નવી દિલ્હીઃ નવા વર્ષની ઉજવણી દરમિયાન બરફથી ઢંકાયેલું સ્વિટ્ઝર્લેન્ડ વિસ્ફોટથી હચમચી ઊઠ્યું. રાજધાની બર્નથી આશરે 185 કિ.મી. દૂર અલ્પાઇન પર્વતોમાં વસેલા ક્રેન્સ-મોન્ટાનાના વૈભવી સ્કિઇંગ રિસોર્ટમાં પ્રચંડ વિસ્ફોટ અને આગમાં 47 લોકોનાં મોત નીપજ્યાં છે. ઘટના સમયે રિસોર્ટના બાર લા કોન્સેઇટાસિઓમાં આશરે 150 લોકો એકઠા થયા હતા. સ્થાનિક સમય મુજબ રાત્રે 1:30 વાગ્યે બનેલી આ ઘટનામાં આશરે 100 લોકો ઘાયલ થયા હતા.
પોલીસે હાલ આતંકી હુમલાને નકારી કાઢી ઘટનાને અકસ્માત ગણાવી છે. મૃત્યુઆંક અંગે પોલીસે જણાવ્યું હતું કે, મૃતકોમાં વિદેશીઓ પણ સામેલ છે, પરંતુ તેમની રાષ્ટ્રીયતા જાહેર કરાઈ નથી. બચાવકાર્ય માટે 10 હેલિકોપ્ટર તહેનાત કરાયાં હતાં.
મીણબત્તીથી આગ લાગી
આ ઘટનાના પ્રત્યક્ષદર્શી એમાએ જણાવ્યું કે, રિસોર્ટના બેઝમેન્ટમાં આવેલી બારમાં કેટલાક લોકોએ શેમ્પેઇનની બોટલોમાં મીણબત્તી પ્રગટાવી હતી, જેના કારણે આગ લાગી હતી. આ બાર ભોંયરામાં અને પહેલા માળની વચ્ચે આવેલી છે. લાકડાના ફ્લોરિંગ અને છતના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, આગ અને ધુમાડાના કારણે બારમાં અફરાતફરી મચી હતી. જો કે ભોંયરાથી પહેલા માળે જતી સીડીઓ અત્યંત સાંકડી હોવાથી લોકોએ આગળ વધવાની ઉતાવળમાં એકબીજાને ધક્કા માર્યા હતા, જેના કારણે ઘણા લોકો ફસાઈ ગયા હતા અને ધુમાડાનથી ગૂંગળામણ થઈ હતી.
રિસોર્ટમાં લાગેલી આગ અંગે પોલીસને શંકા છે કે રિસોર્ટે નવા વર્ષની ઉજવણી માટે ભોંયરામાં ફટાકડાનો સંગ્રહ કર્યો હતો. ફટાકડાથી નીકળેલા તણખાથી આગ લાગી હશે. પોલીસે એવી પણ શંકા વ્યક્ત કરી છે કે રિસોર્ટની ગેસ પાઇપલાઇનમાં લીકેજ થયું હશે.

