મ્યુનિકઃ 62મા મ્યુનિક સુરક્ષા સંમેલનમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે, અમેરિકા પોતાની મરજીથી એકલું પડયું છે. વોશિંગ્ટન નીતિઓમાં પરિવર્તન અને ચીનના વધતા ઉદયથી દુનિયા બદલાઈ રહી છે.
આ સાથે તેમણે રશિયા અને યુક્રેન યુદ્ધનું સંકટ ઉકેલવામાં ભારતની બદલાયેલી રણનીતિક પર પ્રકાશ પાડતાં તેમણે કહ્યું કે, ભારત હવે સલાહકારની ભૂમિકાથી આગળ વધીને રશિયા અને યુક્રેન વચ્ચે સક્રિય રીતે મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે. અમેરિકા અને ચીન વચ્ચેની સ્પર્ધા, ચીનની આત્મનિર્ભરતા અને ભાગીદારીમાં વિવિધતા લાવવા તથા જોખમ ખેડવાના પ્રયાસોથી અમેરિકાની બદલાયેલી સ્થિતિથી નક્કી થઈ રહી છે. અમેરિકા ઈરાદાપૂર્વક એકલું પડ્યું છે. વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિનું બીજું મોટું પાસું ચીનનો ઉદય છે.
દુનિયાના મેન્યુફેક્ચરિંગમાં ચીનની ભાગીદારી ત્રીજા ભાગની છે. સાથે જ આર્થિક ક્ષમતાઓ રાજકીય પ્રભાવમાં બદલાઈ રહી છે. ચીન પોતાને એક અનોખો દેશ માને છે. અમેરિકા અને ચીન વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે, જે બંને દેશો પૂરતી મર્યાદિત નથી.

