નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધનો અંત લાવવામાં ભારત મહત્વની ભૂમિકા અદા કરી શકે તેમ છે. આ અંગે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને યુદ્ધના અંત માટે ભારતના ઉપાયોની પ્રશંસા કરી હતી અને તે મામલે સકારાત્મક સંકેત આપ્યા હતા. હવે તેના બીજા દિવસે જ યુક્રેનના વિદેશમંત્રી આંદ્રેઇ સિબિહાએ ભારતના પ્રસ્તાવને ચાર આંતરરાષ્ટ્રીય પ્રસ્તાવોમાં સૌથી મજબૂત અને યોગ્ય ગણાવ્યા છે.
આ ચારમાંથી એક પ્રસ્તાવ તો અમેરિકાનો છે. સિબિહાએ એક પત્રકાર પરિષદમાં આ વાતને કબૂલી હતી. તેમણે કહ્યું હતું કે યુક્રેન સામે ભારત, તુર્કી, ઇજિપ્ત અને અમેરિકાના પ્રસ્તાવો છે. આ તમામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ભારતે પહેલી વખત આ યુદ્ધના અંત માટે સક્રિય ભૂમિકા અદા કરવાની ઇચ્છા દર્શાવી છે. તેમણે ઉમેર્યું હતું કે અન્ય દેશોએ વિવિધ પાસાઓ સાથે યુદ્ધના અંત માટેના ઉપાયો બતાવ્યા છે. તુર્કી અને ઇજિપ્તે કાળા સાગરમાં અનાજ અને કૃષિ પેદાશો સાથે સંકળાયેલા સંઘર્ષ વિરામની દરખાસ્ત કરી છે. અમેરિકાએ ઊર્જા ક્ષેત્ર સાથે સંકળાયેલા કેટલાક પગલાને સામેલ કરીને યુદ્ધવિરામની દરખાસ્ત આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે યુક્રેન યુદ્વ રોકવાના સારા ઉપાયો છેઃ પુતિન
યુક્રેન અને રશિયા વચ્ચે ફેબ્રુઆરી 2022થી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયન પ્રમુખ પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શાંતિપ્રિય કૂટનીતિની પ્રશંસા કરી છે. પુતિને જણાવ્યું હતું કે, યુક્રેન વિવાદના ઉકેલ માટે વડાપ્રધાન મોદી પાસે ખૂબ જ સરસ ઉપાયો છે, અને તેઓ દરેક મુલાકાતમાં આ મુદ્દાનો ચોક્કસપણે ઉલ્લેખ કરે છે.
‘વાલ્ડાઈ ઈન્ટરનેશનલ ડિસ્કશન ક્લબ’ની વાર્ષિક બેઠકમાં બોલતા પુતિને જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી એવા વૈશ્વિક નેતાઓ પૈકી એક છે, જેમની સાથે અમારા અંગત અને મજબૂત મિત્રતાપૂર્ણ સંબંધો હોવા છતાં સતત યુક્રેન યુદ્ધનો અંત લાવવા અંગે પ્રશ્નો પૂછે છે. તેમની પાસે બંને પક્ષોને સ્વીકાર્ય હોય તેવો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા-માટે બહુ સારા વિચારો છે. પુતિને કહ્યું કે, ભારતમાં આટલી વિવિધતા હોવા છતાં બધાં સાથે મળીને રહે છે. ભારતની સંસ્કૃતિમાં કંઈક એવું અનોખું છે જે દર્શાવે છે કે વિવિધતા અને એકતા કેવી રીતે સાથે રહી શકે.
