તાજેતરમાં ભારતની રાજધાની નવી દિલ્હીમાં જંતર મંતર ખાતે આયોજિત વિદ્યાર્થી આંદોલનમાં જેન-ઝી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને બોલાયેલા અપશબ્દો વિવાદનું કેન્દ્ર બની રહ્યાં છે. આંદોલનમાં 14-15 વર્ષના છોકરડાઓ જે રીતે ખુલ્લેઆમ અપશબ્દોનું ઉચ્ચારણ કરી રહ્યાં હતાં તે જોઇને એમ લાગી રહ્યું છે કે સમાજમાં સંસ્કારોને નેવે ચડાવી દેવાયાં છે. સગીરો જે રીતે વર્બલ એબ્યુઝ કરી રહ્યાં હતાં તે જોતાં એવું પ્રતીત થઇ રહ્યું હતું કે, યુવા પેઢી બેલગામ બની ગઇ છે.
અગાઉની પેઢીઓમાં અપશબ્દ કે ગાળ બોલવી એ જાણે કે અત્યંત ધૃણાસ્પદ કૃત્ય ગણાતું હતું. અસામાન્ય સંજોગોમાં જ અપશબ્દનું ઉચ્ચારણ થતું હતું જ્યારે આજે નાના નાના છોકરા છોકરીઓ કેમેરા પર બેફામ ગાળાગાળી કરી રહ્યાં છે. સવાલ તો એ થાય છે કે શું તેમના પરિવારોમાં પણ આ પ્રકારની ભાષાનું ચલન હશે? કોઇ માતા-પિતા પોતાના સંતાનને અપશબ્દોની તાલીમ તો નહીં જ આપતા હોય. તો પછી સવાલ એ છે કે જેન-ઝીમાં આ દુષણ ક્યાંથી વ્યાપક બની રહ્યું છે?
ટેકનોલોજીના આધુનિક યુગમાં ફિલ્મો, ઓટીટી પ્લેટફોર્મ પર આવતી ફિલ્મો અને સીરિઝ, સોશિયલ મીડિયા આજે નાના બાળકોથી વૃદ્ધોના માનસ પર છવાયેલાં છે. ફિલ્મો અને સિરિઝમાં એટલી હદે બેફામ અપશબ્દોનું ઉચ્ચારણ કરાય છે કે એક સંસ્કારી પરિવાર સંતાનો સાથે બેસીને તે જોઇ પણ શકે નહીં. કદાચને પરિવારો ઘરમાં આ પ્રકારના પ્રસારણોથી બચવાનો પ્રયાસ કરતા હશે પરંતુ આજે નાનાથી માંડીને મોટાના હાથમાં મોબાઇલ ફોન આવી ગયાં છે અને તેઓ ત્યાં આ પ્રકારની બિભત્સ પ્રસ્તુતિઓનો શિકાર બની રહ્યાં છે. એવું કહેવાય છે કે ફિલ્મો સમાજનું પ્રતિબિંબ રજૂ કરે છે. આજની ફિલ્મોમાં પ્રસ્તુત થતી બિભસ્તતા સામે કોઇ સભ્ય સમાજ અવાજ ઉઠાવતો નથી. સરકાર દ્વારા નિયત કરાયેલ સેન્સર બોર્ડ પણ આવી બાબતો સામે આંખ આડા કાન કરતું આવ્યું છે. જેના પ્રતાપે આ દુષણ સમાજમાં ઝડપથી વકરી ગયું છે. નાના-મોટાનું સન્માન કરવું, બે આંખની શરમ રાખવી જેવા શબ્દો આજે ફક્ત કાગળ પર જ રહી ગયાં છે.
જેન-ઝીનો સૌથી વધુ દાટ તો સોશિયલ મીડિયાએ વાળ્યો છે. સોશિયલ મીડિયાના ઉપયોગ પર કોઇપણ પ્રકારના નિયંત્રણો ન હોવાના કારણે બાળકો સુધી એવી વિષયસામગ્રી પહોંચી રહી છે જેને કોઇપણ સુસંસ્કૃત પરિવાર સ્વીકારતો નથી. આ પ્રકારની સામગ્રી પર કોઇ લગામ પણ નથી કે સરકારની નિયંત્રક વ્યવસ્થા પણ નથી. બીજી ગંભીર બાબત એ કે સોશિયલ મીડિયા પર બે વ્યક્તિ રૂબરૂ સામસામે ન હોવાના કારણે એકબીજા સામે બેફામ નિવેદનો, શાબ્દિક ટપાટપી અને અપશબ્દો વરસાવવામાં કોઇ કસર બાકી રખાતી નથી. તે ઉપરાંત આજના સમાજની વરવી અને કડવી વાસ્તવિકતા એ છે કે નફરત અને અસહિષ્ણુતા ચરમ પર પહોંચી છે. સોશિયલ મીડિયા પર રજૂ થતા અભિપ્રાયો સાથે સહમતિ ન હોય તો ગાળાગાળી સાથે ટ્રોલ કરવાનો એક નવો ટ્રેન્ડ છેલ્લા એક દાયકાથી પ્રવર્તી રહ્યો છે. જેનું સીધું અનુકરણ સગીરો અને યુવાપેઢી કરી રહી છે.
ઘણા દેશોને હવે આ સંકટ સમજાઇ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લાદી દીધો છે. બ્રિટન પણ એ દિશામાં આગળ વધી રહ્યો છે. ભારત સરકારે પણ આ બાબત પર ગંભીર વિચારણા કરવી જોઇએ.
