રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શુક્રવારે જેસલમેર એરફોર્સ સ્ટેશનથી સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) ‘પ્રચંડ’માં ઉડાન ભરી. તેઓ હેલિકોપ્ટર પ્રચંડમાં કો-પાઇલટ તરીકે ઉડાન ભરનારાં દેશનાં પ્રથમ રાષ્ટ્રપતિ બન્યાં છે. રાષ્ટ્રપતિ મુર્મૂ આ પહેલાં ફાઇટર પ્લેન સુખોઈ અને રાફેલમાં ઉડાન ભરનારાં દેશનાં પ્રથમ રાષ્ટ્રપતિ બની ચૂક્યાં છે.
• જમ્મુ-કાશ્મીરમાં ખામેનેઇના મોત સામે વિરોધ પ્રદર્શનઃ બાંદીપોરામાં ખામેનેઇના મોત સામે વિરોધ પ્રદર્શન થયું. શિયા સમુદાયના સભ્યો દ્વારા ખામેનેઇનાં પોસ્ટર્સ અને ધ્વજ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું, જેમણે ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા.
• બાંગ્લાદેશ સરહદ પર 17 કિ.મી. ફેન્સિંગ લાગશેઃ પશ્ચિમ બંગાળ સરકારે સરહદ પર વાડ અને ચોકીના બાંધકામ માટે આશરે 105 એકર જમીન કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે. આ જમીન બીએસએફને અપાશે. આનાથી આશરે 17 કિ.મી. સરહદ પર વાડ અને 9 બોર્ડર આઉટપોસ્ટ બનશે.
• તમામ રાજ્યોને ગૃહ મંત્રાલયનો નિર્દેશઃ ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા જતા સંઘર્ષને ધ્યાનમાં રાખીને ભારત સરકાર સતર્ક બની ગઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 28 ફેબ્રુઆરીએ તમામ રાજ્યોને પત્ર લખીને સાવચેતી રાખવા કહ્યું છે. સરકારને આશંકા છે કે વિદેશમાં થતી ઘટનાઓ ભારતમાં સાંપ્રદાયિક તણાવ પર અસર કરી શકે છે.
• બંગાળની મતદાર યાદીમાં 63 લાખથી વધુ નામ દૂરઃ પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી સરની કામગીરી બાદ અંતિમ મતદાર યાદી જાહેર કરાઈ, જેમાં મતદારોની સંખ્યા 7.66 કરોડથી ઘટીને 7,04,59,284 થઈ ગઈ. આનો અર્થ એ થયો કે એસઆઈઆરથી અત્યાર સુધી 63.66 લાખ નામ કમી થયાં છે.
• હવે બોત્સવાનાના 9 ચિત્તા કુનો પહોંચ્યાઃ દક્ષિણ નામિબિયા અને આફ્રિકા પછી, શનિવારે ત્રીજા દેશ બોત્સવાનાથી 9 ચિત્તા (6 માદા, 3 નર) કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં પહોંચ્યા. 10 કલાકની આંતરરાષ્ટ્રીય ઉડાન પછી તેમને ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા ગ્વાલિયર લાવવામાં આવ્યા હતા.
• મોદીએ CCSની બેઠક યોજીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નવી દિલ્હી પરત ફરતાં જ સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિ (સીસીએસ)ની બેઠક બોલાવી હતી. ઇરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલા બાદ પ્રવર્તી રહેલી વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આ બેઠક બોલાવાઈ હતી.
• યુ-ટ્યૂબર સલીમ વાસ્તિક પર હુમલોઃ ધાર્મિક કટ્ટરતા વિરુદ્ધ અવાજ ઉઠાવનારા યુ-ટ્યૂબર સલીમ અહેમદ ઉર્ફે સલીમ વાસ્તિક પર જીવલેણ હુમલો થયો. આ ઘટનાની નોંધ લઈ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હુમલાખોરો વિરુદ્ધ આકરાં પગલાંની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં કટ્ટરવાદ જરાપણ સાંખી નહીં લેવાય.
• ચલણી નોટોથી ભરેલું વિમાન રસ્તા પર ક્રેશઃ બોલિવિયાની વહીવટી રાજધાની લા પાઝના નજીકના શહેર અલ એલ્ટોમાં શુક્રવારે સાંજે એક મોટી વિમાન દુર્ઘટના થઈ. બોલિવિયન હવાઈદળનું એક હર્ક્યુલિસ સી-130 માલવાહક વિમાન નવી નક્કોર ચલણી બેન્ક નોટોની ખેપ લઈને જતું હતું. આ દરમિયાન તે દુર્ઘટનાગ્રસ્ત થતાં 15 વ્યક્તિનાં મોત થયાં છે અને 30ને ઇજા પહોંચી છે.
• ફ્રાન્સ પરમાણુ શસ્ત્રો વધારશેઃ ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મૈક્રોએ સોમવારે જાહેરાત કરી હતી કે ફ્રાન્સ પરમાણુ શસ્ત્રોની સંખ્યામાં વધારો કરશે, પરંતુ તેમણે કેટલો વધારો કરશે તેવો કોઈ નિશ્ચિત આંકડો જણાવ્યો નથી. હાલમાં ફ્રાન્સ પાસે 300થી ઓછાં પરમાણુ શસ્ત્રો છે.
• પાકિસ્તાનમાં ખામેનેઇના વિરોધના દેખાવમાં 35 મોતઃ ઇરાન પર અમેરિકા-ઈઝરાયલના હુમલા અને સુપ્રીમ નેતા અલી ખામેનેઇનાં મોતના વિરોધમાં પાકિસ્તાનનાં અનેક શહેરોમાં હિંસક દેખાવો થયાં. કરાંચીથી લઇને પીઓકે સુધી ચાલી રહેલી આ હિંસામાં અત્યાર સુધીમાં 35 નાગરિકોનાં મોત થયાં છેે.
• હું વચ્ચે પડ્યો ન હોત તો પાકિસ્તાની PM માર્યા જાત: ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળનું બીજું ‘સ્ટેટ ઑફ ધ યુનિયન’ સંબોધન આપતાં દાવો કર્યોે કે, 2025ના ભારત-પાકિસ્તાન લશ્કરી તણાવ દરમિયાન તેમના હસ્તક્ષેપથી પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનો જીવ બચ્યો હતો. જો તેમણે દરમિયાનગીરી ન કરી હોત તો તેઓ માર્યા જાત.

