સ્ત્રી તરીકે શું મારે જ નમતું જોખવાનું ?

Wednesday 01st July 2026 08:41 EDT
 
 

વેમ્બલીમાં વીણાબહેન, દિકરી ઇશા, દીકરો વેદાંત તથા પતિ હીતેશ રહે છે. પતિનો પોતાનો બીઝનેસ છે. વીણાબહેન પણ ખુબ મહેનતુ છે. કુકીંગમાં એમની માસ્ટરી. બ્યુટીશીયન તરીકે પણ એમનું નામ જાણીતું. દિકરી ઇશા કોલેજમાં ભણે છે. કોલેજ બાદ ટ્યુશન પણ કરે છે જેથી પોતાનો ખર્ચ નીકળે અને પોતાના શિક્ષણમાં વૃધ્ધિ થાય. શિક્ષણની વાત આવી તો આપણો પેલો સંસ્કૃત શ્લોક યાદ આવ્યો.
न चोर हार्यम्, न च राजहार्यम। न भातृभाज्यम्, न च भारकारी।। व्यये कृते वर्धतम एव नित्यम, विद्याधनम् सर्वधन प्रधानम ।।
આપણા શાસ્ત્રોમાં વિધાધન સર્વ ધનોમાં પ્રધાન કહ્યું છે. જેને ચોર ચોરી શકતો નથી, રાજા લઇ શકતો નથી, ભાઇઓમાં ભાગ નથી પડતો અને વાપરવાથી(ખર્ચવાથી)વધે છે.
દિકરો ક્રિકેટ ચેમ્પીયન છે. એને ખાસ સ્કોલરશીપ મળી હોય છે એથી હેરોની પ્રતિષ્ઠિત રેસિડેન્સ હાઇસ્કુલમાં એ ભણે છે. ભારતથી આવી ખૂબ જ મહેનત અને લગનથી સેટલ થયેલ આ પટેલ પરિવારની સિધ્ધિ સરાહવા જેવી છે. સુખી સંસાર છે. પરંતુ એમાં પણ ક્યારેય છમકલા થતાં જ રહેતા હોય.એમ ન થાય તો જીંદગી નિરસ ના બની જાય!
એક દિવસની વાત છે. દિકરી કોલેજ બાદ ટ્યુશન કરવા ગઈ અને ત્યાંથી સીધી પપ્પાની ઓફિસે ગઇ. છોકરીની જાત અને સામાન્ય સમય કરતાં મોડું થાય એટલે માનો જીવ ચિંતા કરે. જાતજાતના વિચારોના વમળમાં અટવાઇ જાય. કાલીદાસના શાકુન્તલના પેલા વાક્યની જેમ “અતિ સ્નેહ પાપ શંકી”. ખોટા વિચાર પહેલા આવે. આખરે પતિની ઓફિસમાં ફોન કર્યો. અવાજમાં ગભરામણ કે ચિંતાનો સૂર. પતિને કહ્યું કે, જોને હજી ઇશા ઘરે આવી નથી. આજકાલની છોકરીઓને ભાન જ નથી હોતું કે સમયસર ઘરે ના જઇએ તો મા ચિંતા કરશે. પતિએ કહ્યું, શાંત થા! એ ક્યાંય ગઇ નથી. અહિં ઓફિસમાં જ છે. તો તારે એને પૂછવું ના જોઇએ કે, તે મમ્મીને કહ્યું, કે તું ઘરે મોડી પહોંચીશ. બસ વાતનું વતેસર.
માએ આવેશમાં દિકરીને ધમકાવી નાંખી. ગુસ્સામાં કહ્યું કે, તારે મને ફોન કરીને કહેવું જોઇએ કે, મમ્મી હું સીધી પપ્પાની ઓફિસે જઉં છું અને મોડી આવીશ, મનેં કેટલી ચિંતા થાય? સમય કેટલો ખરાબ છે. તને કંઇ થઇ જાય તો મો બતાવવાને લાયક ના રહીએ.
માના આ ઠપકાથી દિકરી દુ:ખી દુ:ખી થઇ ગઇ અને ધૂસકે ધ્રૂસકે રડવા લાગી. પિતાએ પૂછ્યછયું કે શું થયું? દિકરીએ માની ફરિયાદ કરતાં બધી વીતક કહી. પપ્પાને તો દિકરી હંમેશા બહુ વ્હાલી હોય. એના માટે તો એ વ્હાલપનો દરિયો. એની આંખના આંસુ કેવી રીતે બાપથી જોવાય? પિતાનો પિત્તો ગયો પત્ની પર. પતિ-પત્ની વચ્ચે વાદ-વિવાદ થયો. પત્નીને પતિએ ધમકાવી. બન્ને વચ્ચે અબોલા થયા. આખરે નમતું કોણ જોખે? સ્ત્રીને થાય કે હંમેશા સ્ત્રી તરીકે મારે જ ઝૂકવું પડે! એ ક્યાંનો ન્યાય?


comments powered by Disqus