ગુજરાત સમાચાર દેશ-વિદેશના વિવિધ મુદ્દાઓની સાથોસાથ ‘સમાજ અગ્રેસર’ની ભાવના દર્શાવી પોતાના ખાસ ઝૂમ કાર્યક્રમ સોનેરી સંગતના વિષયો અને ચર્ચાનું ચયન કરે છે. સોનેરી સંગતના 76મા અધ્યાયમાં પણ આ જ ભાવના સાથે લંડનના હેરો પ્રાંતની જનતાની સેવામાં કાર્યરત્ એવાં મેયર અંજનાબહેન પટેલ સાથે ચર્ચા કરવામાં આવી. આપણા ગુજરાતીઓ દેશવિદેશમાં ડંકો વગાડી રહ્યાં છે, જે એક ગૌરવ લેવા જેવી બાબત છે. આ તમામ ગુજરાતીઓમાં અંજનાબહેન પટેલ એક એવી વિભૂતિ છે, જેમણે લંડનમાં અને તેમાં પણ ખાસ કરીને હેરોમાં એક બ્રિટિશ ઇન્ડિયન - ગુજરાતી તરીકેની આગવી ઓળખ મેળવી છે.
કાર્યક્રમની રૂપરેખા આપતાં પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે કહ્યું, બ્રિટનની સ્થાનિક સરકાર અંતર્ગત લંડનમાં વિવિધ 32 બરો કાઉન્સિલ છે. આ પૈકી હેરો કાઉન્સિલમાં આશરે 2.75 લાખ નાગરિકો છે, જ્યાં મહિલા મેયરપદે અંજનાબહેન પટેલ ગતવર્ષે ચૂંટાઈ આવ્યાં હતાં. અંજનાબહેન પટેલ બ્રિટનના રાજકારણમાં છેલ્લાં 25 વર્ષથી સક્રિય છે અને લોકહિતનાં કાર્યો કરતાં આવ્યાં છે અને આ જ તેમનો ભેખ છે.
કાર્યક્રમનાં સંચાલક પૂજાબહેન રાવલે અંજનાબહેનની ઓળખ પ્રસ્થાપિત કરતાં જણાવ્યું કે, અંજનાબહેન પટેલનું જાહેર જીવનમાં આગમન સમર્પણ, સાધના અને દીર્ઘદૃષ્ટિ સાથે થયેલું છે. પોતાના વતન ભારત- ગુજરાત અને ત્યારબાદ ઇસ્ટ આફ્રિકા સાથેનું લાગણીસભર જોડાણ જાળવી રાખી તેમણે કર્મભૂમિ ઇંગ્લેન્ડ સાથેના જોડાણને પણ સાહજિકતાથી ચરિતાર્થ કરી બતાવ્યું છે.
પૂજાબહેન રાવલઃ તમે તમારા બાળપણ, પરિવાર અને દાર-એ-સલામથી લંડન સુધીની તમારી જીવનયાત્રા અંગે અમને જણાવો.
અંજનાબહેનઃ દાર-એ-સલામમાં મારો જન્મ થયો હતો, જ્યાં મારા પિતા શિક્ષક અને માતા ગૃહિણી હતાં. અમે ત્રણ બહેનો અને ભાઈ સાથે અમારા પરિવારનું જીવન ખૂબ બેઝિક પણ સરસ હતું. એ સમયે માત્ર ભણવાનું જ હતું. અમે તમામ ભાઈ-બહેનોએ પિતા જ્યાં શિક્ષક હતા ત્યાં જ શિક્ષણ પ્રાપ્ત કર્યું. મારાં માતા-પિતા સાથેની આફ્રિકામાં રહેતાં ઘણી સારી-સારી યાદો છે. 1970માં પિતા રિટાયર્ડ થયા ત્યારે અમે ભારત ગયાં. આ એવો સમય હતો જ્યારે આફ્રિકાના આપણા ભારતીયો લંડન ગયા, ત્યારે અપવાદરૂપ મારા પિતાએ સ્વદેશ પરત ફરવાનો નિર્ણય કર્યો, જ્યાં અમે અમારા પૈતૃક ગામ બોચાસણમાં જ રહેતાં હતાં. આ એ જ બોચાસણ ગામ છે, જ્યાંથી અક્ષર પુરુષોત્તમ સંસ્થાની શાસ્ત્રીજીએ શરૂઆત કરી હતી. ગામનું જીવન મેં પહેલી વખત જોયું હતું, જ્યાં 24 કલાક પાણી અને ઇલેક્ટ્રિસિટી પણ નહોતાં.
