જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં દિલ્હી રમખાણોના આરોપી ઉમર ખાલીદ અને શરજીલ ઇમામના સમર્થનમાં સૂત્રોચ્ચારનો વીડિયો મંગળવારે સામે આવ્યો. જેમાં હાજર વિદ્યાર્થીઓ અને લોકો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી રહી હતી.
• ફ્લાઇટ્સમાં પાવર બેન્ક પર પ્રતિબંધઃ ભારતનાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ફ્લાઇટ્સમાં સુરક્ષાના નિયમો લાગુ કરાયા છે. DGCA દ્વારા ફ્લાઇટ્સમાં ફોન કે અન્ય ગેઝેટ્સને ચાર્જ કરવા માટે પાવર બેન્કના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેમાં વિમાનની સીટ પાસે પાવર આઉટલેટ દ્વારા ફોન ચાર્જ કરવા પર પણ રોક લગાવાઈ છે.
• લોકો પાસે હજુ પણ રૂ. 5669 કરોડના મૂલ્યની 2000ની નોટોઃ ભારતીય રિઝર્વ બેન્કે વર્ષ 2023માં ચલણથી પાછી ખેંચેલી રૂ. 2000ની ચલણની 100 ટકા RBIમાં જમા થઈ નથી. લોકો પાસે હજી રૂ. 5669 કરોડનાં મૂલ્યની રૂ. 2000ની નોટ પડી રહી છે. રૂ. 2000ની નોટ બેન્કોમાં જમા કરાવી નવું ચલણ મેળવવાની સગવડતા હોવા છતાં લોકો તેનો લાભ લેતા નથી.
• એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓ બોડીવોર્ન કેમેરા પહેરશેઃ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર રેડ ચેનલ્સ પર તહેનાત કસ્ટમ્સ અધિકારીએ હવે ફરજિયાત બોડીવોન કેમેરા પહેરવા પડશે. આ પગલું આંતરરાષ્ટ્રીય મુસાફરો સાથે પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ વધારવાની સાથોસાથે વેપારમાં સરળતા સુનિશ્ચિત કરવા માટે ભરવામાં આવ્યું છે.
• DRDOની મોટી સિદ્ધિઃ ભારતની સંરક્ષણ ક્ષમતાને મજબૂતી આપતાં ડીઆરડીઓએ પ્રલય મિલાઇલને સફળતાપૂર્વક લોન્ચ કરી છે. આ પરીક્ષણને દેશની સ્વદેશી મિસાઇલ ટેક્નોલોજી અને ક્વિક રિએક્શન એબિલિટીનું મોટું પ્રદર્શન માનવામાં આવે છે. એક જ લોન્ચર પરથી ઓછા સમયના અંતરે 2 મિસાઇલનું સફળ પ્રક્ષેપણ પણ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે.
• ડિસેમ્બરમાં રૂ. 1.75 લાખ કરોડ GST કલેક્શનઃ 2026ના પહેલા જ મહિને સરકારની તિજોરી છલકાઈ ગઈ. ડિસેમ્બરમાં દેશનું કુલ જીએસટી કલેક્શન 6.1 ટકા વધીને રૂ. 1.74 લાખ કરોડ થયું છે, જે ગત મહિનાની તુલનાએ 6.1 ટકા વધારે છે.
• ફ્લાઇટ રદ થતાં એરલાઇન્સની જવાબદારીઃ સરકાર દ્વારા એરલાઇન્સો માટે નવી એડ્વાઇઝરી જાહેર કરાઈ છે, જેનું તમામ એરલાઇન્સે કડક પાલન કરવાનું રહેશે. જો ફલાઇટ્સ રદ થાય તો એરલાઇન્સે અન્ય ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવાની રહેશે, અથવા પ્રવાસીઓને રિફંડ આપવાનું રહેશે. જો ફલાઇટ્સ મોડી પડે તો પ્રવાસીઓને ભોજન આપવું પડશે.
• જર્મનીની બેન્કમાં સુરંગ ખોદી રૂ. 317 કરોડની લૂંટઃ જર્મનીના ગેલ્સેંકિર્ચેનની સ્પાર્કાસે બેન્કની બ્રાન્ચમાં લુટારાઓ ડ્રીલ મશિનની મદદથી સુરંગ ખોદીને સ્ટ્રોંગરૂમમાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ રોકડ, સોનું અને ઘરેણાં મળીને આશરે ત્રણ કરોડ યુરો એટલે કે રૂ.317 કરોડની મતાની લૂંટ કરીને રફુચક્કર થઈ જવામાં સફળ રહ્યા હતા.
• 50 વર્ષ પછી પણ જેહાદ ખતમ નહીં થાયઃ જૈશ-એ-મોહંમદના વડા મસૂદ અઝહરનો એક નવો વિવાદિત ઓડિયો સામે આવ્યો છે, જેમાં તે જમ્મુની કોટ ભલવાલ જેલના દિવસો અને 1999માં ઇન્ડિયન એરલાઇન્સના વિમાનના હાઇજેકિંગ બાદ પોતાની જેલમુક્તિના ઘટનાક્રમ પર ઝેર ઓકી રહ્યો છે. આ સાથે તેણે કહ્યું 50 વર્ષ બાદ પણ જેહાદ ખતમ નહીં થાય.

