ખળખળ વહેતી મહાનદી નર્મદાના નીરથી પાવન બનેલ વડોદરા ડીસ્ટ્રીક્ટમાં આવેલ નાનકડા ગામ શિનોરની ધન્ય ધરા સ્વર્ણિમ ઇતિહાસને પોતાના ગર્ભમાં ધરબીને બેઠી છે. આજે હું આપને એનો પરિચય કરાવું. મારી તાજેતરની ભારતની મુલાકાતોમાં આ ગામનો પ્રવાસ ખેડવાનો મોકો ધાર્મિક અને સામાજિક પ્રસંગોને કારણે બે વાર મળ્યો. મારા ભાભી ભાવનાનું એ પિયર. ત્યાંનું શ્રી પાર્શ્ર્વ પદ્માવતી લબ્ધિ જૈન તીર્થ યાત્રિકો માટે શ્રધ્ધા અને આકર્ષણનું સ્થળ બન્યું છે. જ્યાં મા પદ્માવતીના વિવિધ રૂપોની ૨૬ દેરીઓ છે. તાજેતરમાં આ મંદિરની સાલગીરી નિમિત્તે મારા ભાઇના પરિવાર સાથે જવાનું થયું. મારી વર્ષોની ખ્વાઇશ જાણે પૂરી થઇ. દેરાસરના પ્રાંગણમાં નર્મદા મૈયાના કિનારે ઉભા રહી એના શીતળ પવનની સુરખીઓમાં દૈવિક તત્ત્વોની આહ્લાદકતાની અનુભૂતિ થઇ હતી.
ત્યાંના પ્રાચીન જીનાલયો, ઉપાશ્રય, ગુરૂ મંદિર, ભોજનશાળા, ધર્મશાળા, સમૃધ્ધ જ્ઞાન ભંડાર ઇતિહાસના સ્મારક સમા છે.
શિનોરનું મૂળ નામ શૈન્યાપુર હતું. ત્યાં દૈવિક કાફલા અને સંતોના કેમ્પ શિવ મંદિરને કારણે ભરાતાં. કાળક્રમે એનું નામ શિવપુર. કહેવાય છે નર્મદા નદીમાં જેટલા કંકર એટલા શંકર! જે એની પવિત્રતાનું સૂચક. ભગવાન શિવનું એ સ્થાનક. સદીઓ વીતતાં કળિયુગના પ્રારંભે એનું નામ શિનોર થયું. એક જમાનામાં એ નર્મદા નદીના કિનારાનું ગુજરાતનું બંદર. (ચાંપાનેર વાયા ડભોઇ તથા ખાનદેશ-સાપુતારા હીલ પરથી પસાર થઇ) વેપાર અર્થે અવર-જવર કરતાં વહાણોનું એ મુખ્ય મથક હતું. વેપારીઓ મોટાભાગે જૈનો હતાં. આ ગામમાં વર્ષો પહેલા લગભગ 200 જેટલા જૈન પરિવારો વસવાટ કરતા હતા. જૈન હોય એટલે ત્યાં જિનાલય હોય જ! એટલે જ શિનોર ગામમાં ધર્મની આરાધના માટે બે શિખરબંધી જીનાલયોનું 200 વર્ષ પહેલાનિર્માણ થયેલું.
આ બંને જિનાલયો એક નાનું જિનાલય અને એક મોટું જિનાલય એવી રીતે ઓળખાતા; તેમાંનું એક જિનાલય એટલે દ્વિ મંજલીય મૂળનાયક શ્રી સુમતિનાથ દાદાનું જિનાલય જેમાં નીચે એટલે કે ભોંયરામાં અતિ પ્રાચીન એવા શ્રી આદિનાથ પરમાત્મા બિરાજમાન છે. કહેવાય છે કે આ પ્રતિમા નર્મદા નદીની રૈયા ખાડીમાંથી સ્વપ્ન દ્વારા પ્રાપ્ત થયેલા ..બે ગામો એટલે કે શિનોર અને સિસોદ્રા વચ્ચે આ ખાડીમાંથી નીકળેલી પ્રતિમાને લઈ જવા માટેનો વિવાદ થયો. વડીલોના માર્ગદર્શન હેઠળ આ પ્રતિમા બળદ ગાડામાં સ્થાપિત કરી અને બળદ ગાડું જ્યાં જાય ત્યાં તેનું જિનાલય બનાવો તેવું નક્કી થયું. બળદ ગાડું ચાલતા ચાલતા શિનોર નગરે આવી ઊભું રહ્યું અને ત્યાં આ જીનાલયનું નિર્માણ થયું. આ પ્રતિમા ખૂબ જ નાજુક છે કારણ આ પ્રતિમા માટી અને રેતી થી બનેલી છે તેથી તેની ખૂબ કાળજી લેવાય છે. આજે પણ આ જિનાલયમાં પ્રભુના દર્શન વંદન કરવા પધારેલ યાત્રિકો તથા સાધુ સાધ્વી ભગવંતોને એક ચમત્કારિક અહેસાસ થાય છે. અહીંયા પધારી સાધુ સાધ્વી ભગવંતો જાપ-સાધના કરે છે.