અમે ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કર્યો હતો, પરંતુ ત્યાં અમારે હિન્દી, ગુજરાતી ને સંસ્કૃતનો અભ્યાસ કરવાનો હતો, જેથી મોટાભાગે સમય ટ્યૂશનમાં જતો હતો. જોકે એક પટેલની દીકરી હોવાથી પિતાએ અમને અનાજ દળવા, વાસીદું કરવા, તળાવે કપડાં ધોવા જવાની ટ્રેનિંગ આપી હતી. ત્યાં સુધી કે હું ભેંસને દોહતાં પણ શીખી ગઇ હતી. પિતા શિક્ષક હોવાથી મને પસંદ નહોતું કે પિતા ખેતરે જાય ને ચાર માથે લઈને આવે... હું સામે જઉં, હું કહેતી ‘હું માથે ચાર લઈ આવીશ, પરંતુ પિતા માથે ચાર લઈને આવે તે મને મંજૂર નથી.’
બોચાસણ જેવા નાના ગામમાં મારાં માતા-પિતાએ અમને જે સંસ્કાર અને કેણવણી આપ્યાં તે બદલ હું તેમની ખૂબ આભારી છું. તેમનાં સંસ્કાર અને કેળવણી મને લંડનમાં ખૂબ કામે આવ્યાં, કારણ કે અહીંનું જીવન ખૂબ સંઘર્ષમય હતું. પપ્પાએ ગામમાં અમારો સંઘર્ષ જોતાં લંડન આવવાનું નક્કી કર્યું, જેથી સર્વપ્રથમ તેઓ એકલા લંડન આવ્યા. જો કે અહીં આવ્યાના એક અઠવાડિયામાં જ તેઓ અક્ષરધામ પામ્યા. અમે તે સમયે અહીં નહોતા, અઠવાડિયા બાદ અમે આવ્યા અને તેમનું ફ્યુનરલ કર્યું. જે બાદ અમે ત્રણેય બહેનો અહીં દુકાનોમાં અઠવાડિયાના છ દિવસ સવારે સાત વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી કામ શરૂ કરી દીધું. પપ્પા અક્ષરનિવાસી થયા ત્યારથી શરૂ કરેલો અમારો સંઘર્ષ હજુ પણ ચાલુ જ છે, જો કે માતા-પિતાએ જે ઘડતર આપ્યું છે, તેનાથી અમને ખબર છે કે સંઘર્ષ કેવી રીતે કરવો.
સી.બી. પટેલઃ તમે રાજકારણમાં કેવી રીતે આવ્યાં?
અંજનાબહેનઃ રાજકારણમાં આવવાનું કારણ અલગ હતું. એકલા હાથે બંને બાળકોને મોટાં કર્યાં. મોટા દીકરાને યુનિવર્સિટીમાં અને નાના દીકરાને સેકન્ડરી સ્કૂલમાં જવાનું હતું. આ કારણે હું જે વિસ્તારમાં રહેતી ત્યાંથી એવા વિસ્તારમાં જવું હતું, જ્યાં મંદિર નજીક પડે અને સ્કૂલો પણ સારી હોય. તમામ વિસ્તારો તપાસ્યા બાદ હેરો એવું લાગ્યું, જ્યાં મારી બંને માગણી પૂર્ણ થઈ શકે તેમ હતી. આ કારણે અમે હેરો આવ્યાં, પરંતુ નાના દીકરા માટે જે સ્કૂલ પસંદ કરી હતી તેણે એડમિશન આપવાનો ઇનકાર કર્યો. સ્કૂલની માગણી હતી કે તમે અહીં આવો ત્યારે એડમિશન મળે, પરંતુ મારા આ વિસ્તારમાં આવી જવા છતાં તેને એડમિશન ન મળ્યું. આ અંગે મેં કાઉન્સિલ અને તેમના ઓફિસર સાથે ઘણી દલીલ કરતાં ઇ-મેઇલ કર્યાં, છતાં પરિણામ શૂન્ય આવ્યું. આ સમયે મને થયું કે હું આટલી ભણેલી છું અને આટલી અપીલ કરું છું તો પણ એડમિશન નથી મળતું, તો જેની પાસે અન્ય કોઈ સગવડ ન હોય કે અંગ્રેજી યોગ્ય રીતે બોલતાં ન આવડતું હોય તેની હાલત શું થતી હશે?
