લંડનઃ વૈવિધ્યતા અને સમાવેશીતા સંદર્ભે વાતચીતો તાકીદ અને સતત વિરોધનું સ્વરૂપ ધારણ કરી રહી છે તેવા સમયે રોયલ એર ફોર્સ (RAF)ના સહયોગમાં એશિયન વોઈસ દ્વારા જાહેર જીવન, એડવોકસી, એજ્યુકેશન અને કોમ્યુનિટી લીડરશિપ ક્ષેત્રોના અગ્રણીઓને 18 મે 2026ના રોજ ડાઈવર્સિટી એન્ડ ઈન્ક્લુઝન વિષય પર વાર્ષિક બી ધ ચેઈન્જ પેનલચર્ચા માટે એક મંચ પર લાવવામાં આવ્યા હતા.
વધતા સામાજિક વિખવાદ અને સમાનતા મુદ્દે ચાલી રહેલી નવી ચર્ચાઓની પશ્ચાદભૂ સાથે આ ઈવેન્ટમાં બ્રિટનમાં વૈવિધ્યતા અને સમાવેશીતાનું ભાવિ કેવું હોવું જોઈએ, આજે પણ પ્રતિનિધિત્વનું શું મહત્ત્વ છે તેમજ સંસ્થાઓ કેવી રીતે શબ્દોના આડંબરથી આગળ વધીને અર્થસભર અને ટકાઉ પરિવર્તન લાવી શકે તેના સંદર્ભે ચર્ચાઓ યોજાઈ હતી.
એશિયન વોઈસના મેનેજિંગ એડિટર રુપાંજના દત્તાએ મહેમાનોના સ્વાગત સાથે ઇવેન્ટને ખુલ્લો મૂક્યો હતો તેમજ બ્રિટનમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે વૈવિધ્યતા અને સમાવેશીતા વિશે વધી રહેલી ચર્ચા સબબે સંબોધન કર્યું હતું. તેમણે લૈંગિકતા, વંશીયતા, ધર્મ, અક્ષમતા અને LGBTQ+ના સમાવેશ સુધી વૈવિધ્યતાને સાંકળવાની રોયલ એર ફોર્સની પ્રતિબદ્ધતાને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘ગત પાંચ વર્ષથી RAF અને એશિયન વોઈસ દ્વારા બ્રિટિશ એશિયન કોમ્યુનિટી સાથે સક્રિય સંપર્ક અને સમાન તક આપનારા એમ્પ્લોયર તરીકે RAFની નીતિને પ્રકાશિત કરતા શ્રેણીબદ્ધ ઈવેન્ટ્સનું સંયુક્તપણે આયોજન કરાતું આવ્યું છે. આ ઈવેન્ટ્સ સંવાદ, પ્રેરણા અને વિશદ સમજણ માટેની મૂલ્યવાન પ્લેટફોર્મ બની રહેવા સાથે વિવિધ પશ્ચાદભૂ ધરાવતા યુવા લોકોને સર્વિસની અંદર જ ભારે વળતર આપતી કારકિર્દીની તકો તપાસવા પ્રોત્સાહિત કરતા રહ્યા છે.’
