લંડન: જૈન એલર્ટ ગ્રુપ UK માટે ગૌરવની ક્ષણ છે કે તેની DOST (Dedicated Overseas Support Team) પહેલને 'લંડન ડાંગુર એવોર્ડ 2026'માં 'પ્રમોટિંગ ઇક્લૂઝન' (સમાવેશને પ્રોત્સાહન) કેટેગરીમાં પ્રતિષ્ઠિત સન્માન મળ્યું છે.
છેલ્લા પાંચ વર્ષથી DOST દ્વારા વિદેશથી લંડન આવતા નવા જૈન વિધાર્થીઓ અને યુવા પ્રોફેશનલ્સને લંડનમાં સ્થાયી થવામાં મદદ, માર્ગદર્શન અને સહકાર આપવામાં આવે છે. સાથે સાથે તેમને નવા શહેર અને સમુદાય સાથે જોડાઈને અર્થપૂર્ણ સંબંધો વિકસાવવામાં પણ મદદ કરવામાં આવે છે. નાની સામુદાયિક પહેલ તરીકે શરૂ થયેલી DOST આજે 1,400થી વધુ સભ્યો અને સમગ્ર UKમાં કાર્યરત સ્વયંસેવકોના સક્રિય નેટવર્કમાં પરિવર્તિત થઈ છે. તેની વિવિધ પ્રવૃત્તિઓ સમગ્ર UKમાં અને ખાસ કરીને લંડનના જૈન સમુદાય સુધી પહોંચી રહી છે.
DOST દ્વારા નવા આગંતુકોને વ્યવહારુ માર્ગદર્શન, સહયોગી મિત્રોનું નેટવર્ક, નેટવર્કિંગની તકો, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વયંસેવાની તકો તેમજ સામુદાયિક જોડાણ પૂરું પાડવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ એ છે કે નવા દેશમાં આવતા કોઇપણ વ્યક્તિને એકલતા અનુભવવી ન પડે અને તેઓ ઝડપથી નવા સમાજમાં પોતાનુંપણું અને જોડાણની લાગણી વિકસાવી શકે.
આ પહેલ જૈન ધર્મના અહિંસા, કરુણા અને સેવાભાવ જેવા મૂલ્યો પર આધારિત છે. DOSTની ખાસિયત તેનું peer-led model છે. શરૂઆતમાં જેમને DOST તરફથી સહાય મળી હતી, તેમાંથી અનેક લોકો બાદમાં પોતે સ્વયંસેવક બનીને નવા આવનારા લોકોની મદદ કરી રહ્યા છે. આ રીતે સહાય અને સેવાની પરંપરા નવી પેઢી સુધી આગળ વધી રહી છે.
'લંડન ડાંગુર એવોર્ડ્સ' લંડનના વિવિધ સમુદાયોમાં સકારાત્મક યોગદાન આપતી વ્યક્તિઓ અને સંસ્થાઓને સન્માનિત કરે છે. આ પ્રસંગે DOSTને મળેલું સન્માન લંડનના નાના પરંતુ અત્યંત સક્રિય જૈન સમુદાયની લાંબા સમયથી ચાલી આવતી સ્વયંસેવા, સામાજિક સેવા અને સમાજને પરત આપવાની પરંપરાને પણ ઉજાગર કરે છે.
આ સન્માન અંગે જૈન એલર્ટ ગ્રુપ UKના પ્રવક્તાએ જણાવ્યું:"'પ્રમોટિંગ ઇક્લૂઝન' માટે લંડન ડાંગુર એવોર્ડ મેળવવો અમારા માટે અત્યંત ગૌરવની વાત છે.DOSTની શરૂઆત એક સરળ માન્યતા સાથે થઈ હતી – જ્યારે કોઈ વ્યક્તિ નવા દેશમાં આવે ત્યારે તેને એકલતા અનુભવવી ન જોઈએ. આ એવોર્ડ અમારા સ્વયંસેવકો અને સમગ્ર જૈન સમુદાયનો છે, જેમના સમય, સહકાર, ઉદારતા અને સમર્પણથી આ સેવા શક્ય બની છે.” જૈન એલર્ટ ગ્રુપ UKએ લંડન ડાંગુર એવોર્ડ્સ, નિર્ણાયકો, સ્વયંસેવકો, સહયોગીઓ અને સમગ્ર જૈન સમુદાયનો DOSTના કાર્યને માન્યતા અને સહયોગ આપવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. સંસ્થા ભવિષ્યમાં પણ વધુ જોડાયેલો, કરુણાશીલ અને સમાવેશી લંડન બનાવવાની દિશામાં કાર્યરત રહેશે, જ્યાં નવા આવનાર દરેક વ્યક્તિને આવકાર, સન્માન અને સહકારનો અનુભવ થાય.
નોંધનીય છે કે જૈન એલર્ટ ગ્રુપ UK એક સમુદાય આધારિત સંસ્થા છે, જે UKમાં સ્વયંસેવા, યુવા પ્રવૃત્તિઓ, શિક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સામુદાયિક સહાય અને વિવિધ સામાજિક પહેલો દ્વારા જૈન સમુદાયને સહયોગ આપે છે.
DOST - Dedicated Overseas Support Team જૈન એલર્ટ ગ્રુપ UKની એક પહેલ છે, જે લંડનમાં નવા આવનારા જૈન વિધાર્થીઓ અને યુવા પ્રોફેશનલ્સને સહાય અને માર્ગદર્શન આપે છે. પાંચમા વર્ષમાં પ્રવેશેલી DOST આજે 1,400થી વધુ સભ્યો અને સ્વયંસેવકોનું મજબૂત નેટવર્ક બની ચૂકી છે.