વિસડન મંદિરનો કાર પાર્કિંગનો પ્રોબ્લેમ હતો. આ સમયે કન્ઝર્વેટિવ પાર્ટીમાં કોઈ માઇનોરિટી વ્યક્તિ નહોતી, આવા સમયે તેઓ મારી પાસે આવ્યા હતા અને મને ઓફર કરી હતી. જો કે તે સમયે મેં ઇનકાર કર્યો હતો, કારણ કે મારા પર ડિમાન્ડિંગ જોબ ઉપરાંત બંને દીકરાની જવાબદારી હતી. આમ છતાં ફોર્સ કરીને મને કાઉન્સિલરની ચૂંટણીમાં ઊભી રાખી હતી. ત્યાં સુધી કે મારું ફોર્મ મેં જાતે નહોતું ભર્યું, માત્ર ફોર્મમાં સહી કરી હતી. આ સમય એવો હતો જ્યારે મને પોલિટિક્સનું પૂરતું જ્ઞાન નહોતું.
હું આ બેઠક પરથી જીતી ત્યારે લોકોને ખૂબ સરપ્રાઇઝ લાગ્યું, કારણ કે હું જે સીટ પરથી જીતી ત્યાં અમારી પાર્ટીનું જીતવું ખૂબ અઘરું હતું. હું માનતી હતી કે આ ભગવાનના મારા પરના આશીર્વાદ છે અને હું આ સીટ અંતર્ગત આવતા લોકોને મારા 100 પર્સન્ટ આપીશ, ભલે હું કાઉન્સિલર બનું કે ન બનું.
ચૂંટણી સમયે પ્રચારમાં મારાં માતા, મારી બહેનો, મારા દીકરાઓ અને ચિરાગ પટેલ દ્વારા ઘણી મહેનત કરવામાં આવી હતી. આ મહેનત ફળતાં હું આ સીટ જીતી ગઈ. ચૂંટણી જીતતાં અમે પોઝિશનમાં હોવાથી મને મારા ગ્રૂપની ડેપ્યુટી ચીફ બનાવાઈ અને અન્ય પોઝિશન પણ આપવામાં આવી હતી. સીટ જીતતાં મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું મેયર બનીશ.
વર્ષ 2006માં એડમિનિસ્ટ્રેશનમાં આવતાં મને કેબિનેટ પોઝિશન મળી, જેમાં હું કોમ્યુનિટી, સ્કૂલ અને ચિલ્ડ્રન ડેવલપમેન્ટ જોતી હતી. જો કે વર્ષ 2010ની ચૂંટણીમાં મેં મારી સીટ ગુમાવી. આમ છતાં મેં રાજનીતિ મૂકી નહોતી. મેં એ સમયે નક્કી કર્યું હતું કે, ‘હું પાછી આવીશ અને મજબૂતીથી આવીશ.’ વર્ષ 2014માં હું કેન્ટન ઇસ્ટ વિસ્તારથી ચૂંટણીમાં ઊભી રહી, જ્યાં ઘણા ગુજરાતી હોવા છતાં હું ચૂંટણી હારી ગઈ. ત્યારબાદ વર્ષ 2018માં બેલમોન્ટ વોર્ડથી હું કાઉન્સિલર બની. અહીં વિપક્ષમાં હોવાથી મારી પાસે શેડો પોર્ટફોલિયો હતાં. વર્ષ 2022માં અમે એડમિનિસ્ટ્રેશનમાં આવ્યા એટલે ફરી મને એન્વાયર્નમેન્ટ અને કોમ્યુનિટી સેફ્ટીનો પોર્ટફોલિયો અપાયો.