RAFના ફ્લાઈટ સાર્જન્ટ લૂઈસ મઝલવ્હાઈટે ડાઈવર્સિટી અને ઈન્ક્લુઝન વિશે RAFના નવતર અભિગમ અંગે જણાવતાં ભાર મૂક્યો હતો કે વર્ષો દરમિયાન D&Iમાં ભાષા બદલાતી રહી છે ત્યારે પણ તમામ પશ્ચાદભૂ સાથેના લોકો માટે તકની પ્રતિબદ્ધતા સાતત્યપૂર્ણ રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ‘RAFના 32,000થી વધુ કર્મચારીના વર્કફોર્સમાં અમારે વધી રહેલા જટિલ પડકારોને પહોંચી વળવા પ્રતિભા, પ્રોફેશનાલિઝમ અને વૈચારિક વૈવિધ્યતાની જરૂર રહે છે. અમે જે બધું કરીએ છીએ તેના હાર્દમાં લોકો છે અને અમારી લાંબા સમયની સફળતાનો આધાર પ્રતિભાશાળી વ્યક્તિઓને આકર્ષવા, વિકસાવવા અને ખાસ કરીને જાળવી રાખવાની અમારી ક્ષમતા પર છે. આનો અર્થ એ કે અમે લોકોના વ્યાપક સમૂહમાંથી ભરતી કરીએ અને તેઓ જ્યાં ટકી રહેવા અને વિકસવાની ઈચ્છા રાખે તેવું વાતાવરણ સર્જવાની ચોકસાઈ રાખીએ.’ તેમણે કહ્યું હતું કે RAF પ્રતિનિધિત્વના મૂલ્યાંકન અને સુધારણાના ક્ષેત્રોને ઓળખવા નિયમિતપણે વર્કફોર્સ સર્વેઝ હાથ ધરે છે. 2006થી આર્મ્ડ ફોર્સીસમાં વંશીય લઘુમતી પ્રતિનિધિત્વ 7 ટકાથી વધીને 12.5 ટકા થયું છે જ્યારે મહિલાઓનું પ્રતિનિધિત્વ 10 ટકાથી વધીને 12 ટકા થયું છે.
હાલ સર્વિસીસમાં RAF 16.9 ટકા મહિલા કર્મચારીઓ સાથે લૈંગિક વૈવિધ્યતામાં અગ્રેસર છે. પોતાનું સંબોધન સમાપ્ત કરતાં તેમણે ઓડિયન્સને તેઓ કેવી રીતે અંગતપણે સમાવેશીતાનું યોગદાન આપી શકે અને પરિવર્તન બની શકે તે વિચારવા પ્રોત્સાહન આપ્યું હતું. પેનલચર્ચાએ સતત વિભાજિત થઈ રહેલી સામાજિક આબોહવામાં ડાઈવર્સિટી, ઈક્વિટી અને સમાવેશીતાના પ્રયાસોની સતત તાકીદનું મહત્વ સમજાવ્યું હતું અને ટકાઉ પરિવર્તન વિના પ્રગતિ કેટલી સરળતાથી અટકી જાય તેના પર પ્રકાશ પાથર્યો હતો. તેણે અસમાનતાને માળખાકીય મુદ્દા તરીકે દર્શાવી હતી, જેને કચડાયેલા સમુદાયો માટે તકને નિયંત્રિત કરતી સંસ્થાઓ અને સિસ્ટમ્સ દ્વારા આકાર અપાય છે. ચર્ચાએ ગૌરવ, વિઝિબિલિટી અને અર્થસભર પ્રતિનિધિત્વના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. ક્લાસની ઓળખ સમાવેશીતાના દરકાર નહિ કરાતા પરિમાણ તરીકે કરાઈ હતી જેને મોટા ભાગે ટાળવામાં આવે છે કારણકે નેતૃત્વના માળખાઓ વિશેષાધિકારની પશ્ચાદભૂ ધરાવનારાઓથી પ્રભાવિત રહે છે અને ક્લાસની ચર્ચાઓ સત્તા અને વિશેષાધિકારના અસ્તિત્વને પડકારી શકે છે. ઘણા લોકો તેમના કામ પર વર્ચસ્વ ધરાવતા માપદંડો સાથે સંકળાવા તેમના ઉચ્ચાર, વર્તન અથવા રસને અનુકૂળ બનાવી તેમની પશ્ચાદભૂને છુપાવવાના દબાણની લાગણી ધરાવતા હોવાનું પણ આ ચર્ચામાં તપાસાયું હતું. આવા અનુકૂલનો પડકારનો સામનો કરવા અથવા અસ્તિત્વની રણનીતિ તરીકે કામ લાગી શકે ત્યારે ચર્ચામાં નોંધ લેવાઈ હતી કે
ચોક્કસ ઓળખોને છુપાવાય ત્યારે તે વધુ સ્વીકાર્ય હોવાની માન્યતાને બળ મળે છે.
