ્ટર દૃષ્ટિએ ‘ઓમ’ મંત્રનો ઉચ્ચાર કરાવ્યો હતો જેનાથી સમગ્ર વાતાવરણ ઓમમય બની ગયું હતું. આ ઈવેન્ટનું સંકલન નેહરુ સેન્ટરના નાઓરેમ સિંહ, ભારતીય હાઈ કમિશનની સાંસ્કૃતિક શાખા દ્વારા કરાયું હતું.
બ્રહ્માકુમારીઝની યુકે કો-ઓર્ડિનેટિંગ ઓફિસ ગ્લોબલ કોઓપરેશન હાઉસ ખાતે રવિવાર 21 જૂનની બપોર પછી રાજ યોગ ફોર માઈન્ડનું એક કલાકનું જાહેર સત્ર યોજવામાં આવ્યું હતું. બીરુ ભાસ્કરને કનેક્ટિંગ વિથ ધ ડિવાઈન ઈવેન્ટમાં સહુને આવકાર્યા હતા. સિસ્ટર જૈમિની અને સિસ્ટર મૌરીને કાર્યક્રમનું સંચાલન કર્યું હતુ. સ્ટેજ પર ચાર રાજયોગીઓએ ઉપસ્થિત રહી દિવ્યતા સાથે સંધાન અર્થે રાજ યોગનું ધ્યાન કરાવ્યું હતું. આ ઈવેન્ટમાં 60થી વધુ લોકો હાજર રહ્યા હતા.
ઉજવણીઓના સમાપનમાં ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ- ઈન્ડિયન ટ્રેડિશનલ સાયન્સીસ દ્વારા બ્રહ્માકુમારીઝને 22 જૂને હાઉસ ઓફ કોમન્સમાં આમંત્રિત કરાયાં હતા. અમરજિત એસ ભામરાની રાહબરી હેઠળના ઈવેન્ટમાં જ્હોન મેક્ડોનેલ MP, જાસ અથવાલ MP, તનમનજિત સિંહ ધેસી MP, બેરોનેસ પ્રશાર CBE, ગુરિન્દર એસ જોસાન MP CBE, બેરોન રેન્જર ઓફ નોર્થવૂડ, બોબ બ્લોકમેન MP CBE, યુકેસ્થિત ડેપ્યુટી ભારતીય હાઈ કમિશનર કાર્તિક પાંડે, યુગાન્ડાના યુકેસ્થિત હાઈ કમિશનર નિમિષા માધવાણી, શ્રી લંકાના યુકેસ્થિત હાઈ કમિશનર નિમાલ સીનાધારા, મોરેશિયસના યુકેસ્થિત હાઈ કમિશનર ડો. રાજેશ્વર જીતાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા. બ્રહ્માકુમારીઝના સિસ્ટર જૈમિનીએ ધ્યાનયોગ વિશે કોમેન્ટરી આપી
હતી, જ્યારે સર્ટિફાઈડ યોગશિક્ષક સિસ્ટર દૃષ્ટિએ ‘ઓમ’ મંત્રનો ઉચ્ચાર કરાવ્યો હતો.


comments powered by Disqus