ગાંધીજયંતી નિમિત્તે સોનેરી સંગતનો અધ્યાય 91 ગાંધી સમર્પિત વિચારધારાને સમર્પિત રહ્યો. ગુજરાત સમાચારના ખાસ ઝૂમ કાર્યક્રમ સોનેરી સંગતમાં ગાંધીજીને પરંપરાગત રીતે યાદ કરવાના બદલે એક નવો દૃષ્ટિકોણ અપનાવી તેમને જાણવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે, ગાંધીજીને આપણે અત્યાર સુધી તેમની આત્મકથા ‘મારું જીવન એ જ મારો સંદેશ’ અને ‘સત્યના પ્રયોગો’ થકી જ જાણી શક્યા છીએ, પરંતુ સોનેરી સંગતમાં બાપુના જીવન-કવનના અભ્યાસુ ઉપરાંત વિદ્વાનો અને સંશોધકોએ બાપુના વ્યક્તિત્વ પર એક નવો જ પ્રકાશ ફેંક્યો.
કાર્યક્રમની શરૂઆત કરતાં કન્સલ્ટિંગ એડિટર જ્યોત્સનાબહેન શાહે ગાંધીજી વિશેની આ વિશેષ ચર્ચામાં હાજર રહેલા વક્તાઓ પ્લુરિનેશનલ સ્ટેટ ઓફ બોલિવિયાના પ્રથમ ભારતીય એમ્બેસેડર અને લેખક IFS અધિકારી રોહિતભાઈ વઢવાણા, ગાંધીજીના વિચારો અને મૂલ્યોના પ્રખર વિચારક અને ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક ડો. અનામિક શાહ અને મુંબઈની એસએનડીટી મહિલા યુનિવર્સિટીના પ્રોફેસર ડો. દર્શના ઓઝાની ઓળખ કરાવી.
કાર્યક્રમનું સંચાલન કરતાં ભારતીબહેન પંકજ વોરાએ કહ્યું કે, દરવર્ષે આપણે 2 ઓક્ટોબરે ગાંધીજીને યાદ કરીએ છીએ. જો કે આજે આપણે માત્ર તેમનું સ્મરણ નહીં કરીએ, પરંતુ આજે આપણે વિચારવા માટે મળ્યા છીએ. આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયા પર ગાંધીજીના જીવન, નિર્ણયો અને વિચારો અંગે અનેક સવાલ પૂછાઈ રહ્યા છે, જે પૈકી કેટલાક ગંભીર ઐતિહાસિક સંશોધન પર આધારિત છે, તો કેટલાક અંગે વિદ્વાનોમાં મતભેદ પણ છે.
અનામિકભાઈ શાહઃ ચંપારણના સત્યાગ્રહમાં કૃપલાનીજી અને અન્ય મિત્રો દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું હતું. અહીંથી તેમણે ત્રણ મહત્ત્વની વાત કરી, જેમાં ક્રાંતિકારીઓને હિંસા છોડવા, ગંદકી ન કરવા અને માતૃભાષામાં શિક્ષણની વાત કરી. ચંપારણનું આ પ્રવચન તેમના યાદગાર પ્રવચન પૈકી એક છે, જ્યાં તેમનાં વિચાર દર્શન થાય છે.
આ સાથે અનામિકભાઈએ વિદેશમાં ગાંધીજીએ જોયેલા ગ્રામસ્વરાજ અને અહીંના ગામોની સ્વચ્છતા પ્રત્યેની તેમના દૃષ્ટિકોણની વિભાવના રજૂ કરી હતી. અનામિકભાઈએ અસહકાર આંદોલન, સાબરમતી આશ્રમ, ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના, માતૃભાષામાં શિક્ષણનો ગાંધીજીના આગ્રહ અંગે ચર્ચા કરી. ગાંધીજીએ અંતરિયાળ ગામોમાં શિક્ષણની જ્યોત પ્રગટાવી શરૂ કરાવેલી શાળાઓની વાત કરી, જ્યાં આજે પણ વિદ્યાર્થીઓ નિઃશુલ્ક શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. અનામિકભાઈએ કહ્યું કે, ગાંધીજી બાળકોને ખેતી અને ઓજારોનું શિક્ષણ આપવાના આગ્રહી હતા, પરંતુ આજે તેમનો આ વિચાર નામશેષ થઈ ગયો છે.