આ બાદ મારી માતાએ મને મેયર બનવા પ્રોત્સાહન આપ્યું. જો કે મને લાગ્યું કે કેબિનેટ મેમ્બર હોવાથી હું વધારે ડિસિઝન લઈ શકું છું, જેથી મારે મેયર નથી બનવું. હું મારી ટર્મના છેલ્લા વર્ષમાં મેયર બનીશ. આભાર મારા કલીગ્સનો, જેમણે મને વોટ કર્યો અને હું એક વર્ષ માટે મેયર બની. હાલમાં રોજ ઘરે આવીને મારાં માતાનો આભાર વ્યક્ત કરું છું કે તેમણે મને મેયર બનવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું.
આ પોઝિશન પર આવતાં મને ઘણા લોકોને મળવાનું અને ઘણું શીખવા મળ્યું. ઘણી વખત હું ખુશ થતી, તો ઘણી વખત દુઃખી પણ થતી કે આટલા વિકસિત દેશમાં રહેવા છતાં અનિચ્છનીય પ્રવૃત્તિઓ જોવા મળે છે. જો હું ફરી ચુંટાઈને આવીશ તો મારો અનુભવ લગાવીને સમાજને આદર્શ બનાવવા વધુ પ્રયાસ કરીશ.
સી.બી. પટેલઃ બ્રિટનમાં કમનસીબે બની બેઠેલા ગુરુઓ ભગવા પહેરી ચાંલ્લો કરીને મોટીમોટી વાતો કરે છે અને અનિચ્છનીય કાર્યો કરે છે. આ અંગે તમારો અભિપ્રાય જણાવો.
અંજનાબહેનઃ અમે મૂળ બોચાસણના છીએ અને સ્વામિનારાયણ સંપ્રદાયની કંઠી પણ ધારણ કરી છે. મારાં માતા-પિતા સાથે હું પહેલેથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિશ્વાસ રાખું છું. મારા બંને દીકરાનો જન્મ થયો ત્યારે તેમને પણ લઈ જઈને પ્રમુખસ્વામી પાસે કંઠી ધારણ કરાવી હતી. મારા માટે મારા ગુરુ ખૂબ મહત્ત્વ ધરાવે છે. યોગીજી મહારાજની શીખ પ્રમાણે જ હું વર્તું છું, આપણે જેવા અંદર છીએ, તેવા જ બહાર પણ છીએ. પ્રમુખસ્વામી મહારાજે કહ્યું છે કે, બીજાના સુખમાં આપણું સુખ. હવે જે ગુરુ આપણને આટલી સુંદર શીખ આપતા હોય અને તેના પગલે-પગલે આપણે કોઈપણ ક્ષેત્રમાં આગળ વધીએ તો આ વર્તન ખૂબ કામ આવે.
અન્ય બાબતે હું એટલું જ કહીશ કે, ‘હા, એ વાત બિલકુલ સાચી છે, કે આપણો સમાજ અંધશ્રદ્ધામાં માનનારો છે.’ મારું એટલું જ કહેવું છે કે, તમે ક્યાંય પણ જઈને જે પણ કાર્ય કરો તે સમજી-વિચારીને કરો. પ્રથમ તમે તમારી જાત પર વિશ્વાસ રાખો અને જાતને સમજાવો કે તમે શું ન કરી શકો. મારા જીવનમાં પણ ઘણા બનાવો બન્યા છે કે મને પણ કંઈ કરવાની ઇચ્છા થાય, પરંતુ મેં નથી કર્યું, કારણ કે હું જાણું છું કે તે કાર્ય કરવાથી કશું જ પરિણામ નહીં મળે અને હું જ કદાચ કોઈ સંકટમાં પડી જઉં. હું માનું છું કે જે કોઈ સુખ કે દુઃખ આવ્યું હોય તેનો ઉપાય આપણી પાસે જ છે. હું માનું છું કે, કોઈ અન્ય પાસે આપણા માટે મંત્ર-જાપ કરાવવાથી કંઈ ન થાય, જાતે જ તે મંત્રજાપ કરવાની જરૂર છે. ઘણી વખત એવું બન્યું છે કે મારો કોઈ સવાલ હોય અને હું બાપાની સભામાં જઈને બેસું તો મને મારા સવાલનો જવાબ મળી જાય. એટલે જ કહું છું કે, પ્રથમ આપણી જાત પર વિશ્વાસ રાખો. ઘરના સભ્યો સાથેનો વાર્તાલાપ ખૂબ જરૂરી છે. કોઈપણ પ્રોબ્લેમનો ઘરમાંથી ચોક્કસ ઉકેલ મળી જાય. આ માટે યોગીજી મહારાજે ઘરસભાની શરૂઆત કરી હતી. તેઓ રોજ ઘરસભા કરવાનું એટલે કહેતા હતા કે, તમે સાંજે બધા સાથે મળીને જમો અને દિવસભરની ચર્ચા કરો. આ સમયે ઘરના તમામ સભ્યોના પ્રશ્ન ઉકેલાઈ જ જાય.