હવે બીજા જિનાલય ની વાત કરીએ તો મૂળ નાયક શ્રી વાસુ પૂજ્ય સ્વામી તથા નીચે ભોયરામાં મનને શાંતિ આપનાર શ્રી શાંતિનાથ દાદા ની અતિ પ્રાચીન પ્રતિમાઓ સ્થાપિત થયેલ છે. પ્રાચીન કાળથી મંદિરો અને જિનાલયો બાંધનાર શિલ્પી સોમપુરાઓ આ જીનાલયમાં પધાર્યા ત્યારે તેમના મુખમાંથી સરી પડેલ શબ્દો એટલે ....‘‘આ જગ્યા અને જિનાલયમાં પધરાવેલ દરેક પ્રતિમાઓ એટલી ઉર્જાવાન છે કે અહીંયા મનની શાંતિ તથા ધારેલા દરેક કાર્ય સફળ કરવાની શક્તિ ધરાવે છે’’
વર્ષો પહેલા આજ જિનાલયની બાજુમાં સંઘ દ્વારા બનાવવામાં આવેલ ખૂબ જ વિશાળ ઉપાશ્રય હતો જેમાં ત્યારના શાસનના પ્રભાવક આચાર્ય અને સાધુ ભગવંતો ચોમાસુ કરવા પધારી આરાધના કરતા હતા.. એક સમયે આ તીર્થમાં એક સાથ ે14 આચાર્ય ભગવંતોએ ચાતુર્માસ કરેલ છે. આ નગરની જાહોજલાલી અને ભવ્યતા તથા શ્રાવકોનો શાસન પ્રત્યે નો અહોભાવ સરાહનીય છે. વર્ષો જતા નર્મદા નદીમાં ભયંકર પૂર આવતા એ જુનો ઉપાશ્રય ક્ષતિગ્રસ્ત થઈ ગયો..
આ તીર્થની એક ખૂબ જ અને પ્રભાવક ઘટના એટલે...
આજથી 120 વર્ષ પહેલા જૈન શાસનના પ્રભાવિત અને વચન સિદ્ધ મહાપુરુષ એટલે કે શ્રી વીર વિજયજી મહારાજ સાહેબ નવ દીક્ષિત બાળમુની સાથે કુલ ૧૨ થાણા ચાતુર્માસ માટે પધારેલા.
એક દિવસ ગુરુદેવની આજ્ઞા શિરોમાન્ય ધરી બાળમુની શ્રી રામ વિજયજી મહારાજે પહેલી વખત જોરદાર વ્યાખ્યાન ફરમાવ્યું. વ્યાખ્યાન બાદ ગુરુદેવ શ્રી વીર વિજય મહારાજે આશીર્વાદ આપતા કહેલું કે *"તું એક દિન જબ્બર શાસન પ્રભાવક બનેગા*" એ આશીર્વાદ વચન સિદ્ધ થતા શ્રી રામ વિજયજી મહારાજ જૈન શાસન શિરતાજ, દીક્ષા યુગ પ્રવર્તક, બાર દીક્ષા સંવર્ધક શ્રીમદ વિજય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજા બન્યા.. આમ શ્રીમદ વિજય રામચંદ્ર સુરી મહારાજ સાહેબની વ્યાખ્યાન ગંગા જે વહી તેનો ગંગોત્રી સ્થાન એટલે શિનોર તીર્થ..વર્ષો બાદ 1995 ની આજુબાજુમાં સંઘના શ્રેષ્ઠિઓ દ્વારા શ્રી રામચંદ્ર સુરી મહારાજના શિષ્ય આચાર્ય નયવર્ધન સૂરીશ્વરજી મહારાજને વિનંતી કરતા સાહેબજી દ્વારા અહીંયા પ્રવચન તીર્થનું નિર્માણ થયું. પ્રાચીન જીનાલયનું ઉથાપન કરી નવા જિનાલયની પ્રતિષ્ઠા કરી સાથે ઉપાશ્રય, ગુરુ મંદિર, ચિત્રશાળા ધર્મશાળા તથા ભોજન શાળાનું નિર્માણ કરવામાં આવ્યું..
