ક્લાઇમેટ ચેન્જના પાપે સતત વધતી ગરમી અને વરસાદની ભારે અછતના કારણે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ભીષણ દુકાળના ડાકલાં વાગી રહ્યાં છે. સરકાર દ્વારા સત્તાવાર રીતે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં દુકાળની જાહેરાત કરાઇ છે ત્યારે હવે બ્રિટનમાં વોટર મેનેજમેન્ટ તાતી જરૂરીયાત બની રહ્યું છે. નદીઓના સૂકાયેલા પટ અને વીલાઇ ગયેલા ઘાસના મેદાનોના દ્રશ્યો એવું કડવું સત્ય ઉજાગર કરી રહ્યાં છે કે આકરી ગરમી અને કોરો દુકાળ હવે અપવાદરૂપ ઘટના રહી નથી. આ ક્રમ હવે નવી વાસ્તવિકતા બનીને સામે આવી રહ્યો છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં વારંવાર સર્જાતી દુષ્કાળની સ્થિતિએ એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે પાણીની અછત એ માત્ર ઉનાળાની ક્ષણિક મુશ્કેલી નથી પરંતુ એક ગંભીર માળખાકીય સંકટ છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રેકોર્ડબ્રેક તાપમાન અને મહિનાઓ સુધી સરેરાશ કરતાં ઓછા વરસાદના કારણે નદીઓ અને જળાશયોના જળસ્તર ઐતિહાસિક નીચલી સપાટીએ પહોંચી ગયા છે. જોકે આ પરિસ્થિતિ માટે માત્ર ક્લાઇમેટ ચેન્જને દોષ આપવો વોટર મેનેજમેન્ટમાં પ્રવર્તી રહેલી બેદરકારીને છુપાવવા સમાન છે. મુખ્ય વિરોધાભાસ એ છે કે કુદરત વર્ષ દરમિયાન પૂરતો વરસાદ આપે છે પરંતુ હાલની સિસ્ટમ તે પાણીનો સંગ્રહ કરવા, તેને સાચવવા અને યોગ્ય રીતે વિતરિત કરવામાં નિષ્ફળ રહી છે.
ગંભીર ચિંતાનો વિષય એ છે કે વોટર કંપનીઓની નિંભરતાના પગલે પાઇપલાઇનોમાં લીકેજને કારણે ઘરના નળ સુધી પહોંચે તે પહેલાં જ રોજના કરોડો લીટર શુદ્ધ પાણી વેડફાઈ જાય છે. વધતી વસ્તી અને બદલાતા હવામાન છતાં દેશમાં દાયકાઓથી નવા મોટા જળાશયો કે ડેમનું નિર્માણ કરવામાં આવ્યું નથી. વિવિધ પ્રદેશો વચ્ચે પાણીની વહેંચણીનું નેટવર્ક મર્યાદિત છે જેના કારણે વધુ વરસાદવાળા વિસ્તારોમાંથી પાણીને કોરા રહી ગયેલા વિસ્તારોમાં પહોંચાડવું મુશ્કેલ બને છે.
સમસ્યા એ છે કે પાણીની અછત ન સર્જાય ત્યાં સુધી પાણીને અખૂટ સંસાધન માનવામાં આવે છે. વોટર મેનેજમેન્ટની મૂળભૂત ખામીઓને સુધારવાને બદલે આપણે ટેમ્પરરી હોઝપાઇપ બાન અને ઇમરજન્સી ઓર્ડર જેવા અસ્થાયી ઉપાયો પર નિર્ભર રહેવાના પગલાં લેવાય છે.
કુદરતી જળસ્રોતોમાં પાણીનું સ્તર રેકોર્ડ નીચલી સપાટીએ પહોંચતાં પર્યાવરણને મોટું નુકસાન થઇ રહ્યું છે. ઝેરી શેવાળનો ઉપદ્રવ વધ્યો છે, ઓક્સિજનનું પ્રમાણ ઘટ્યું છે અને જળચર જીવો તથા માછલીઓ મોટી સંખ્યામાં મૃત્યુ પામી રહ્યા છે. પાકના ઉત્પાદનમાં ભારે ઘટાડો અને પશુઓ માટે ચારાની અછતને કારણે ખેડૂતો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે જેનાથી ખાદ્યપદાર્થોના ભાવ વધી રહ્યા છે. પાણીના ઉપયોગ પરના નિયંત્રણો અને વ્યાપારી વપરાશ પરની મર્યાદાઓને કારણે સ્થાનિક ઉદ્યોગો અને વ્યવસાયોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
આ સ્થિતિમાં ક્લાઇમેટ ચેન્જની નવી વાસ્તવિકતા સામે ટકી રહેવા માટે દર ઉનાળે સળવળવાને બદલે તાત્કાલિક અને લાંબા ગાળાના આયોજનની જરૂર છે. વોટર કંપનીઓ પાઇપલાઇનના લીકેજ ઝડપથી સરખા કરે તે માટે નિયમનકારોએ ભારે દંડ સહિતના કડક ધોરણો અમલી બનાવવા જોઈએ. નવાં જળાશયોના નિર્માણ, વોટર રિસાયક્લિંગ પ્લાન્ટ્સ અને સમગ્ર દેશને સાંકળતી વોટર ગ્રીડ પાછળ મૂડીરોકાણ કરવું અનિવાર્ય છે. ઘરગથ્થુ અને ઔદ્યોગિક સ્તરે વરસાદી પાણીનો સંગ્રહ અને સ્માર્ટ મીટરિંગ જેવાં પગલાં દૈનિક જીવનનો હિસ્સો બનવાં જોઈએ.
ઇંગ્લેન્ડ અને વેલ્સમાં વર્તમાન દુષ્કાળની સ્થિતિ એક ચેતવણીરૂપ ઘંટડી છે. વરસાદ તો વહેલો-મોડો આવશે પરંતુ જો આપણી નીતિઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બદલાતી આબોહવા મુજબ નહીં બદલાય તો આગામી જળસંકટ બહુ દૂર નથી.