સી.બી. પટેલઃ વર્ષો પહેલાં હાઉસ ઓફ લોર્ડ્સમાં ભારતીય વંશજ બેરોનિસ હતાં. મને યાદ છે એ સમયે તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયની ટીકા કહી હતી અને તમે સંપ્રદાયને સાચા અર્થમાં રજૂ કર્યો હતો. તમે મર્યાદાની સાચી સમજ શું આપી હતી તે જણાવો.
અંજનાબહેનઃ મારો કહેવાનો અર્થ માત્ર એટલો હતો કે, તમે જે વાત કરો છો સ્ત્રી અને પુરુષ મર્યાદાની, એમાં ઘણા ધર્મો અને સંસ્થાઓ માને છે. તમે ક્યાંય પણ જાઓ, ત્યાં સ્ત્રીઓ અને પુરુષોને અલગ બેસવાનું હોય છે. સંતો અને ગુરુઓ સ્ત્રીઓને ન જોઈ શકવાની વાત છે, તો મારા પ્રમાણે આ તેમનો પસંદ કરેલો રસ્તો છે.
ઘણી જગ્યાએ આપણે જોયું છે કે, ધર્મગુરુઓ શું કરી રહ્યા છે. કમસેકમ આ સંસ્થામાં સ્ત્રીઓ સાથેનો સંબંધ ન હોવાથી તે કેટલી સફળ રીતે ચાલી રહી છે તે આપણે જોઈ શકીએ છીએ. હું ઘણી જગ્યાએ ગઈ છું, મેં કંઈ એમ જ મારા ગુરુને નથી માન્યા. જો કે ગુરુઓને મળવું અને તેમની સાથે બેસીને વાત કરવી મને ક્યાંય પણ ન મળી. કોઈએ મારી સાથે બેસીને મારા પ્રશ્નોનો ઉકેલ આપ્યો નહોતો. તમામ સ્થળે ગુરુજનોની કોર ટીમ જ હોય. સામાન્ય માણસોને તેમની સાથે વાત કરવાનો મોકો ન મળે. મારા ગુરુ ભલે મારી સાથે વાત નથી કરી શકતા, પરંતુ મારા બંને દીકરા સાથે તો વાત કરે છે. મારા બંને દીકરાને ખૂબ પ્રેમ આપ્યો, સંસ્કાર આપ્યા છે. આ પરિણામે તે બંને હાલમાં ઘણી સારી સંસ્થાઓમાં છે અને સફળ વ્યવસાયિક અને પારિવારિક જીવન જીવી રહ્યા છે. મારી સાથે રૂબરૂ સંપર્કમાં આવી ભલે મારા ગુરુએ વાત નથી કરી, પરંતુ મારા દીકરાઓ દ્વારા મારી સાથે ગુરુની ઘણી વાતો થઈ છે.
મારા માટે તો આ સંસ્થા શ્રેષ્ઠ સંસ્થા છે. મને હવે કોઈ પ્રોબ્લેમ નથી કે મારી સાથે બાપા વાત નથી કરતા, કારણ કે મારા તમામ પ્રશ્નોનો જવાબ મને મળી જાય છે. હાલના સમયમાં જ મેયર તરીકે હું અમદાવાદ જઈને આવી અને મહંત સ્વામીની ઉપસ્થિતિમાં મારું સન્માન કરાયું. ત્યાં બેઠાંબેઠાં પણ હું જે વિચાર કરતી હતી, ત્યારે બાપાએ એમની વાતમાં મને સમજાવી દીધું કે શું છે. હું માનું છું કે, જે સ્ત્રી-પુરુષની મર્યાદાની વાત બેરોનિસે કરી હતી એ મારા માટે તો બિલકુલ યોગ્ય નહોતી. તેઓ ભલે નથી જોતા, તો પણ જુએ છે.
