વેનેઝુએલા પર ટ્રમ્પનો હુમલો અને અમેરિકાની નવી વ્યૂહરચના

Wednesday 07th January 2026 05:23 EST
 

દરેક અમેરિકી ડોલરના પાછલા હિસ્સામાં એક વાક્ય લખેલું હોય છે. નોવુસ ઓર્દો સેક્લોરમ અર્થાત સમયની સાથે નવી વ્યવસ્થા. આ વાક્ય જ અમેરિકાની સુરક્ષા વ્યૂહરચનાની પ્રેરણાસમાન છે. અમેરિકા સમગ્ર વિશ્વમાં જગત જમાદાર તરીકેની છાપ ધરાવે છે. તેની વિદેશ નીતિ હંમેશા આક્રમક રહી છે. અમેરિકાની સરહદોથી હજારો માઇલ દૂરના દેશોને પ્રભાવિત કરવા તેના દ્વારા વારંવાર લશ્કરી, આર્થિક અને રાજકીય બાહુબળનો ઉપયોગ કરાય છે. અમેરિકાનો આ અભિગમ કાંઇ રાતોરાત વિકસિત થયો નથી. સૌથી જૂના અને લાંબા લોકતંત્રે ઐતિહાસિક અનુભવો, વૈચારિક માન્યતાઓ, વ્યહાત્મક હિતો અને વૈશ્વિક વ્યવસ્થામાં પોતાનું પલડું ભારે રાખવા જ અમેરિકી સત્તાધીશોએ આ પ્રકારનું વલણ અપનાવે રાખ્યું છે.
2024માં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં યુદ્ધવિરોધી નારાઓ ગજવીને સત્તા પર આરૂઢ થયેલા ડોનાલ્ડ ટ્રમ્પે તેમના શાસનના પ્રથમ વર્ષમાં તો એવો દેખાડો કર્યો કે તેઓ એક શાંતિ દૂત છે. સંખ્યાબંધ યુદ્ધો અટકાવવાનો દાવો પણ તેમના દ્વારા કરાયો પરંતુ 2026ના પ્રારંભે જ આજ કહેવાતા શાંતિદૂતે પાડોશી વેનેઝુએલા પર હુમલો કરીને તેના પ્રમુખ નિકોલસ માદુરોનું અપહરણ કર્યું. વેનેઝુએલા પરનો અમેરિકી હુમલો સ્પષ્ય સંકેત આપી રહ્યો છે કે ટ્રમ્પના નેતૃત્વ હેઠળનો અમેરિકા નિયમાનુસાર ચાલતી વિશ્વ વ્યવસ્થાના લીરેલીરા ઉડાડી રહ્યા છે. વેનેઝુએલા પર અમેરિકી હુમલા બાદ ગ્રીન લેન્ડ પર પણ અમેરિકી કબજાનો ભય ચોતરફ ફેલાયો છે.
ટ્રમ્પ દ્વારા લેવાઇ રહેલાં ચોંકાવનારા પગલાં બે મુખ્ય બાબત તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે. પ્રથમ બાબત એ કે ટ્રમ્પ યુરોપને પણ બાકાત રાખીને પશ્ચિમ ગોળાર્ધને સુરક્ષિત કરવા માગે છે. ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા એમ બે ખંડના દેશો પર પોતાની જીહજૂરી સત્તા થોપીને, ટેરિફનો દંડો પછાડીને ટ્રમ્પ આ બંને ખંડને એકજૂથ કરી બાકીના વિશ્વ સામે ગોઠવવાની નીતિ પર કામ કરી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. વેનેઝુએલા પરનો હુમલો સ્પષ્ટ કરે છે કે ટ્રમ્પ હવે ક્રુડ ઓઇલ માટે મીડલ ઇસ્ટના આરબ દેશો અને રશિયા પર પણ આધારિત રહેવા માગતા નથી. વિશ્વમાં સૌથી વધુ ઓઇલ અનામતો વેનેઝુએલા જ ધરાવે છે અને તેના પર અમેરિકાનો કબજો સમગ્ર વિશ્વની ઉર્જા વ્યવસ્થાને ઉલટાવી નાખવા સમર્થ છે. ટ્રમ્પે પહેલો ઘા રાણાનો એ સિદ્ધાંત અપનાવીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. ગ્રીન લેન્ડ પર જો અમેરિકાનું આધિપત્ય સ્થપાઇ જાય તો સુદૂર પશ્ચિમનો આખો ગોળાર્ધ વૈશ્વિક પડકારો સામે સુરક્ષિત બની જાય તેમ ટ્રમ્પ અને અમેરિકી ઘડવૈયાઓ માનતા હોય તેમ લાગી રહ્યું છે.
વેનેઝુએલા પર હુમલો અને સત્તા પરિવર્તન કરાવીને અમેરિકાએ બીજી એક મોટી સફળતા હાંસલ કરી છે. વેનેઝુએલા, રશિયા, ઇરાન અને ચીનની ધરી અમેરિકાની આંખમાં કણાની માફક ખૂંચી રહી હતી. તેમાં પણ વેનેઝુએલા સાથેના ચીનના સંબંધો અને ચીનની ઉર્જા જરૂરિયાતો સંતોષવામાં વેનેઝુએલાની ભુમિકા પણ અમેરિકી હિતો માટે મોટો પડકાર બની રહી હતી. ટ્રમ્પે માદુરોના શાસનનો અંત લાવીને આ ધરીને તોડવાનો પ્રયાસ કર્યો છે. રશિયા અને ચીને નિવેદનો દ્વારા ટ્રમ્પના કૃત્યને વખોડી તો કાઢ્યું છે પરંતુ તેઓ અમેરિકા સાથે સીધી લડાઇ વહોરી લેવા તૈયાર નહીં જ થાય. આમ પણ પુતિન અને રશિયા છેલ્લા 4 વર્ષથી યુક્રેન સામે યુદ્ધ લડી રહ્યાં છે પરંતુ હજુ સુધી યુક્રેનને ઘૂંટણિયે લાવી શક્યાં નથી. આવી સ્થિતિમાં પુતિન અમેરિકા સામે સીધુ યુદ્ધ લડી શકે તેમ જ નથી.
બીજીતરફ ચીન યુદ્ધને નહીં પરંતુ પોતાના આર્થિક વિકાસને વધુ મહત્વ આપી રહ્યો છે. ચીની શાસકો સારી રીતે જાણે છે કે લશ્કરી મામલામાં અમેરિકા સામે બાથ ભીડી શકાય તેમ નથી પરંતુ આર્થિક મોરચે અમેરિકાને હંફાવી શકવાની ક્ષમતા ચીનમાં છે. તેથી ચીન પણ અમેરિકા સામે લશ્કરી ઇરાદાથી ક્યારેય સીધા શિંગડા ભેરવશે નહીં.
આમ હાલ તો અમેરિકાએ અપનાવેલી નવી વ્યૂહરચના પર સમગ્ર વિશ્વના નેતાઓ અને સમીક્ષકો માથું ખંજવાળી રહ્યાં છે. આગામી સમય જ સ્પષ્ટ કરશે કે અંકલ સેમના દિલોદિમાગમાં શું ચાલી રહ્યું છે....


comments powered by Disqus