ઢાકાઃ બાંગ્લાદેશમાં છેલ્લા 18 દિવસમાં 5 હિન્દુની હત્યા થઈ છે. 44 વર્ષીય એક હિન્દુ વિધવા મહિલા પર ગેંગરેપ કરવામાં આવ્યો. આરોપીઓએ રેપ કર્યા બાદ ઝાડ સાથે બાંધીને માર માર્યો હતો. તો સોમવારે રાત્રે એક હિન્દુ દુકાનદારની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી. મૃતકની ઓળખ 40 વર્ષીય શરત ચક્રવર્તી મણિ તરીકે થઈ છે.
હિન્દુ મહિલા સાથે બળાત્કાર
હિન્દુ મહિલા સાથે દુષ્કર્મની ઘટના ઝેનાઈદહ જિલ્લાના કાલીગંજ વિસ્તારમાં બની હતી. પોલીસે આ મામલે 4 આરોપી પૈકી એકની ધરપકડ કરી છે. આરોપ છે કે દુષ્કર્મ બાદ મહિલાના વાળ કાપી નાખવામાં આવ્યા, તેની સાથે મારપીટ કરાઈ અને સમગ્ર ઘટનાનો વીડિયો બનાવાયો હતો.
દુકાનદાર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો
બાંગ્લાદેશના નરસિંદી જિલ્લામાં સોમવારે રાત્રે એક હિન્દુ દુકાનદારની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી. મૃતકની ઓળખ 40 વર્ષીય શરત ચક્રવર્તી મણિ તરીકે થઈ છે. સ્થાનિક મીડિયા મુજબ છેલ્લા 18 દિવસમાં આ છઠ્ઠા હિન્દુ વ્યક્તિની હત્યા છે. રિપોર્ટ અનુસાર શરત ચક્રવર્તી મણિ પલાશ ઉપજિલ્લાના ચારસિંઘુર બજારમાં પોતાની કરિયાણાની દુકાન ચલાવી રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ તેમના પર ધારદાર હથિયારોથી હુમલો કર્યો હતો. સ્થાનિક મીડિયા અનુસાર, 19 ડિસેમ્બરે મણિએ ફેસબુક પર એક પોસ્ટ લખીને દેશમાં વધતી હિંસા પર ચિંતા વ્યક્ત કરી હતી અને પોતાના વિસ્તારને મોતની ઘાટી ગણાવ્યો હતો.
18 દિવસમાં 5 હિન્દુની હત્યા
બાંગ્લાદેશમાં છેલ્લા 3 અઠવાડિયામાં 5 હિન્દુની હત્યા કરાઈ છે. જેસોર જિલ્લામાં સોમવારે સાંજે 38 વર્ષીય હિન્દુ વેપારી રાણાપ્રતાપ બૈરાગીની ગોળી મારીને હત્યા કરવામાં આવી. આ અગાઉ 31 ડિસેમ્બરે ખોકોનદાસ. 30 ડિસેમ્બરે સિક્યોરિટી ગાર્ડ બ્રજેન્દ્ર વિશ્વાસ, 24 ડિસેમ્બરે 29 વર્ષીય અમૃત મંડલ, 18 ડિસેમ્બરે ઢાકા નજીક ટોળાએ હિન્દુ યુવક દીપુચંદ્ર દાસની હત્યા કરી હતી.