સી.બી. પટેલઃ અંજનાબહેન તમે ઉલ્લેખ કર્યો હતો કે, કેટલાક લોકો પોતે જ ગુરુ બની પોતાને પદવીઓ આપે છે. જે ગુરુ શોષણ કરતા હોય એવાને ગુરુ પણ ન કહેવાય. આ અંગે કંઈ જણાવશો.
અંજનાબહેનઃ એક સ્ત્રી તરીકે કહું તો સ્ત્રીએ વિચાર કરવાનો છે કે તેમને ક્યાં જવું છે અને શું કરવું છે. આપણો સમાજ અંધશ્રદ્ધામાં માનનારો છે અને એટલે જ સમાજમાં ન બનવાની ઘટના બને છે.
હું આવી કોઈ જગ્યાએ નથી ગઈ અને આવો અનુભવ પણ નથી
કર્યો. મારા દીકરાઓએ BAPSમાં જવાનું અને તેમના ગુરુની પસંદગી કરી છે.
મને લાગ્યું કે આ સ્થાન મારા દીકરાઓ માટે શ્રેષ્ઠ સ્થળ છે અને દીકરાઓ માટેનું સારું સ્થળ મારા માટે પણ શ્રેષ્ઠ જ છે. આમ હું આ સંસ્થા સાથે જોડાઈ.
પૂજાબહેન રાવલઃ હાલમાં વિવિધ ધર્મની બહેનો પોલિટિકલ લાઇફમાં ઘણી આગળ વધી રહી છે, પરંતુ આપણી ગુજરાતી અને હિન્દુ સ્ત્રીઓ, જે જાહેર જીવનમાં આવવાનો વિચાર કરી રહી છે તેમના માટે શું કહેશો?
અંજનાબહેનઃ પહેલા તો કહીશ કે જાહેર જીવન જીવવું સરળ નથી, તેમાં પણ ખાસ મહિલાઓ માટે તો જરાપણ નહીં. પોલિટિક્સમાં આવવું હોય ત્યારે સૌપ્રથમ કયા કારણોસર આવવું છે તે નક્કી કરવું જોઈએ.
કારણ સબળ હોય તો રાજકારણમાં કોઈપણ સ્ત્રી સારી રીતે કામ કરી શકશે. હું એટલા માટે કહું છું કે, હું આવી હતી તો સમાજસેવાનું સ્પષ્ટ કારણ હતું, જે હું કરી રહી છું. મને ક્યારેય એમ નથી થયું કે હું કેમ અને કોના માટે આ કાર્ય કરું છું. જાહેર જીવનની વ્યક્તિ તરીકે મારો ફોન નંબર 20x7 તમામ લોકો માટે ઉપલબ્ધ હોય છે. મારું કારણ સ્પષ્ટ હોવાથી મને કંટાળો નથી આવતો કે બર્ડન ફીલ નથી કરતી. બહુ જ જરૂરી છે કે તમામ બેકગ્રાઉન્ડની મહિલાઓ પોલિટિક્સમાં આવે, કારણ કે ‘વિમન્સ આર મલ્ટિ ટાસ્કર્સ.’ તેઓ પોલિટિક્સમાં વધારે સારું કરી શકશે. માત્ર જરૂરી છે મહિલાઓના પરિવારનું પીઠબળ, જે મને મળી રહ્યું છે.
વિચારવાનું એ થાય છે કે શું ભારતીય પરિવારો મહિલાઓને રાજનીતિમાં સ્વીકારે છે? હું જ્યારે 25 વર્ષ પહેલાં રાજનીતિમાં આવી હતી, ત્યારે મારાં માતાને પણ કોઈએ સલાહ આપી હતી કે ‘આ કામ બૈરાંઓનું નહીં...’ તેમને તો જમવાનું બનાવવાનું અને બાળકોને મોટાં કરવામાં જ ધ્યાન આપવું જોઈએ. આ સમયે મારાં માતાએ એ વ્યક્તિને જવાબ આપ્યો હતો કે, ‘મારી પુત્રી ઘરનું અને બહારનું બંને કામ કરી શકે તેમ છે.’ આ વ્યક્તિની વાત સાંભળીને મને ખૂબ દુઃખ થયું. આ વાતને ચર્ચનારી એ ત્રાહિત વ્યક્તિને વિચાર ન આવ્યો કે મારી દીકરીઓને પણ તકની જરૂર પડશે અને અન્ય કોઈ તેમને આવું કહેશે તો!
