શારદીય નવરાત્રીઃ ઉપાસના, ભક્તિ તેમજ આનંદનો ઉત્સવ

- હેમંત વાળા Wednesday 07th October 2026 08:13 EDT
 
 

સનાતની સંસ્કૃતિમાં ચાર નવરાત્રી હોય છે. આમાં આસો માસમાં આવતી શારદીય નવરાત્રીનું શાક્ત પરંપરામાં સૌથી વધુ મહત્ત્વ હોય છે. શક્તિની આરાધના માટેની સૌથી વધુ સંભાવના પણ આ દિવસોમાં હોય છે અને તેનું સૌથી યથાર્થ પરિણામ પણ આ જ દિવસોમાં સ્થાપિત થઈ શકતું હોય છે. ચૈત્ર માસમાં આવતી ‘ચૈત્રી’ કે ‘વસંતિકા’ નવરાત્રિ સાથે રામનવમી નિમિત્તનો શ્રીરામના જન્મોત્સવ પણ સંકળાયેલો હોય છે. અષાઢ માસમાં આવતી ‘અષાઢી’ નવરાત્રીને ગુપ્ત નવરાત્રી ગણવામાં આવે છે. મંત્ર-તંત્ર દ્વારા શક્તિની આરાધના માટે આ નવરાત્રી પર પસંદગી ઉતરતી હોય છે. માઘ માસની ‘માઘી’ નવરાત્રી પણ આ પ્રકારની ઉપાસના માટે યોગ્ય ગણાય છે. આ પણ ગુપ્ત નવરાત્રી છે.
જોકે અશ્વિન અર્થાત્ આસો મહિનાની ‘શારદીય’ નવરાત્રી સૌથી પ્રચલિત છે. શક્તિ ઉપાસના અને આસુરી તત્ત્વો પર દૈવી શક્તિનાં પર્વ તરીકે તેમનું મહત્ત્વ વધુ છે. દેવી પુરાણ અનુસાર આ સમયગાળામાં જગદંબા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો. અહીં ભક્તિ, સાધના, ઉપાસના સાથે રાસ-ગરબા ગાઈને પણ માતાને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરાય છે. આ નવરાત્રી જાહેરમાં મોટા પાયે ઉજવાય છે. શારદીય નવરાત્રીને અંતે વિજયાદશમીનું પર્વ આવે છે. આધ્યાત્મિક દૃષ્ટિએ નવરાત્રીને શરીર, મન અને ચિત્તની શુદ્ધિ તથા શક્તિ-જાગરણનો સમય પણ માનવામાં આવે છે.
સનાતની સંસ્કૃતિમાં ‘નવ’ સંખ્યાનું આગવું મહત્ત્વ છે. તે વાસ્તવિકતા સ્વરૂપે, પ્રતિકાત્મક રીતે અને ધાર્મિક તેમજ આધ્યાત્મિક સત્ય તરીકે, ગૂઢ અર્થ ધરાવે છે. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ; આ નવ ગ્રહ છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન; ભક્તિની આ નવ રીત છે. સનાતની તત્વજ્ઞાનમાં સ્વર્ગ, પાતાળ અને પૃથ્વી, આ ‘ત્રિલોક’નો સિદ્ધાંત વધુ પ્રચલિત છે. પરંતુ કેટલાંક ગ્રંથોમાં નવ લોકનું વર્ણન જોવાં મળે છે. આ નવ લોક છેઃ માનવજાતિ માટેનું ભૂલોક, ગંધર્વ - અપ્સરા માટેનું ભુવર્લોક, દેવતાઓ માટેનું સ્વર્ગલોક, મહર્ષિઓ માટેનું મહર્લોક, વિદ્વાન - જ્ઞાની - મુનિઓ માટેનું જનલોક, તપસ્વીઓ માટેનું તપલોક, બ્રહ્માનું સત્યલોક, અસુરો માટેનું પાતાળલોક અને પાપીઓ માટેનું નરક લોક.
 શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કૂષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાળરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી; મા દુર્ગાના આ નવ સ્વરૂપ છે. સાથે સાથે સનાતની સંસ્કૃતિમાં ‘નવકુમારી’નો ઉલ્લેખ પણ જોવા મળે છે, જેમનું જે તે પ્રસંગે કન્યા-પૂજન થતું હોય છે. આ નવ કુમારીકાઓ છે, કુમારી, ત્રિમૂર્તિ, કલાકારિણી, રોહિણી, કાલિકા, ચંડિકા, શાંભવી, દુર્ગા અને સુભદ્રા. આ પ્રત્યેક કુમારી એક વિશિષ્ટ શક્તિ અને તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. વળી, સાંખ્ય-દર્શનમાં જે પચીસ તત્વોની વાત છે તેમાં દ્રવ્યરૂપ તત્વ નવ ગણાવાયાં છે. તે છે ભૂમિ, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, અહંકાર, બુદ્ધિ અને અવ્યક્ત/પ્રકૃતિ. ભગવદ ગીતામાં મનુષ્ય શરીરને ‘નવદ્વાર-પુરી’ જણાવાયું છે. આ નવ દ્વાર છેઃ બે આંખ, બે કાન, બે નાસિકા છિદ્ર, એક મુખ, એક ગુદા અને એક મૂત્રમાર્ગ. આમ સનાતની સંસ્કૃતિમાં નવ અંકનું વિશેષ આધ્યાત્મિક મહત્ત્વ છે.