અનામિકભાઈ બાદ રોહિતભાઈ વઢવાણાએ કાર્યક્રમનો દોર સંભાળતાં કહ્યું કે, ભારતની એમ્બેસી બોલિવિયામાં માર્ચ 2025થી જ કાર્યરત્ થઈ. અહીં આવતાં મેં મહાત્મા ગાંધીની ઓટો બાયોગ્રાફીની સ્પેનિશ ભાષામાં શોધવાનો પ્રયાસ કર્યો, જે એક ડિપ્લોમેટિક ગિફ્ટ તરીકે આપી શકાય. જો કે મને સ્પેનિશ એડિશનમાં તે ન મળતાં ઇન્ડિયન એમ્બેસી દ્વારા સ્થાનિક યુનિવર્સિટી સાથે મળી ગાંધીજીની ઓટો બાયોગ્રાફીનું સ્પેનિશ ટ્રાન્સલેશન કરાવ્યું, જેથી અહીંના સ્થાનિકો ગાંધીજી વિશે જાણી શકે. અત્યાર સુધીમાં ડિપ્લોમેટિક ગિફ્ટ તરીકે અમે અહીં ગાંધીજીની ઓટો બાયોગ્રાફીની 800 કોપી આપી ચૂક્યા છીએ, જેનો મને આનંદ છે.
અમે ભારતથી ગાંધીજીની પ્રતિમા મગાવી સપ્ટેમ્બર મહિનામાં જ તરીહા સિટીમાં તેનું અનાવરણ કર્યું અને હવે સુકરે સિટીમાં ગાંધીપ્રતિમા સ્થાપિત થવા જઈ રહી છે. અમે ગાંધીવિચારને વધુમાં વધુ ફેલાવવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન એસોસિયેશન સાથે ઇવેન્ટ કરી બસમાં રાખવા 25 કોપી ભેટ આપી, જેથી મુસાફરો તેને વાંચી શકે. આ સાથે તેમને ક્યુઆર કોડ સાથેનાં ગાંધીજીના 100 સ્ટિકર્સ અપાયાં, જેના દ્વારા લોકો ડિજિટલી ગાંધીજીના વિચારોને વાંચી શકે.
અમે રેઝિનની નાની-નાની ગાંધીપ્રતિમાઓ બનાવડાવી છે, જે અમે અહીંના ડિપ્લોમેટ્સને આપી છે, જેઓ તેને પોતાની ઓફિસમાં ખૂબ ખુશીથી રાખે છે. હવે અમારો આગામી પ્રયાસ એ રહેશે કે ગાંધીવિચારને લગતો અભ્યાસક્રમ પણ યુનિવર્સિટીમાં સામેલ થાય.
પ્રોફેસર ડો. દર્શના ઓઝાએ ગાંધીજી અંગે જણાવ્યું કે, ગાંધીજીએ આચરણમાં મૂકેલા ત્રણ પ્રશ્નો હતા ‘સૌથી મોટી મહત્ત્વની ક્ષણ કઈ?’ હાલના સંદર્ભે જોઈએ તો કોઈપણ ક્ષણને નિરર્થક ન જોવી અને સાચવી શકતા હોય તે. ‘સૌથી મહત્ત્વનું કામ કયું છે?’ હાથ પર જે કામ છે તેમાં વિલંબ ન થાય અને યોગ્ય સમયે તેને પૂર્ણ કરવું તે. અને ‘સૌથી મહત્ત્વનો માણસ કયો?’ જે સામે છે તે સૌથી મહત્ત્વનો છે.દર્શનાબહેને તેમના આધ્યાત્મિક અને આચરણમાં મૂકવામાં આવેલા વ્યવહાર અંગે ઊંડી અને ગહન ચર્ચા કરતાં તેમનો દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો. આ સાથે દર્શનાબહેને કહ્યું કે, ગાંધીજી પાસે એક વિઝન પણ હતું અને એક મિશન પણ હતું. એક ઉદાહરણરૂપ વિઝન જે તેમની પાસે હતું કે મારે મારા જીવનમાં જે કરવું છે, તે આત્મદર્શન, સત્યનો સાક્ષાત્કાર, ઇશ્વરનો સાક્ષાત્કાર અને મોક્ષ છે. જીવનનું મિશન જ સાધના છે અને દરેક વ્યક્તિ સાધક છે. જીવનને સાર્થક કરવા આ વિઝન અને મિશન ખૂબ જરૂરી છે.
કાર્યક્રમની સમાપન વિધિ કરતાં સંપાદક-તંત્રી સી.બી. પટેલે કહ્યું, આપણા વક્તાઓએ યુગપુરુષનો જે પરિચય આપ્યો તે બદલ આપને વંદન. ગાંધીવિચાર પર અમારો ખાસ કાર્યક્રમ એ અમારી ફરજ હતી. ગાંધીવિચાર, ગાંધીદર્શન, ગાંધી પરિચય અને ગાંધીની પરખ એ ક્યારેક જ ચર્ચાતા મુદ્દા છે. એ અર્થમાં સર્વલક્ષીય, સર્વહિતકારી, સમતોલ અને સમરસ વિચારયાત્રા આપણે આજે જોઈ શક્યા છીએ.
(સંપૂર્ણ કાર્યક્રમ જોવા અમારી YouTube ચેનલની મુલાકાત લેવાનું ભૂલશો નહીં,
જેનો ક્યુઆર કોડ નીચે આપેલો છે)