હું પોલિટિક્સમાં આવી તે સમયે એવું પણ બન્યું છે કે, સામાજિક અથવા અન્ય કાર્યક્રમોમાં કોઈ અમને બોલાવે નહીં, બેસાડે નહીં, પુરુષો જ આગળ હોય, ડાયસ પર માત્ર પુરુષો જ હોય, અમારી પાસે પોઝિશન હોય છતાં અમારી દરકાર ન કરે... આનાથી ખૂબ દુઃખ થતું. મને મક્કમપણે લાગે છે કે, જ્યાં સુધી સ્ત્રીઓ નક્કી નહીં કરે ત્યાં સુધી કંઈ નહીં થાય. આપણે નક્કી કરીએ કે આપણે રાજનીતિમાં જવું છે તો તે થઈ જ શકે. કંઈ જ અશક્ય નથી. જીવનમાં હંમેશાં ધ્યેય નક્કી કરવા અને સપનાં જોવાં ખૂબ જરૂરી છે. મારા જીવનમાં કંઈ સરળ નથી રહ્યું, જીવનના તમામ તબક્કે સંઘર્ષ કરવો જ પડશે.
પૂજાબહેનઃ એવી કઈ સિદ્ધિ છે, જે તમને સંતોષ અને ગૌરવની અનુભૂતિ કરાવે છે?
અંજનાબહેનઃ એવી ઘણી વસ્તુઓ છે, પરંતુ હું જેનો પાર્ટ હતી તેવી યુકેની પ્રથમ સ્ટેટ ફન્ડિંગ હિન્દુ સ્કૂલ શરૂ થઈ તે બદલ હું સંતોષ અને ગૌરવની લાગણી વ્યક્ત કરું છું. આ પ્રોજેક્ટમાં મેં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ સ્કૂલ હાલમાં સમગ્ર દેશમાં ટોપમાં ગણાય છે. આ સ્કૂલમાં એડમિશન લેવા લાંબું વેઇટિંગ લિસ્ટ છે. આ સિવાય મેં વર્ષ 2006-‘07-’08માં ‘બી અ ફર્સ્ટ કાઉન્સિલર’ કેમ્પેઇન શરૂ કર્યું હતું. આ સમયે મને લંડન કાઉન્સિલમાં ઇક્વાલિટી અને ડાઇવર્સિટીની લીડ મેમ્બર બનાવી હતી. આ કેમ્પેઇને લંડનમાં એટલી સફળતા મેળવી કે સમગ્ર દેશમાં તેને ચલાવાયું, જે હજુપણ ચાલુ છે. બેરેનસ ઉદીનને આ કેમ્પેઇન એટલું ગમ્યું કે તેમણે વધુમાં વધુ મહિલાઓ મેમ્બર ઓફ પાર્લામેન્ટ બને તે માટે પ્રયાસ હાથ ધર્યા હતા. આ મારા માટે ખૂબ મોટી સિદ્ધિ ગણું છું.
સી.બી. પટેલઃ આજનો વાર્તાલાપ અત્યંત ઉપયોગી રહ્યો. આપણે ગરિમા જાળવી શું સ્વીકાર્ય છે અને શું અસ્વીકાર્ય છે તેની ચર્ચા કરી. ખાસ કરીને જાહેર જીવનમાં સેવાકીય પ્રવૃત્તિઓમાં ભોગ આપવો જ પડે, જે તમે આપ્યો છે. આજના વાર્તાલાપનો અનુભવ ઘણા બધાને અનેકવિધ રીતે ઉપયોગી નીવડશે અને પુરુષાર્થ માટે મનોબળ પૂરું પાડશે. આભાર અંજનાબહેન...