કારકિર્દીના ઉદાહરણે ધીરજ અને સતત કાર્યશીલતાના મહત્ત્વને દર્શાવ્યું હતું. સક્રિય અનુસરણથી તક કેવી રીતે હાંસલ કરી શકાય અને ચકાસણી હેઠળ સ્પેશિયાલિસ્ટ તજજ્ઞતાનું પ્રદર્શન કેવી રીતે આત્મવિશ્વાસ અને વિશ્વસનીયતાનું નિર્માણ કરે છે. સમગ્રતયા પેનલચર્ચામાં એવી દલીલ કરાઈ કે અર્થસભર પ્રગતિનો આધાર માળખાકીય સુધારણા અને વ્યક્તિગત એક્શન, એમ બંને પર આધાર રાખે છે. ચર્ચામાં નોંધ લેવાઈ હતી કે બેકલેશ મોટા ભાગે ભય અને સ્ટેટસને માની લીધેલી ધમકીઓમાં મૂળ ધરાવે છે તથા કોને લાભ થાય છે અને કોને ગેરલાભ તેની ધારણાઓને શૂન્ય બનાવે છે.
ABPLના ચેરમેન સીબી પટેલે આભાર પ્રસ્તાવ રજૂ કરતા ઓડિયન્સને માહિતી આપી હતી કે ગત પાંચ વર્ષના ગાળામાં RAF અને એશિયન વોઈસે સંખ્યાબંધ ઈવેન્ટ્સમાં સહકાર સાધ્યો છે. આ મેળાવડાઓએ સંવાદ, પ્રેરણા અને આપસી સમજ માટે અર્થસભર પ્લેટફોર્મ્સ પૂરાં પાડ્યા છે તેમજ વૈવિધ્યપૂર્ણ પશ્ચાદભૂમાંથી આવતા યુવા લોકોને સર્વિસની અંદર પ્રાપ્ય વળતરરૂપ કારકિર્દીની વ્યાપક તકો તરાશવા પ્રોત્સાહન આપ્યું છે. તેમણે અંતમાં ટીપ્પણી કરી હતી કે, ‘આ સાંજ સહભાગી પ્રતિબદ્ધતા અને સહકારનું વધુ એક ઉદાહરણ છે.’
ફાહીમ ખાન
ફ્યુચર લીડર્સ યુકેના સ્થાપક
બી ધ ચેઈન્જ પેનલ સાંજનો હિસ્સો બની રહેવાનું સાચે જ વિશેષાધિકાર હતો. મોડરેટર તરીકે મને સૌથી વધુ એ રૂમમાં અસાધારણ વૈવિધ્યતાનું દર્શન થયું. અલગ અલગ પશ્ચાદભૂ, ઈન્ડસ્ટ્રીઝ અને કોમ્યુનિટીઓના લોકો, જેઓ વૈવિધ્યતા, સમાનતા અને સમાવેશીતાની સહભાગી પ્રતિબદ્ધતાથી સંકળાયેલા હતા. આ ખરે જ સૌથી શક્તિશાળી હતું. આપણે એવી પળમાં જીવી રહ્યા છીએ જ્યાં કામનું વધુ મહત્ત્વ છે, અને તાજેતરના સ્મરણમાં કોઈ પણ ક્ષણે સૌથી વધુ જોખમ હેઠળ છીએ. આ પ્રકારના ઈવેન્ટ્સ વધુ મહત્ત્વના છે કારણકે તેઓ આ વાતચીતને શાંત બનાવી રાખવાનું નકારે છે. તે આપણને યાદ અપાવે છે કે સમાવેશીતા કોઈ ટ્રેન્ડ કે કોર્પોરેટ ટિક બોક્સ નથી. તે નૈતિક અનિવાર્યતા અને સામાજિક આવશ્યકતા છે. ફ્યુચર લીડર્સ યુકેના પાર્ટનર્સ સાથે આ સાંજના સહભાગી બનવાનો મને ગર્વ છે, જેઓ આપણે દરરોજ કરીએ છીએ તે સોશિયલ મોબિલિટી કાર્યને સમર્થન આપે છે, વિકસવાની દરેક તકની લાયકાત ધરાવતા કચડાયેલા સમુદાયોના યુવા લોકો માટે દ્વાર ખોલે છે. હું ખાસ કરીને રોયલ એર ફોર્સને બિરદાવવા ઈચ્છું છું. પછાત અને ઓછું પ્રતિનિધિત્વ ધરાવતી કોમ્યુનિટીઓને સપોર્ટ કરવાની તેમની દીર્ઘકાલીન પ્રતિબદ્ધતા ટકાઉ અને અર્થસભર એક્શન કોને કહેવાય તેનું સાચું ઉદાહરણ છે. તેઓ માત્ર પરિવર્તન વિશે વાત કરી રહ્યા નથી, પરિવર્તન લાવ્યા પણ છે.