નવનાથની વાતો તો પ્રત્યેક સનાતની જાણે જ છે. નવરાત્રીના નવ દિવસ, મા દુર્ગાના નવ રૂપ. પ્રથમ નોરતું મા પાર્વતીનું સ્થિરતા, મજબૂતાઈ, સામર્થ્ય અને ધૈર્ય દર્શાવતું એક શૈલપુત્રી સ્વરૂપ. એમ કહેવાય છે કે મનની પવિત્રતા અને જીવનના શુભ આરંભ માટે તેમની પ્રાર્થના આવશ્યક છે. બીજું નોરતું બ્રહ્મ-પ્રકૃતિનું આચરણ કરનાર બ્રહ્મચારિણી માતાને સમર્પિત હોય છે. બ્રહ્મના પ્રાકૃતિક સ્વભાવ અનુસાર અહીં શાંતિ, નિજાનંદ મસ્તી, સંયમ અને વિવેક માટે પ્રાર્થના કરાય તે સ્વાભાવિક છે. દુષ્ટ શક્તિઓ સામે રક્ષણ મળે તે રીતના આત્મવિશ્વાસ અને પુરુષાર્થ માટે ત્રીજા નોરતે માથે અર્ધચંદ્રવાળી ઘંટા ધારણ કરનાર ચંદ્રઘંટા માતાના પૂજનનું વિધાન છે. ચોથું નોરતું બ્રહ્માંડની સર્જક કુષ્માંડા માતાને સમર્પિત છે જ્યારે સર્જનશક્તિ, સ્વાસ્થ્ય, ઉર્જા અને સ્થિરતા માટે આરાધના કરાય છે.
કાર્તિકેય અર્થાત્ સ્કંદની માતાને સમર્પિત પાંચમું નોરતું હોય છે. સ્કંદમાતાની ઉપાસનાથી માતૃત્વ, દયા, કરુણા, પ્રેમ અને પારિવારિક કલ્યાણ પ્રાપ્ત થઈ શકે છે. કાત્યાયન ઋષિની પુત્રી કાત્યાયની માતા કે જે શક્તિ, ન્યાય, સત્ય અને ધર્મના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે, તેમને સમર્પિત છઠ્ઠું નોરતું હોય છે. દુષ્ટતા, અજ્ઞાન, અવિદ્યા, અંધકાર તથા ભયનો નાશ કરનાર કાલરાત્રી માતાની સાતમા નોરતે પૂજા-અર્ચના થાય છે. આઠમું નોરતું શ્વેતવર્ણી, શાંત, સાત્વિક, કલ્યાણકારી, નિર્મલ મહાગૌરી માતાને સમર્પિત રહે છે. અહીં મન-હૃદયની શુદ્ધિ માટે ભક્તજન ઉપાસના કરે છે. નવમું અને અંતિમ નોરતું એટલે સિદ્ધિદાત્રી માતાનું નોરતું. નામ પ્રમાણે જ સિદ્ધિદાત્રી માતા તમામ સિદ્ધિઓને આપનારી દેવી છે.
દસમો દિવસ એટલે વિજયાદશમી. આ દિવસે મા દુર્ગાએ મહિષાસુરનો વધ કરી બ્રહ્માંડમાં ધર્મ, સત્ય, ન્યાય અને પવિત્રતાને પુનઃસ્થાપિત કરી હતી. અસત્ય પર સત્યના, અધર્મ પર ધર્મના, અન્યાય પર ન્યાયના અને મલિનતા પર પવિત્રતાના વિજયનો આ દિવસ છે. એમ જણાય છે કે નવરાત્રી દરમિયાન શક્તિની આરાધનાનું આ ફળ છે, આસુરી શક્તિ પર દૈવી શક્તિનો આ વિજય છે. બ્રહ્માંડના સ્થાયી અને વાસ્તવિક સ્વરૂપની આ દિવસે પ્રતીતિ થઈ શકે. એમ કહી શકાય કે નવરાત્રીમાં દરેક દિવસે એક દેવીના સ્વરૂપની ઉપાસના કરવાથી ભક્તના જીવનમાંથી પ્રતિકાત્મક રીતે મહિષાસુરનો વિધ્વંશ થાય અને પવિત્રતા, શક્તિ, જ્ઞાન, શાંતિ, વિજય અને પરમ-આનંદનો સંચાર થાય.
આ સમગ્ર ઉપાસના, ભક્તિ તેમજ આનંદનો ઉત્સવ નવ દિવસનો હોય તે સ્વાભાવિક છે. દુર્ગાના પ્રત્યેક સ્વરૂપને અહીં એક દિવસ ફાળવવામાં આવે છે. માતાના પ્રત્યેક રૂપને એક નોરતું સમર્પિત હોય છે. પૌરાણિક ઇતિહાસ અનુસાર માતા અને મહિષાસુરનું યુદ્ધ નવ દિવસ ચાલ્યું હતું. તે મુજબ પણ આ ઉત્સવ સ્વાભાવિક રીતે નવ દિવસનો હોય. પછી દસમા દિવસે વિજયનો ઉત્સવ હોય છે.


    comments powered by Disqus