બર્લિનઃ યુરોપમાં બદલાતા ભૌગોલિક-રાજકીય સમીકરણો અને સુરક્ષાના વધતા જોખમો વચ્ચે જર્મનીએ પોતાની સૈન્ય શક્તિને સંગઠિત કરવા માટે એક અત્યંત કડક અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. નાગરિક સ્વાતંત્ય અને રાષ્ટ્રીય સુરક્ષા વચ્ચેના આ સંતુલનકારી નિર્ણયે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, કારણ કે જર્મની હવે યુદ્ધ જેવી સ્થિતિની રાહ જોવાને બદલે અત્યારથી જ પોતાની માનવશક્તિનું સંરક્ષણ કરી રહ્યું છે.
જર્મનીમાં ૧૭થી ૪૫ વર્ષની વયના પુરુષોની વિદેશ યાત્રાને લઈને એક મોટો ફેરફાર સામે આવ્યો છે. સરકારે નવી વ્યવસ્થા લાગુ કરી છે, જે અંતર્ગત આ વયજૂથના પુરુષોએ ત્રણ મહિનાથી વધુ સમય માટે દેશ છોડતા પહેલા સરકારની મંજૂરી લેવી પડશે. જર્મની પોતાની સૈન્ય શક્તિ વધારવા પર ભાર મૂકી રહ્યું છે. તે માટે તેણે આ પગલું ભર્યું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, જો કોઈ પુરુષ ત્રણ મહિનાથી વધુ સમય માટે અભ્યાસ, નોકરી કે અન્ય કોઈ કારણસર વિદેશ જવા માંગતો હોય, તો તેણે જર્મન આર્મી એટલે કે 'બુન્ડેસવેહર' પાસેથી પરવાનગી લેવી પડશે. આ મંજૂરી બુન્ડેસવેહરના કરિયર સેન્ટર પરથી મેળવવાની રહેશે. આ નિયમ ૧ જાન્યુઆરી, ૨૦૨૯થી અમલી બન્યો છે. અગાઉ આ નિયમ માત્ર કટોકટી કે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં જ લાગુ કરવામાં આવતો હતો, પરંતુ હવે તેને સામાન્ય સંજોગોમાં પણ ફરજિયાત કરી દેવાયો છે.
