એક દુ:ખી ચહેરા પર હાસ્યની રેખા અને ઉજળા ભાવિની આશા ઉજાગર કરવા જેવું પુણ્ય નથી. લેનાર કરતા દેનારને મળતી ખુશી અણમોલ હોય છે. તાજેતરમાં આવા એક યુવકને મળવાનું થયું. જેમનું નામ છે અજય શાહ. નામ જેવા જ ગુણ ને કામ છે. તેઓ છેલ્લા દોઢ દાયકાથી માનવતાના કાર્યને સમર્પિત જીવન જીવી રહ્યા છે. mz and kz foundation ચેરિટી હેઠળ hope4smile નું સેવા કાર્ય ત્રીસેક વર્ષથી થઇ રહ્યું છે. યુ.કે., ભારત, આફ્રિકા તથા અન્ય દેશોમાં જ્યાં જ્યાં જરૂરત પડે ત્યાં ત્યાં મદદ માટે પોતાના તરફથી મદદ કરવા તત્ત્કાળ સક્રિય બની શક્ય એટલી સેવા પૂરી પાડે છે. વીશા ઓશવાળ કોમ્યુનિટીના નોર્થ લંડન સ્થિત અજયભાઇએ હાલ નેપાળ રાહત ફંડ માટે લગભગ ૮૬,૦૦૦ પાઉન્ડ એકત્ર કર્યા છે.
જાન્યુઆરી’૨૭માં ભારત અને પછી નેપાળ જઇ બાળકો માટે એક શાળા બનાવવાની યોજના કરી રહ્યા છે એ માટે જાત-મુલાકાત લેશે. તેમની ચેરિટીનો એક એક પૈસો જે તે કાર્યમાં વપરાય છે. એમાં કોઇ જાતનો ખર્ચ કઢાતો નથી. સ્વ ખર્ચે અને સ્વબળે જ સત્કાર્યોમાં અનુદાન નોંધાવે છે. કોવીદ દરમિયાન લગભગ ૪૦૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કરી મદદ પહોંચાડી હતી.
આ ચેરિટી હેઠળ સુવિધાથી વંચિતોને ભોજન, શિક્ષણ, પુસ્તકો, કપડાં, મેડીકલ સંબંધી પ્રોગ્રામો, સેનેટરી પ્રોડક્ટ્સ, સમૂહ લગ્નો વગેરે માનવતાલક્ષી પ્રવૃત્તિઓ થાય છે.
હ્યુમન ટ્રાફીકીંગની વધી રહેલી સમસ્યામાં શોષણનો ભોગ બનેલ મહિલાઓ અને દિકરીઓને બચાવવાના ઓપરેશનમાં ભાગ લઇ સત્તાધીશોને સંશોધન તેમજ તપાસમાં મદદ કરે છે જે ખતરનાક છે. તેમછતાં સાહસ કરી આજ સુધીમાં ૧૦૦ જેટલી મહિલાઓ અને બાળિકાઓને બચાવવામાં ભાગીદાર બન્યા છે. તેમનું મિશન ગરીબાઇની ગર્તામાં ફસાયેલા લોકોને બહાર કાઢી ઉજળા ભવિષ્યની આશાની જ્યોત જગાવવાનું છે. નાની ચેરિટી છે પણ કામ મોટા કરે છે. આવા નાના નાના દીવડાંઓ એમની જ્યોતથી સમાજમાં બદલાવ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જે અભિનંદનને પાત્ર છે. વધુ વિગત માટે વેબસાઇટ : www.hope4smile.org