લક્સ માન MBE
ડાઈવર્સિટી અને ઈન્ક્લુઝન એક્સપર્ટ અને LGBTQ+ હિમાયતી
પ્રતિનિધિત્વનું મહત્ત્વ છે, પરંતુ તે આપમેળે પુરતું નથી. સાઉથ એશિયનોએ બોર્ડરૂમ્સ, જાહેર સેવા, યુનિફોર્મમાં અભુતપૂર્વ હરણફાળ ભરી છે આમ છતાં, સાચા બિલોન્ગિંગ-જોડાયેલા હોવાનું કાર્ય અઘુરું છે. પ્રગતિ વાસ્તવિક છે, પરંતુ તે નાજૂક છે અને જડતા-આળસ આપણો સૌથી મોટો શત્રુ છે. જ્યારે હું યુકેનો સૌથી પ્રથમ જાહેર સમલૈંગિક સાઉથ એશિયન અને શીખ પોલીસ ઓફિસર બન્યો ત્યારે હું કોઈ સ્ટેટમેન્ટ આપી રહ્યો ન હતો, હું માત્ર અદૃશ્ય રહેવાનો ઈનકાર કરી રહ્યો હતો. સત્તા, વિશેષાધિકાર અને વગ ધરાવનારાઓ પસંદગીનો સામનો કરે છે, પ્રગતિને આગળ વધારવાનો અથવા યથાવત સ્થિતિ જાળવી રાખવામાં તેનો ઉપયોગ કરવાનો.
સાઉથ એશિયન કોમ્યુનિટીએ ટેબલ પર બેઠક મેળવવા ભારે લડાઈ કરી છે, હવે તો ખુદ ટેબલે જ બદલાવું પડશે. વાસ્તવિક પરિવર્તન માત્ર વાતચીતથી વિશેષ માગે છે, તે ઉત્તરદાયિત્વની માગણી કરે છે. તમારી સંસ્કૃતિ, તમારી આસ્થા-ધર્મ, તમારી જાતીયતા- આ બધી તમારી તાકાત છે, તમારા અવરોધો નથી. તેને સ્વીકારો. આ બધું જ સ્વીકારો.
અંજુલા દેવી
લેખક અને કન્સલ્ટન્ટ શેફ, માન્ચેસ્ટર યુનાઈટેડ ફૂટબોલ ક્લબ
ડાઈવર્સિટી એન્ડ ઈન્ક્લુઝન ઈવેન્ટમાં ભરચક ખંડ નિહાળી મને ભારે રોમાંચ થયો હતો. તે આ પ્રકારના સંવાદો અને અર્થસભર પરિવર્તન સંદર્ભે વર્તમાન રુચિને દર્શાવે છે. પ્રતિનિધિત્વ, સમાનતા અને મજબૂત સંબંધો પરત્વે ડાયનેમિક્સ અને પડકારોની ચર્ચા કરવાના ફોરમ તરીકે આ પ્રકારના ઈવેન્ટ્સ 2026માં મહત્ત્વના છે. વૈવિધ્યપૂર્ણ કિચન ક્રુ સાથે મળીને કામ કરતા હોય તેવી સંસ્કૃતિમાં સમાવેશીતાના મજબૂત મૂળિયા ધરાવતી માન્ચેસ્ટર યુનાઈટેડ સાથે મેં વીતાવેલી સાત સીઝન્સ દરમિયાન આવા રચનાત્મક પરિવર્તનો નિહાળવાં હું સદ્ભાગી રહી છું. વિવિધ પશ્ચાદભૂના લોકો એકબીજાને આદર આપતા હતા અને અન્ય કોઈ બાબત સિવાય તેમના યોગદાન અને ચરિત્રના આધારે તેમને જજ કરાતા હતા. મને આ અનુભવે દર્શાવ્યું કે જ્યારે સમાવેશીતા રોજિંદા