આ વર્ષે ભારતમાં ૩૧ માર્ચ, ચૈત્ર સુદ તેરસના રોજ ભગવાન મહાવીરની ઉજવણીમાં હજારો ભાઇબહેનો સામેલ થયાં. દેશવિદેશમાં ય ભક્તિસભર ઉજવણી થઇ. લંડન સહિત અન્ય શહેરોમાં વીકેન્ડ-વીકેન્ડે સૌ સૌની અનુકૂળતા મુજબ પૂરા એપ્રિલ મહિના દરમિયાન ઉજવણીઓ થતી રહેવાની છે.
નવનાતના હોલમાં નવનાત વડિલ મંડળે શુક્રવાર ૩ એપ્રિલના રોજ મહાવીર જયંતિ સાથે ચૈત્રી પૂનમ નિમિત્તે પાલીતાણાના શત્રુંજયગિરિની ભાવયાત્રા કરી. (ચૈત્રી પૂનમે શત્રુંજય પર્વત પર બિરાજમાન પ્રથમ તીર્થંકર આદીશ્વર ભગવાનના દર્શન-પૂજન કરવાનો વિશેષ મહિમા છે.) જેમાં મોટી સંખ્યામાં વડિલો હાજર રહ્યાં હતાં.
કાર્યક્રમના આરંભે ભગવાન મહાવીરની માતા ત્રિશલારાણીને આવેલ ૧૪ સ્વપ્નો સહ લાભાર્થીઓનું ઢોલના ધબકારે અને થાળીના ગડગડાટ સહ શાનદાર આગમન હોલમાં થયું ત્યારબાદ પૂજન વિધિ થઇ. જેના મુખ્ય લાભાર્થી શ્રી જયંતભાઇ, શ્રીમતી રશ્મિબહેન દોશી અને આરતીબહેન હતાં. સૌ જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત વડિલ મંડળના પ્રેસિડેન્ટ શ્રી નટુભાઇ મહેતાએ કર્યું.
જન્મ વાંચન અને જન્મની વધાઇ અને પારણું ઝૂલાવવાના પ્રસંગોએ ક્ષત્રિયકુઁડનો માહોલ ખડો કરી દીધો. આનંદ મંગલની આ પાવન ઘડીનો અહેસાસ ઇનાબહેન જયેશભાઇ શાહે એમની આગવી શૈલીમાં કરાવ્યો.
જન્મ બાદ પટ્ટ દર્શન તેમજ શત્રુંજયની ભાવયાત્રા પણ તળેટીથી માંડી ટોચના શિખર સુધીની ભાવિકોએ કરી ધન્યતા અનુભવી. આ સમયે તળેટીના ઇતિહાસની અદભૂત વાત જાણવા મળી. તળેટી વડનગરથી શરૂ થઇ અને તસુ તસુ ખસતાં ખસતાં વલભિપુર અને હાલ પાલીતાણામાં સ્થિર થઇ છે. તળેટીના લાભાર્થી કિરિટભાઇ અને વર્ષાબહેન મહેતાએ એના પૂજનનો લાભ લીધો હતો. એ સાથે ગિરિરાજ ઉપરની અન્ય ટૂંકોના પૂજન લાભાર્થીઓએ કર્યા. એ દરેક ટૂંકની વિશેષતા ઇનાબહેનને સમજાવી.
નવનાત હોલની સજાવટ હસ્મિતાબહેન દોશીએ આંખે ઉડીને વળગે તેવી કરી હતી. આ ઇવેન્ટના કો-ઓર્ડીનેટર્સ નીતિનભાઇ સાવડીયા, હસ્મિતાબહેન દોશી, બંસરીબહેન રૂપાણી, જગદીશભાઇ સંઘાણી આદીએ સમગ્ર પ્રસંગના આયોજન માટે ભારે જહેમત ઊઠાવી એને સફળતા બક્ષી હતી. ફોટોગ્રાફીની સેવા મીનાબહેન સંઘાણીએ આપી હતી. સમાપનમાં સમાજની સેવાભાવી બહેનોએ ભાવપૂર્વક બનાવેલ સ્વાદિષ્ટ ગરમાગરમ રસોઇનો આસ્વાદ સૌએ માણી ભાવયાત્રાથી પાવન થયાની અનુભૂતિ સહ વિદાય લીધી.

