નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી વિવાદ વધતો જ જાય છે. તેના પગલે પાકિસ્તાને અફઘાનિસ્તાનના હેલમંદ પ્રાંતમાં ગુરૂવારે મોટી એરસ્ટ્રાઈક કરી હતી. તેમાં 22ના મોત થયા હતા. સ્થાનિક પ્રાંતીય અધિકારીએ આ વાતને સમર્થન આપ્યું છે. પાકિસ્તાને માર્યા ગયેલા બધા લોકોને આતંકી ગણાવ્યા છે.
હેલમંદ પ્રાંતના સૂચના અને સાંસ્કૃતિક વિભાગ પ્રમુખ મૌલાના શેર મોહમ્મદ વહદતે જણાવ્યું હતું કે પાકિસ્તાનની લશ્કરી શાસને કરેલા હવાઈ હુમલામાં હેલમંદના ગરમસિર જિલ્લામાં બે રહેણાક મકાન ધ્વસ્ત થયા હતા. સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે આ હુમલાં ચાર નિર્દોષોએ જીવ ગુમાવ્યા હતા અને 6ને ઈજા થઈ હતી. સૌથી દુઃખદાયક બાબત એ છે કે આ હુમલામાં માર્યાજનારા લોકોમાં મુખ્યત્વે મહિલાઓ અને બાળકો છે.
બીજી બાજુ પાકિસ્તાને જણાવ્યું હતું કે તેણે ગુપ્તચર બાતમીના આધારે ચોકસાઈપૂર્વકનો હુમલો કરીને બે આતંકવાદી કેમ્પોને નિશાન બનાવ્યા હતા. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે તેહરીકે તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના આતંકવાદીઓને ટાર્ગેટ બનાવીને તેમના કેમ્પ પર હુમલો કર્યો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે પાકિસ્તાન હંમેશા આ વિસ્તારની શાંતિ અને સલામતી તથા ક્ષેત્રીય સ્થિરતામાં માનતું આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાન આતંકવાદનો ગઢ બની ગયું છે અને પાકિસ્તાનને તેનાથી ડર છે.