આ સમયગાળા પહેલા સાધુ સાધ્વી ભગવંતો શિનોર તીર્થ માટે તરસતાં તેનો ફરી ઉદય થયો હોય તેમ સાધુ સાધ્વી ભગવંતોના વિહાર વધતાં ગયા તેમજ યાત્રિકોની સંખ્યા પણ ઉત્તરોત્તર વધતી ગઈ અને શિનોર ના લોકોએ પણ ઉત્તરોત્તર પ્રગતિ કરી ગામેગામ નામના મેળવી. અહીંયા ગામમાં પ્રવેશતા જ અતિ પ્રાચીન રાજ રાજેશ્વરીશ્રી પદ્માવતી માતાનું મંદિર આવેલું છે.. અહીંયા પણ વ્યક્તિની દરેક મનોકામના પૂરી થાય છે એમ મનાય છે. પદ્માવતી માતાની મુખ્ય પ્રતિમા ખૂબ જ પ્રભાવશાળી છે. ભારત ભરમાં આવી બે જ પ્રભાવશાળી પ્રતિમાજી છે એમાંના એક પ્રતિમા અહીં બિરાજમાન છે
(જૈન તીર્થની માહિતીનું સંકલન: નિકેશ શાહ અને સૌરીન શાહ-વડોદરા) આપ સર્વને શિનોર તીર્થ પધારી દર્શન વંદનનો લાભ લેવા શિનોરવાસીઓનું ભાવભર્યું નિમંત્રણ છે.
મોટા ભાગના જૈનો ધંધા-નોકરી માટે ગામની બહાર નીકળી જઇ વડોદરા, સુરત, અમદાવાદ વગેરે શહેરોમાં વસ્યા છે. પરંતુ દેરાસરની સાલગીરીમાં સામેલ થવા મોટી સંખ્યામાં શિનોરવાસીઓ ત્યાં આવી એમાં હોંશભેર ભાગ લે છે. આ જૈન દશા ઓશવાળ સંઘના હવે આંગળીના વેઢે ગણાય એટલા જૈનોના ઘર શિનોરમાં ખુલ્લાં છે જેમાં એક શ્રી યતીશભાઇ નગીનદાસ શાહ. (મારા ભાભીના ભાઇ) દેરાસરના વહિવટમાં સક્રિય છે.
૨૦૧૦માં થયેલ વસ્તી ગણત્રી મુજબ ત્યાંની વસ્તી ૧૧.૨૭૬ હતી. એ ધૂળિયા ગામનો ઇતિહાસ આટલો સમૃધ્ધ છે એનો ખ્યાલ પણ ના આવે! નર્મદા નદીના કિનારે ઘણાં બધાં મંદિરો આવેલા છે. ત્યાં રામજી મંદિર, ગણેશજીનું મંદિર, હનુમાનજીનું મંદિર,ભંડારેશ્વર, રોહિણેશ્વર, કૃષ્ણેશ્વર, સાંઇબાબા વગેરેના મંદિરોની એ દેવભૂમિ. એમ જ કહો કે યાત્રાધામ. ૪૦૦ કરતા વધુ વર્ષની આ પૌરાણિક નગરીમાં હિન્દુ, જૈન, મુસ્લિમ બધી પ્રજા સંપથી સાથે રહે છે.
એની સરહદે આવેલ રાજપીપળા એ પ્રિન્સલી સ્ટેટ. ભારત આઝાદ થયું એ પહેલા ત્યાં ગોહિલ રાજપુત વંશના મહારાજ વિજયસિંહજીના રાજ્યનો એ હિસ્સો.
શિનોર ગામ એના બેન્ડ માટે જાણીતું છે. શમસાદ બેન્ડ, મકબૂલ નાઝમી બેન્ડ, હિન્દુસ્તાન બેન્ડ અને માસ્ટર કાલુ બેન્ડ વગેરે.. લગ્ન પ્રસંગોએ કે ધાર્મિક પ્રસંગોએ બેન્ડના સૂરોથી ગામ ગૂંજી ઊઠે.. શિનોરના જાણીતા ગાયક કર્ણિક શાહ વસે છે વડોદરામાં. એમના હાથ નીચે સેંકડો વિદ્યાર્થીઓએ સંગીતનું શિક્ષણ મેળવી કારકિર્દી બનાવી છે. જેમાંના એક તે આપણા લંડનના જાણીતા યુવા ગાયક ભાવિક હરીયા. સ્ટેચ્યુ ઓફ લીબર્ટી એનાથી માત્ર ૧૦ કિ.મી.નું અંતરે છે. એથી મુલાકાતીઓ વિશ્વના આ સૌથી વિરાટ સ્ટેચ્યુની મુલાકાત લે ત્યારે શિનોરની યાત્રાનો લાભ પણ લેતા થયા છે.
