તાજેતરમાં યુકેના ટેરરિઝમ વોચડોગે સ્ટાર્મર સરકારને 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લાદવાની ભલામણ કરી છે. વોચડોગે સરકારને જણાવ્યું છે કે બ્રિટન પણ ઓસ્ટ્રેલિયાની જેમ 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લાદતો કાયદો ઘડી કાઢે. વોચડોગે દલીલ કરી છે કે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ બાળકો અને સગીરોને હિંસક તેમજ કટ્ટરવાદી બનાવી રહ્યાં છે.
સૌથી મોટા દુર્ભાગ્યની વાત એ છે કે સોશિયલ મીડિયા નવી પેઢીનું નિકંદન કાઢી રહ્યું છે. એક રીતે મોબાઇલ ફોન, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા માનવ ઇતિહાસની સૌથી મોટી શોધ પૈકીની એક છે પરંતુ દરેક ટેકનોલોજી લાભની સાથે સાથે ગેરલાભ પણ લઇને આવે છે. અમર્યાદ અને ચકાસણી વિનાની માહિતી બાળકો તો શું મોટેરાઓને પણ ગેરમાર્ગે દોરવામાં કોઇ કસર બાકી રહી નથી.
એ વાતમાં કોઇ શંકા નથી કે આજની પેઢીને સોશિયલ મીડિયાનું વ્યસન થઇ ગયું છે. તેનાથી બાળકો પણ અળગાં નથી. પરંતુ સોશિયલ મીડિયા પરનું કન્ટેન્ટ બાળકોના કુમળા માનસને ભયંકર નુકસાન પહોંચાડી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ચલાવાતા પ્રોપેગેન્ડા આ કુમળા માનસમાં નફરત, ધિક્કાર જેવા ઝેરી બીજ પણ આરોપી રહ્યાં છે. તેના કારણે બાળકો અને સગીરોમાં હિંસક પ્રવૃત્તિઓ પણ માઝા મૂકી રહી છે. આતંકવાદી માનસિકતા ધરાવતા તત્વો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી જ બાળકો અને સગીરોનું બ્રેઇન વોશ કરવામાં આવી રહ્યું છે. આ એજ સોશિયલ મીડિયા છે જેના કારણે બ્રિટનની ઘણી સગીરાઓ ઇસ્લામિક સ્ટેટની વિચારધારાથી આકર્ષિત થઇને બ્રિટન છોડી સીરિયા અને ઇરાક જેવા દેશોમાં આતંકવાદીઓનો સાથ આપવા પહોંચી ગઇ હતી.
આ એજ સોશિયલ મીડિયા છે જેના દ્વારા ફાર રાઇટ્સ સમગ્ર બ્રિટનમાં રમખાણો ભડકાવવામાં સફળ રહ્યાં હતાં. આ રમખાણોમાં સગીરો પ્રથમ પંક્તિમાં હિંસક પ્રવૃતિ કરતાં જોવા મળ્યાં હતાં. તેથી જ આગામી પેઢીને નફરત અને ધિક્કારની ઊંડી ખીણમાં ગરકાવ થતી બચાવવા માટે સોશિયલ મીડિયા પર નિયંત્રણો અત્યંત આવશ્યક બની ગયાં છે. બાળકો અને સગીરોમાં તર્કશક્તિ એટલી વિકસિત હોતી નથી. તેથી તેમનું બ્રેઇન વોશ થતાં પણ સમય લાગતો નથી. ઓસ્ટ્રેલિયાએ આ ભયસ્થાનો સમયસર પારખી લીધાં છે. બ્રિટને પણ આ દિશામાં આગળ વધવાની તાકિદે જરૂર છે.
