લોકસભામાં એનડીએના સાંસદોની સંખ્યા 300ને પારઃ વિપક્ષી મોરચો રિસાયેલા સાથીઓને મનાવવા કામે લાગ્યો

Sunday 05th July 2026 05:43 EDT
 
 

નવી દિલ્હીઃ લોકસભામાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના સાંસદોની સભ્ય સંખ્યા 300ને પાર થતાં વિપક્ષી ગઠબંધન ‘ઇંડિયા’માં હાહાકાર મચી ગયો છે. રાજ્યસભાની ચૂંટણી અને પ્રાદેશિક પક્ષોમાં ભાંગફોડ પછી સંસદમાં એનડીએનો દબદબો વધ્યો છે. આને કારણે વિપક્ષી ગઠબંધન ‘ઇંડિયા’માં હલચલ તેજ થઈ ગઈ છે. પૂર્વ સહયોગી પક્ષ ડીએમકે એટલે કે દ્રવિડ મુનેત્ર કઝગમને મનાવવાની કવાયત હાથ ધરાઈ છે. હાલમાં ડીએમકેના વડા સ્ટાલિને કહ્યું છે કે તેમની પાર્ટી ચૂંટણીલક્ષી ગઠબંધનની વિચારણા કરી રહી છે. વિપક્ષી નેતાઓ હવે ડીએમકેની નારાજગી દૂર કરવા પ્રયાસો કરી રહ્યા છે.
જોકે બે-તૃતીયાંશ બહુમતી હજુ દૂર
એનડીએ દ્વારા નંબરગેમમાં હલચલ અને વધારા પછી ‘ઇંડિયા’ ગઠબંધન અચાનક જાગ્યું છે. લોકસભા ચૂંટણી 2024 પછી એનડીએ 293 સીટ પર પહોંચ્યું હતું પણ હવે આ આંકડો 300ને પાર છે. અલબત્ત, હજી તે બે-તૃતીયાંશ બહુમતીનાં આંકડાથી ઘણું પાછળ છે. નીચલા ગૃહમાં 22 સાંસદો ધરાવતા ડીએમકેનું મહત્વ વધી ગયું છે. રાજ્યસભામાં દ્રમુકનાં 8 સાંસદ છે. લોકસભામાં બે તૃતીયાંશ બહુમતીનો આંકડો 362 છે પણ 3 બેઠકો ખાલી હોવાથી સંખ્યા 360 પર આવી ગઈ છે. રાજ્યસભામાં તેને 154 સાંસદોનું સમર્થન જરૂરી છે.
એનડીએની તાકાત કેવી રીતે વધી?
તૃણમૂલ કોંગ્રેસનાં 20 સાંસદોએ બળવો કરીને નેશનલ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા (એનસીપી)માં વિલય કર્યું છે અને એનડીએને ટેકો જાહેર કરતાં એનડીએની સભ્યસંખ્યા 319 થઈ છે. ડીએમકે પણ એનડીએને મુદ્દા આધારિત ટેકો શકે છે. જો આમ થયું તો એનડીએની સભ્યસંખ્યાનો આંકડો 341 સુધી પહોંચી શકે છે.
બીજી તરફ, રાજ્યસભામાં બિરાજતા ‘આપ’ના રાઘવ ચઢ્ઢા સહિત 7સાંસદો ભાજપમાં આવી ગયા છે. તૃણમૂલનાં 4 સાંસદોએ રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું છે. આ ચાર સીટો પર ભાજપની આસાન જીત નક્કી છે. રાજ્યસભાની બેઠકો માટે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં એનડીએની 19 બેઠકો પર જીત થઈ હતી. મિઝોરમના એકમાત્ર સાંસદ પણ એનડીએને મુદ્દા આધારિત ટેકો આપવા તત્પર છે. ઉલ્લેખનીય છે કે બજેટ સત્ર વેળા મહિલા અનામત બિલ અને સીમાંકન બિલ પર એનડીએને જરૂરી 360માં 62 મત ઓછા મળ્યા હતા. હાલ ભલે એનડીએને સમર્થન મળવું મુશ્કેલ જણાતું હોય, પરંતુ ચોમાસું સત્ર સુધીમાં રાજકીય હલચલ વધી શકે છે અને ભાજપ આ બન્ને મહત્ત્વના બિલ મંજૂર કરાવવા જરૂરી સમર્થન મેળવી શકે છે.


    comments powered by Disqus