છેલ્લા પાંચ દાયકાથી ઇરાનમાં સત્તા પરિવર્તન માટે ધમપછાડા કરી રહેલા અમેરિકા અને ઇઝરાયેલે આખરે નિર્ણાયક યુદ્ધનો પ્રારંભ તો કરી દીધો છે પરંતુ સૌથી ગંભીર અને મહત્વનો સવાલ એ છે કે ફક્ત લશ્કરી શક્તિના જોરે ઇરાનમાં સત્તા પરિવર્તન થઇ શકશે ખરું? એ વાતમાં કોઇ શંકા નથી કે અમેરિકા અને ઇઝરાયેલની લશ્કરી તાકાત સામે ઇરાન ઘણો વામણો છે. આ બંને દેશ ઇરાનને લશ્કરી રીતે ખોખલો કરી નાખશે તે પણ નિશ્ચિત છે. પરંતુ ટ્રમ્પ અને નેતાન્યાહુનું સત્તા પરિવર્તનનું સ્વપ્ન સાકાર થાય તે ઘણું મુશ્કેલ લાગી રહ્યું છે. લશ્કરી ક્ષમતા ઘરેલુ રાજનીતિમાં ધરમૂળથી બદલાવ લાવી શક્તી નથી.
ઇરાન ઇરાક કે લીબિયા જેવો દેશ નથી. તેની રાજકીય વ્યવસ્થા લોખંડી કવચમાં કેદ રહી છે અને અમેરિકા તથા ઇઝરાયેલ પ્રત્યેની નફરત ઇરાની જનમાનસમાં ઊંડે સુધી વ્યાપેલી છે. ઇરાકમાં તત્કાલિન સરમુખત્યાર સદ્દામ હુસેન સામે જનતામાં ઘણો આક્રોશ પ્રવર્તી રહ્યો હતો. એટલે જ તો અમેરિકાના દળો જ્યારે બગદાદમાં પ્રવેશ્યા ત્યારે ઇરાકી જનતા દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. ઇરાનની જનતા કટ્ટર ઇસ્લામિક શાસન તળે કચડાતી રહી હોવા છતાં ક્યારેય મૌલવી રાજ સામે એકજૂથ થઇને ક્યારેય બળવો પોકાર્યો નથી. મુક્ત વિચારધારામાં માનતા ઇરાનીઓ અને કટ્ટર ઇસ્લામને અનુસરતા ઇરાનીઓ વચ્ચેના મતભેદોના કારણે જનતા ક્યારેય ઇરાની શાસકો સામે પડકારરૂપ બની શકી નથી. નાના મોટા બળવાને ઇરાની શાસકો દ્વારા લોખંડી હાથે કચડી નાખવામાં આવ્યા છે. ઇરાનમાં આજે પણ મૌલવીઓના શાસનને સીધો પડકાર આપી શકે તેવી કોઇ નેતાગીરી અસ્તિત્વમાં જ નથી.
ઇરાન પર હુમલા પછી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાની જનતાને આત્મનિર્ણય કરવાની અપીલો કરી ચૂક્યાં છે. ઇઝરાયેલી વડાપ્રધાન નેતાન્યાહુ તો ઇરાની જનતા માટે આ સમયને દાયકાઓમાં મળેલી અસામાન્ય તક ગણાવી તખ્તાપલટની અપીલ કરી રહ્યાં છે. વ્યૂહાત્મક પ્રતિભા અને વ્યૂહાત્મક શાણપણમાં ઘણું અંતર રહેલું છે. અમેરિકા અને ઇઝરાયેલ ઇરાનને લશ્કરી હુમલા કરી, તેના નેતાઓની હત્યા કરીને ઝૂકાવવાનો પ્રયાસ તો કરી રહ્યાં છે પરંતુ તેનાથી હજુ સત્તા પરિવર્તનના કેન્દ્રવર્તી સવાલનો ઉકેલ ક્ષિતિજ પર પણ દેખાતો નથી. કેન્દ્રવર્તી સવાલ એ છે કે કયા પ્રકારનું રાજકીય માળખું લશ્કરી કાર્યવાહીના પગલે સત્તા પરિવર્તનનું દ્વાર ખોલે છે? દાયકાઓથી મૌલવી રાજ હેઠળ કચડાયેલી ઇરાનની પ્રજા ખરેખર સડકો પર ઉતરીને સત્તામાં ધરમૂળથી પરિવર્તન લાવવાની હામ ભીડી શકે છે ખરી?
બીજી મહત્વની વાત એ પણ છે કે ફક્ત એર સ્ટ્રાઇક દ્વારા કોઇપણ દેશમાં સત્તા પરિવર્તનની સંભાવનાઓ ઘણી ઓછી હોય છે. ગ્રાઉન્ડ પર સેનાઓ ઉતરે ત્યારબાદ જ તખ્તાપલટ થઇ શક્તો હોય છે. ઇરાકથી માંડીને બાંગ્લાદેશ સુધીના ઘણા ઉદાહરણો ઇતિહાસમાં ધરબાયેલા પડ્યાં છે. 1971માં પાકિસ્તાની જુલમી શાસકોથી બાંગ્લાદેશની પ્રજાને મુક્ત કરાવવા ભારતે તેની સેનાને બાંગ્લાદેશની ધરતી પર ઉતારી ત્યારે તખ્તાપલટ થઇ શક્યો હતો. ઇરાકમાં અમેરિકન સેના ઉતરી ત્યારે સદ્દામ હુસેનનું પતન થયું હતું. કોરિયન મહાદ્વિપમાં અમેરિકન સેના ઉતરી ત્યારબાદ દક્ષિણ કોરિયાની રચના થઇ હતી. આમ તખ્તાપલટ માટે સેનાનું જમીની આક્રમણ અત્યંત આવશ્યક બની જાય છે.