વાતાવરણનો હિસ્સો બની રહે ત્યારે શું શક્ય બને છે. આમ છતાં, ઘણું કામ કરવાનું જરૂરી રહે છે. મને ઘણી વાર મોટા કોર્પોરેશન્સ દ્વારા સાઉથ એશિયન હેરિટેજ મન્થ (SAHM) દરમિયાન બોલાવવામાં આવે છે. જ્યારે પ્રામાણિકતા અને અસરકારકતા સાથે ઉપયોગમાં લેવાય ત્યારે SAHM કામચલાઉ ફોકસ સર્જવાના બદલે સંપૂર્ણ વર્ષ માટે સાચી સમાવેશીતા માટે પ્લેટફોર્મ પુરું પાડી સ્પ્રિંગબોર્ડ બની શકે છે. સમાવેશી વર્તણૂંક સાતત્યપૂર્ણ, મૌલિક અને રોજિંદી એક્શન્સ, લીડરશિપ અને ડિસીઝન મેકિંગમાં પ્રતિબિંબિત થાય ત્યારે શ્રેષ્ઠ હોય છે.
જાબીર બટ્ટ OBE
ચીફ એક્ઝિક્યુટિવ, રેસ ઈક્વાલિટી ફાઉન્ડેશન
ફાહીમ, અંજુલા અને લક્સ સાથે પ્લેટફોર્મ શેર કરવાની તક ઉપરાંત, આ ઈવેન્ટનાં સૌથી પ્રોત્સાહક પાસાઓમાં એક ડાઈવર્સિટી એન્ડ ઈન્ક્લુઝનની પ્રતીકાત્મક ચર્ચાઓથી આગળ વધવાની ઈચ્છા અને સાચુ પરિવર્તન વ્યવહારમાં કેવું દેખાશે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની બાબત રહી હતી. પેનલચર્ચા દરમિયાન, મેં તાજેતરના દાયકાઓમાં બ્રિટને કેવી રીતે નાટ્યાત્મકપણે બાળમૃત્યુ ઘટાડ્યું અને આપણા માર્ગો પર ગંભીર ઈજાઓ ઘટાડાઈ તેના પર વાત કરી હતી. એક સમયે આપણે આ કરુણાંતિકાઓને કમનસીબ છતાં અનિવાર્ય ગણાવતા હતા. જે પરિવર્તન આવ્યું છે તે માત્ર જાગરુકતા નથી, પરંતુ બાળકો અને યુવા લોકોને અટકાવી શકાય તેવું નુકસાન અસ્વીકાર્ય હોવાનો સામૂહિક નિર્ણય છે. આનું પરિણામ, સીટ બેલ્ટ્સ, સલામત કાર અને રોડ ડિઝાઈન, ઓછી સ્પીડ લિમિટ્સ, ઈજનેરી માપદંડો, અમલપાલન, રેગ્યુલેશન અને લાંબા ગાળાની જવાબદારીઓ વિશે લેજિસ્લેશન સાથે માળખાકીય કાર્યવાહી હતું. સમાનતાના કાર્ય માટે આ મહત્ત્વનો બોધપાઠ હતો. સાચી પ્રગતિ ત્યારે જ સધાય છે જ્યારે સંસ્થાઓ વ્યક્તિગત ગૂડવિલ અથવા સારી ભાષા પર આધાર રાખવાના બદલે સિસ્ટમ્સ અને પર્યાવરણને રિડિઝાઈન કરે. સાચા પરિવર્તનની માત્ર જરૂર નથી, પરંતુ તે શક્ય પણ તેમ ઘણા લોકો પાસેથી સાંભળવા મળે છે તે ખરેખર આનંદ આપે છે. (ફોટો સૌજન્યઃ વિનીત જૌહરી)

