અફઘાનિસ્તાનની પાક. પર સર્જિકલ સ્ટ્રાઈક, નૂરખાન એરબેઝ નિશાન

Tuesday 03rd March 2026 15:44 EST
 
 

ઇસ્લામાબાદઃ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાનમાં મોટાં સૈન્ય ઠેકાણાં પર હવાઈ હુમલા કર્યા છે. હુમલામાં રાવલપિંડીનું નૂરખાન એરબેઝ પણ સામેલ છે. આ સાથે બલુચિસ્તાન-ક્વેટામાં 12મો બ્રિગેડ બેઝ અને ખૈબર પખ્તુનખ્વાંમાં મોહંમદ એજન્સીનું ખોઇજાઈ કેમ્પ પણ ટાર્ગેટ પર હતો. આ હુમલામાં પાકિસ્તાનના 55 સૈનિકો ઠાર મરાયા છે.
નૂરખાન એરબેઝ પરના હુમલાથી પાકિસ્તાનને મોટું નુકસાન થયું હોવાનું કહેવાય છે. અફઘાનિસ્તાન ડિફેન્સ મિનિસ્ટ્રીએ સોશિયલ મીડિયા પર કહ્યું કે, અફઘાન એરફોર્સે ફરી પાકિસ્તાનમાં મિલિટરી બેઝ પર અસરકારક એરસ્ટ્રાઇક કરી. આ ઓપરેશન પાકિસ્તાની સેનાએ કાબુલ, બગરામ અને અન્ય વિસ્તારો પર કરેલા હવાઈ હુમલાના જવાબમાં કરાયું છે. અફઘાન ડિફેન્સ મિનિસ્ટ્રીએ ચેતવણી આપી કે, અફઘાન એરસ્પેસનું ઉલ્લંઘન થશે તો કડક જવાબ અપાશે.
ભારતે પણ નૂરખાન બેઝ પર હુમલો કર્યો હતો
આશરે 8 મહિનામાં નૂરખાન એરબેઝને આ બીજું મોટું નુકસાન છે. ગતવર્ષે મે મહિનામાં પહલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતે આ એરબેઝને નિશાન બનાવી ‘ઓપરેશન સિંદૂર’ કર્યું હતું. 13 મેએ મેક્સાર ટેક્નોલોજીસની સેટેલાઇટ ઇમેજમાં 4 પાકિસ્તાની એરબેઝને નુકસાન દેખાયું હતું, તેમાં નૂરખાન એરબેઝ (રાવલપિંડી), પીએએફ બેઝ મુશફ (સરગોધા), ભોલારી એરબેઝ અને પીએએફ બેઝ શાહબાઝ (જેકબાબાદ) પણ સામેલ હતા.


comments powered by Disqus