આવી સ્થિતિમાં શું અમેરિકા અને ઇઝરાયેલ ઇરાનની ધરતી પર તેમની સેનાઓ ઉતારવાનું જોખમ લેશે? અફઘાનિસ્તાન, વિયેટનામ, ઇરાક જેવા યુદ્ધોમાં જે પદાર્થપાઠ મળ્યો તે જોતાં અમેરિકા કે ઇઝરાયેલ ઇરાનમાં ભૂમિસેનાને મોકલવાનું જોખમ ઉઠાવવાની સ્થિતિમાં જરાપણ નથી. અત્યારે તો એવું પ્રતીત થઇ રહ્યું છે કે ટ્રમ્પ અને નેતાન્યાહુની સ્થિતિ સાપે છછૂંદર ગળ્યા જેવી બની રહી છે. ઇરાન જે રીતે ફક્ત અમેરિકા અને ઇઝરાયેલી ટાર્ગેટોને જ નહીં પરંતુ સાઉદી અરબ, યુએઇ, કુવૈત, ઓમાન સહિતના આરબ દેશોને નિશાન બનાવી રહ્યો છે તે જોતાં એમ લાગી રહ્યું છે કે આ યુદ્ધ ઇરાનમાં તખ્તાપલટ કરાવી શકવાની તો ક્ષમતા ધરાવતું નથી.
રશિયા અને ચીનનું ભેદી મૌન વૈશ્વિક વ્યવસ્થાને મૂંઝવી રહ્યું છે
ઇરાનના ગાઢ સાથી ગણાતા રશિયા અને ચીનનું ભેદી મૌન સમગ્ર વૈશ્વિક વ્યવસ્થાને મૂંઝવી રહ્યું છે. અમેરિકા અને ઇઝરાયેલના હુમલામાં ઇરાનના સુપ્રીમ લીડર ખામનેઇના નિધન બાદ પણ બંને દેશ દ્વારા આપવામાં આવેલી નબળી પ્રતિક્રિયાઓ એમ સૂચવી રહી છે કે તેઓ અમેરિકા સામે બાથ ભીડવા માગતા નથી. રશિયા અને ચીનનું વલણ તો એવી પણ શંકા ઉપજાવે છે કે બંનેએ અત્યાર સુધી ઇરાનનો લાભ ઉઠાવાય એટલો ઉઠાવી લીધો અને જ્યારે ખરેખર ઇરાનને જરૂર પડી ત્યારે તેને એકલા હાથે વૈશ્વિક મહાસત્તા સામે લડવા તરછોડી દીધો. ઇરાનના ક્રુડ ઓઇલનો સૌથી વધુ ઉપયોગ ચીન કરી રહ્યો છે અને ઇરાન દ્વારા નિર્મિત ડ્રોનનો ઉપયોગ સૌથી વધુ રશિયા એ જ યુક્રેન યુદ્ધમાં કર્યો છે. ઇરાન પર અમેરિકી અને ઇઝરાયેલી હુમલાની સંભાવનાઓ ઘણી હતી છતાં જિનપિંગ કે પુતિને ક્યારેય તેમની વૈશ્વિક વગનો ઉપયોગ આ બંને દેશને અટકાવવામાં કર્યો હોય તેવુ જણાતું નથી. ગયા વર્ષે પણ ઇઝરાયેલ અને અમેરિકાએ ઇરાની પરમાણુ સંસ્થાનો નષ્ટ કરવા હુમલા કર્યા ત્યારે પણ જિનપિંગ અને પુતિન થોડી નિવેદનબાજી કરીને ચૂપ થઇ ગયાં હતાં. આ બંને મહાસત્તાઓની ચૂપકિદી બદલાઇ રહેલી વૈશ્વિક વ્યવસ્થા માટે ઘણી સૂચક માની શકાય.
બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં ભારતે સાવધાનીપુર્વક આગળ વધવું પડશે
અમેરિકા અને ઇઝરાયેલના ઇરાન પરના સંયુક્ત આક્રમણની સ્થિતિમાં જે રીતે ઇરાન એકલો અટુલો પડી ગયો છે તે જોતાં બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં ભારતે તેની કૂટનીતિને નવી ધાર આપવી પડશે. મધ્ય પૂર્વના હાલના તણાવને ફક્ત પ્રાદેશિક સંઘર્ષ તરીકે જ નહીં, પરંતુ ભારતના લાંબા ગાળાના વ્યૂહાત્મક હિતોના દૃષ્ટિકોણથી પણ જોવો જોઈએ. મુખ્ય ચિંતાઓમાંની એક હોર્મુઝ સ્ટ્રેટ છે, જે એક મહત્વપૂર્ણ ઉર્જા જીવનરેખા છે. ભારત તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતોનો લગભગ 88% આયાત કરે છે તેથી તેમાં વિક્ષેપ ભારતની ઉર્જા જરૂરીયાતો પર ગંભીર ખતરો સર્જી શકે છે. તેથી ભારતે વ્યવહારૂ અભિગમ અપનાવવો પડશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિશામાં પ્રયાસો કરી રહ્યાં છે અને છેલ્લા કેટલાક દિવસોમાં તેમણે ખાડી દેશોના વડાઓ સહિત અનેક વૈશ્વિક નેતાઓ સાથે ચર્ચા કરી છે. આ રાજદ્વારી પ્રયાસો ભારતના સક્રિય રીતે સામેલ રહેવા, તેના ઊર્જા હિતોનું રક્ષણ કરવા અને વ્યૂહાત્મક સંતુલન જાળવવાના ઇરાદાને સંકેત આપે છે.
