ગ્રાન્ટ થોર્નટન યુકે અને કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી દ્વારા જારી કરાયેલા રિપોર્ટ અનુસાર છેલ્લા એક વર્ષમાં યુકેમાં ભારતીય માલિકીની કંપનીઓની સંખ્યામાં 60 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે. યુકેમાં ભારતીય કંપનીઓની સંખ્યા વધીને 1,912 પર પહોંચી ગઈ છે અને તેમનું સંયુક્ત ટર્નઓવર 2025 માં 72.14 બિલિયન પાઉન્ડથી વધીને 2026માં 105.77 બિલિયન પાઉન્ડ નોંધાયું છે.
એમ કહી શકાય કે યુકેમાં ભારતીય રોકાણ અને બંને દેશ વચ્ચેના આર્થિક સંબંધનો નવો યુગ શરૂ થયો છે. એક સમય હતો જ્યારે આ સંબંધને માત્ર ભારતમાં આવતા બ્રિટિશ મૂડીના પ્રવાહ તરીકે જોવામાં આવતો હતો પરંતુ આજે આ ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. બંને દેશ વચ્ચેના આર્થિક સંબંધ ઐતિહાસિક વારસામાંથી બદલાઇને પરસ્પર રોકાણ આધારિત આધુનિક અને ગતિશીલ ભાગીદારીમાં તબદિલ થઇ ગયાં છે. યુકેમાં ભારતીય મૂડીરોકાણ અર્થતંત્ર માટે મજબૂત સ્થંભ પૂરવાર થઇ રહ્યું છે. ભારતીય ઉદ્યોગ સાહસિકો બ્રિટનમાં ઔદ્યોગિક આધુનિકીકરણ, રોજગાર સર્જન અને ઇનોવેશન માટે મહત્વનું પરિબળ પૂરવાર થઇ રહ્યાં છે.
જુલાઇ 2025માં ભારત અને બ્રિટન વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર પર હસ્તાક્ષર થયા પછી બંને દેશ વચ્ચેના આર્થિક સંબંધ નવી ઊંચાઇ સર કરી રહ્યાં છે. બંને દેશ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 47.4 બિલિયન પાઉન્ડ પર પહોંચ્યો છે અને વર્ષ 2030 સુધીમાં 100 બિલિયન અમેરિકન ડોલરના સંયુક્ત લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યો છે. હજુ બંને દેશ વચ્ચેનો મુક્ત વેપાર કરાર અમલમાં મૂકાયો નથી ત્યારે આટલી પ્રગતિ જોવા મળી રહી છે તો અમલી બન્યા પછી બંને દેશ વચ્ચેના આર્થિક સંબંધો સફળતાના શિખરો સર કરશે તેમાં બેમત નથી. વેપાર કરારની જોગવાઈઓ સંપૂર્ણપણે લાગુ થતાં નિયમનકારી અવરોધો ઘટશે અને સરહદ પાર ડેટા તથા મૂડીનો પ્રવાહ સરળ બનશે જેનાથી મૂડીરોકાણની નવી લહેર શરૂ થવાની સંભાવના છે. પરંપરાગત ઉત્પાદન, આધુનિક ટેકનોલોજી પરના નવા ફોકસ સાથે ભારતીય કંપનીઓ હવે યુકેમાં માત્ર રોકાણકાર નથી રહી પરંતુ આધુનિક આર્થિક લેન્ડસ્કેપના પાયાનું ઘડતર કરનારી બની ગઈ છે. આજે ભારતીય મલ્ટી નેશનલ કંપનીઓ અને મધ્યમ કદની કંપનીઓ યુકેના ભવિષ્યમાં મહત્વના ભાગીદાર તરીકે પોતાનું સ્થાન મજબૂત કરી રહી છે.
બ્રિટિશ ધરતી પર ભારતીય સાહસોનો પ્રભાવ ખૂબ જ વ્યાપક અને સતત વિસ્તરી રહ્યો છે. તાજેતરના આર્થિક આંકડા દર્શાવે છે કે યુકેમાં ભારતીય માલિકીના વ્યવસાયો હવે 2,03,000 થી વધુ લોકોને રોજગારી આપે છે, જે પાછલા વર્ષની સરખામણીમાં રોજગાર સર્જનમાં 60.6% નો જંગી વધારો દર્શાવે છે. ટાટા મોટર્સની માલિકીની જગુઆર લેન્ડ રોવર ઓટોમોટિવ પીએલસી 44,103 કર્મચારીઓ સાથે યુકેમાં સૌથી મોટી ભારતીય એમ્પ્લોયર કંપની છે જ્યારે બીજા ક્રમે ટાટા સ્ટીલ 19,600 કર્મચારીઓને રોજગાર આપી રહી છે. બોરેલી ટી હોલ્ડિંગ્સ હજારો પરંપરાગત કૃષિ અને પ્રોસેસિંગ સાથે સંકળાયેલી નોકરીઓ પ્રદાન કરે છે. ભારતીય ઉદ્યોગ સાહસિકો અને કંપનીઓ ટેકનોલોજી, મીડિયા અને ટેલિકોમ સેક્ટરમાં પણ દબદબો બનાવી રહ્યાં છે. મેન્યફેક્ચરિંગ અને ફાર્માસ્યુટિકલ્સ તેમજ રિટેલ સેક્ટરમાં પણ ભારતીય બિઝનેસ નોંધપાત્ર યોગદાન આપી રહ્યાં છે.
યુકેની કુલ વસતીમાં ભારતીયોની સંખ્યા ફક્ત 3 ટકા છે પરંતુ આર્થિક, રાજકીય અને સામાજિક મોરચા પર તેમનું યોગદાન આજે આંખે ઊડીને વળગે એવું છે.
