મહાસત્તાઓ માટે નાના દેશોને ઝૂકાવવા એટલું સરળ નથી...

Wednesday 03rd June 2026 06:08 EDT
 

વિશ્વમાં ચાલી રહેલા બે યુદ્ધમાં એક સામાન્ય બાબત જોવા મળી રહી છે અને તે એ છે કે બે નાના દેશ બે મહાસત્તાને જરાપણ મચક આપી રહ્યાં નથી. છેલ્લા 4 કરતાં વધુ વર્ષથી યુક્રેન રશિયા જેવી મહાસત્તાને હંફાવી રહ્યો છે તો યુએસએ અને ઇઝરાયેલની પ્રચંડ લશ્કરી ક્ષમતા સામે ઇરાન ઝૂકવા તૈયાર નથી. બે અલગ અલગ દેશ વૈશ્વિક મહાસત્તાઓ સામેના સંઘર્ષમાં અડગ ઊભા છે. યુક્રેન રશિયાના પૂર્ણ-કક્ષાના આક્રમણનો સતત સામનો કરી રહ્યો છે તો ઈરાન અમેરિકાના રાજદ્વારી, આર્થિક અને લશ્કરી દબાણ સામે બાથ ભીડી રહ્યો છે. બંને દેશોની રાજકીય વ્યવસ્થા, વિચારધારા અને પ્રાદેશિક સ્થિતિ સંપૂર્ણપણે અલગ હોવા છતાં બંનેમાં સામાન્ય બાબત તેમનો મૂળભૂત દ્રઢ સંકલ્પ અને શરણાગતિ સ્વીકારવાનો ઇનકાર અત્યંત મહત્વના પૂરવાર થઇ રહ્યાં છેઆ દેશો શા માટે આત્મસમર્પણ કરવાને બદલે પ્રતિકારનો મુશ્કેલ રસ્તો પસંદ કરી રહ્યાં છે તે સમજવું અત્યંત જરૂરી છે.
યુક્રેન માટે રશિયા સામેનું યુદ્ધ એ માત્ર કોઈ સરહદી વિવાદ કે રાજકીય અસંમતિ નથી પરંતુ આ સાર્વભૌમત્વ, સંસ્કૃતિ અને અસ્તિત્વને બચાવવાની લડાઈ છે. યુક્રેનનું નેતૃત્વ અને ત્યાંના નાગરિકો સારી રીતે જાણે છે કે પુતિનની માંગણીઓ સામે ઝૂકી જવાનો અર્થ એક સ્વતંત્ર દેશ તરીકે યુક્રેનનું અસ્તિત્વ ભૂંસી નાખવા બરાબર પૂરવાર થશે. જો તે મોસ્કો સામે ઝૂકશે તો કાયમ માટે પુતિનની સરમુખત્યારશાહીના પ્રભાવ હેઠળ આવી જશે. તેથી જ પરાજય સ્વીકારવાને બદલે યુક્રેન દ્રઢ સંકલ્પ સાથે રશિયાનો સામનો કરીને વધુ મજબૂત બન્યો છે. યુક્રેનની સેના અને નાગરિકો પ્રતિકારને જ લાંબાગાળાની સુરક્ષાનો એકમાત્ર માર્ગ માને છે. તેવી જ રીતે અમેરિકાના દબાણ સામે ઝૂકવાનો ઇરાનનો ઇનકાર પણ મધ્યપૂર્વમાં સ્થિતિ વધુ વણસાવી રહ્યો છે.
1979માં ઇસ્લામિક ક્રાંતિ બાદ ઇરાને પશ્ચિમ સામે નહીં ઝૂકવાનો નિર્ણય કર્યો તે આજ સુધી યથાવત રહ્યો છે. ઇરાન સારી રીતે જાણે છે કે પરમાણુ કાર્યક્રમ સહિતના મુદ્દાઓ પર બાંધછોડ એટલે કે મીડલ ઇસ્ટમાં તેનો પ્રભાવ જતો કરવો. આ એકપ્રકારની આત્મહત્યા જ ગણાશે અને મીડલ ઇસ્ટની વ્યૂહાત્મક સ્થિતિમાં ઇરાનનું રાજકીય પતન થઇ શકે છે. ઇરાને પદાર્થપાઠ શીખી લીધો છે કે શરતો માની લેવાથી સુરક્ષાની કોઇ ગેરેંટી મળતી નથી. વર્ષોથી લદાયેલા આર્થિક પ્રતિબંધો અને હવે લશ્કરી આક્રમણ પરથી ઇરાન શીખી ગયો છે કે વ્યૂહાત્મક પ્રતિકાર જ અસ્તિત્વની લડાઇમાં શ્રેષ્ઠ બચાવ સાબિત થશે. પોતાની બેલિસ્ટિક મિસાઇલ અને ડ્રોન ક્ષમતાઓ, હોર્મુઝની ખાડીની નાકાબંધી અને પરમાણુ કાર્યક્રમ પર રહસ્યનો ઉપયોગ ઇરાન અમેરિકા સામે સોદાબાજીના મુખ્ય હથિયાર તરીકે કરી રહ્યો છે અને તેમાં તેને મહદ્દ અંશે સફળતા પણ મળી રહી છે. તેથી જ ઇરાનનું નેતૃત્વ નબળી સ્થિતિ છતાં અમેરિકાની ધમકીઓને શરણે જવાનું પસંદ કરી રહ્યો નથી.
યુક્રેન – રશિયા અને ઇરાન – અમેરિકા વચ્ચેના સંઘર્ષે આંતરરાષ્ટ્રીય સંબંધોની મૂળભૂત સત્યતાને ઉજાગર કરી દીધી છે કે મહાસત્તાઓની તાકાત નાના દેશોને નમાવી શક્તી નથી. અમેરિકાએ વિયેટનામ, ઇરાક અને અફઘાનિસ્તાનમાં નાના દેશોની દ્રઢ મક્કમતાનો પરચો મેળવી લીધો છે. આવો જ પરચો યુક્રેન રશિયાને આપી રહ્યો છે. યુક્રેન માટે રશિયાનો પ્રતિકાર એક સામ્રાજ્યવાદી પડોશી દેશ સામે પોતાની સ્વતંત્રતા, આત્મનિર્ણય અને અસ્તિત્વના અધિકારનો વીરતાપૂર્વક બચાવ છે. ઈરાન માટે પશ્ચિમી દબાણ સામે પોતાની સત્તા ટકાવી રાખવા અને પ્રાદેશિક સ્વાયત્તતા માટે ગણતરીપૂર્વકનો બચાવ છે. બંને રાષ્ટ્રો દર્શાવે છે કે જ્યારે રાષ્ટ્રીય ઓળખ સાર્વભૌમત્વ જોખમમાં હોય ત્યારે શરણાગતિ સ્વીકારવા તૈયાર નથી.


comments powered by Disqus