ત્યાંના કોઠાં બહુ વખણાય. બહેનોને ખબર હશે કે કોઠાંની ખટ્ટી મીઠી ચટ્ટણી ખાવાની કેવી મજા આવે ? કોઠાંમાં બરફના ગોળાનો રંગ નાંખી ખાવાની રંગત જ કંઇ ઓર હોય! આપણા વતનના નાના નાના ગામ ઇતિહાસ અને સંસ્કૃતિના બોલતા પુરાવા છે. ˘
હર હર નર્મદે !
ગુજરાતી સાહિત્ય જગતને શિનોરની શિરમોરસમી ભેટ : નવલકથાકાર રમણલાલ વસંતલાલ દેસાઇ
ગુજરાતી સાહિત્યમાં મુઠ્ઠી ઊંચેરા સાહિત્યકાર તરીકે વિખ્યાત શ્રી રમણલાલ વસંતલાલ દેસાઇની એ જન્મભૂમિ. ગુજરાતી નવલકથાકારો કે.એમ.મુન્શી અને ધૂમકેતુના એ સમકાલીન. ૧૨ મે ૧૮૯૨માં શિનોરમાં તેમનો જન્મ. પિતા વસંતલાલ દેસાઇ અને માતા મણીબાઇના આ પુત્ર રત્ન. મૂળ કલોલના વતની. ૮ વર્ષની ઉમરે કૈલાસવતી સાથે વિવાહ થયો અને ૧૯૧૨માં લગ્ન થયા. એમના પિતાશ્રી વસંતલાલનું પ્રિન્ટીંગ પ્રેસ હતું. છ ધોરણ સુધીનો અભ્યાસ શિનોરમાં કર્યા બાદ ૧૯૦૨થી વડોદરા શાખાની શાળામાં ભણ્યા. ૧૯૧૪માં બી.એ.કર્યું અને અંગ્રેજી તથા ગુજરાતી સાહિત્યમાં માસ્ટર કર્યું. વડોદરાની સયાજી હાઇસ્કુલમાં શિક્ષક તરીકે નોકરી કર્યા બાદ વડોદરા સ્ટેટના હેડ ક્લાર્ક સહિત વિવિધ હોદ્દાએથી કામ કર્યું. એ સમય ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો હોવાથી એમની રગોમાં સ્વદેશ ભક્તિ દોડતી હતી. જેથી “દેશ ભક્ત’ નામનું મેગેઝીન શરૂ કર્યું. તેમણે ૨૭ નવલકથાઓ સહિત ટૂંકી વાર્તાઓ, નાટકો, કવિતાઓ, રેખાચિત્રો, પ્રવાસ વર્ણનો, ઐતિહાસિક નિબંધો, વિવેચનો તેમજ જીવન વૃત્તાંતો લખી ગુજરાતી સાહિત્યને સમૃધ્ધ કર્યું છે. તેમની નવલકથાઓમાં મોટે ભાગે ગુજરાતી પ્રજાના મધ્યમ વર્ગના જીવન વૃતાંતો વાંચવા મળે છે.
તેમની નવલકથાઓમાં “ભારેલો અગ્નિ”, “ગ્રામ લક્ષ્મી’, દિવ્ય ચક્ષુ, ઠગ, સંયુક્તા, શાચી પૌલોમી, ઝાકળ વગેરે લોકપ્રિયતાના શિખરે હતી. ૧૯૩૭માં દિગ્દર્શક સર્વોત્તમ બદામીએ તેમની નવલકથા “કોકિલા’ પર હન્દી ફિલ્મ બનાવી હતી. અને બીજી નોવેલ “પૂર્ણિમા’ પર પણ ફિલ્મ બની હતી. “અપ્સરા’નામની નવલ પાંચ ભાગમાં વેશ્યાના જીવન પર લખી છે. ૧૯૩૨માં તેમને પ્રતિષ્ઠિત ‘રણજીતરામ સુવર્ણ ચંદ્રક’ મળ્યો હતો. ગુજરાતી સમીક્ષક વિશ્વનાથ ભટ્ટે તેમને ‘’યુગ મૂર્તિ વાર્તાકાર’ થી નવાજ્યા હતા. તેમની “દિવ્ય ચક્ષુ’ નવલકથાને હરગોવિંદ કાઁટાવાલા પુરસ્કાર મળ્યો હતો. તેમના બે સંતાનોમાં અક્ષય દેસાઇ અને સુધા દેસાઇ. અક્ષય દેસાઇ ભારતના જાણીતા સમાજવિદ્ તરીકે વિખ્યાત હતા.
૨૦ સપ્ટેમ્બર રમણલાલ દેસાઇનું ૧૯૫૪માં દેહાવસાન થયું. ગુજરાતી સાહિત્ય જગતને એમણે આપેલ ભેટ અજર-અમર રહેશે.

