સાઉદીની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર હુતી વિદ્રોહીઓનો હુમલો

Wednesday 07th October 2026 07:03 EDT
 
 

રિયાધઃ યમનના હૂતી વિદ્રોહીઓએ અને સાઉદી અરેબિયા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. હૂતી વિદ્રોહીઓએ સાઉદીની રાજધાની રિયાધમાં દેશની સૌથી મોટી ઓઈલ કંપની અરામકોની એક ફેસિલિટીને બેલેસ્ટિક મિસાઈલો અને ડ્રોનથી નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે. હૂતીઓના જણાવ્યા મુજબ યમનની રાજધાની સના સહિત દેશના કેટલાક ભાગોમાં સાઉદી દ્વારા કરાયેલા હુમલાના જવાબમાં આ હુમલો કરાયો છે. શનિવારે રિયાધમાં અરામકોની ફેસિલિટી ખાતે આગની જવાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સાઉદીના અધિકારીઓ દ્વારા હુમલાની કોઇ સત્તાવાર પુષ્ટિ કરાઈ નથી. અરામકોએ પણ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. તેથી હાલ એ સ્પષ્ટ નથી કે અરામકોની ફેસિલિટીને ખરેખર કેટલું નુકસાન થયું છે? જાનહાનિ કે ઈજાના પણ કોઇ અહેવાલ નથી. બીજી તરફ આ હુમલા બાદ યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા ધરાવતી સરકારે રાજધાની સનામાં અને સાદામાં હૂતીઓના મહત્ત્વપૂર્ણ ઠેકાણાઓ પર હુમલાની પુષ્ટિ કરી હતી.
સાઉદીની દુખતી રગ પર હુમલો
રિયાઘમાં બનેલી તાજેતરની ઘટના એવા સમયે સામે આવી છે કે જ્યારે સાઉદી અને હુતીઓ વચ્ચેનો સંઘર્ષ ફરી એકવાર તીવ્ર બની રહ્યો હોય તેવું જણાય છે. જો અરામકો સુવિધા પરના હુમલાની પુષ્ટિ થાય તો તેને સાઉદીના મહત્ત્વપૂર્ણ ઊર્જા માળખાની સુરક્ષા અંગેની એક ગંભીર ઘટના છે. સાઉદી સત્તાવાળાઓ અને અરામકો તરફથી સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે. અરામકોની ફેસિલિટીમાં આગથી વૈશ્વિક સ્તરે ચિંતા વધી છે કેમ કે સાઉદીની આ સૌથી મોટી ઓઇલ કંપની ફૂડ સપ્લાયમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. હુમલામાં મોટું નુકસાન થયું હશે તો ક્રુડના સપ્લાય પર અસર થઇ શકે છે. આંતરરાષ્ટ્રીય બજાર પર પણ અસર પડી શકે છે અને ફૂડના ભાવમાં વધારો પણ સંભવ છે.


comments powered by Disqus