નવનાત વણિક એસોસિએશન યોજીત મહાવીર જન્મ કલ્યાણકની ભક્તિસભર ઉજવણી

- જ્યોત્સના શાહ Wednesday 08th April 2026 06:58 EDT
 
 

નવનાત વણિક એસોસિએશન દ્વારા રવિવાર પ એપ્રિલના રોજ મહાવીર જન્મ કલ્યાણકની શાનદાર ઉજવણી કરી હતી જેમાં પણ જ્ઞાતિજનો વિશાળ હાજરીમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે નવનાતના પ્રમુખ શ્રી જશવંતભાઇ દોશીએ સૌનું હાર્દિક સ્વાગત કર્યું હતું. વિજયભાઇ શેઠની આગેવાની હેઠળ નવકાર મંત્રના નૃત્યથી આ કાર્યક્રમનો શુભારંભ થયો હતો.
જાણીતા જૈન વિદ્વાન ડો.સૌરભભાઇ શાહે મહાવીર ભગવાનના જન્મ કલ્યાણક નિમિત્તે ભગવાનના ૨૭ ભવનું વિહંગાવલોકન કરાવતાં જણાવ્યું હતું કે ભગવાન જેવા ઉચ્ચ આત્માને પણ કર્મોનું ફળ ભોગવવું પડે છે. તેમનો પ્રથમ અવતાર નયસારનો હતો. જેમાં ભાવ ઊંચા રાખવા અંગે સુંદર રજુઆત કરી હતી.
“ચેરિટી બીગીન્સ ફ્રોમ હોમ’ના ન્યાયે સૌ પ્રથમ આપણો વ્યવહાર કુટુંબીજનો સાથે સારો હોવો જોઇએ. ત્રીજો ભવ મરીચીનો હતો જે પ્રથમ તીર્થંકર ભગવાન આદીશ્વરના પૌત્ર હતા. એમાં એમને જાણ થઇ કે તેઓ ચોવીસમાં તીર્થંકર બનવાના છે એથી અહંકાર આવ્યો. અહંકાર, ક્રોધ, લોભ, માયા જેવા અનેક કર્મો જાણતાં-અજાણતાં વાણિ-વર્તન-વિચારથી બંધાય છે જેનું ફળ માનવી હોય કે સાધુ-સંત સૌ કોઇને ભોગવવું જ પડે છે.
અંતે છેલ્લા ૨૭મા ભવની વાત કરતા જણાવ્યું કે, ભગવાને પ્રથમ માતા દેવાનંદાની કૂખે ગર્ભ ધારણ કર્યો. સામાન્ય રીતે તીર્થંકર ક્ષત્રિય કૂળમાં જન્મે એથી એમના ગર્ભનું પ્રત્યારોપણ રાણી ત્રિશલાની કૂખમાં કરાયું અને રાણીનો ગર્ભ દેવાનંદાની કૂખમાં મૂકવામાં આવ્યો આ પણ કર્મોના જ પ્રતાપે! ત્રિશલા રાણીને આવેલ ચૌદ સ્વપ્નોના દર્શન અને ફળની સમજ આપી.
વધુમાં સૌરભભાઇએ જણાવ્યું કે, જૈન ધર્મના મુખ્ય સિધ્ધાંતો ૧) અહિંસા ૨) અપરિગ્રહ અને ૩) અનેકાન્તવાદ મતલબ AAA નો ભગવાન મહાવીરનો સંદેશ વિશ્વમાં પહોંચાડાય તો યુધ્ધનો અંત આવી શકે!
 ત્યારબાદ જન્મ વાંચન કરી ભગવાનનો જન્મ થયાના ખુશ ખબર જાહેર થતાં જ સૌ હરખભેર નાચી ઊઠ્યા. વીર જન્મયાની ખુશી જાહેર કરતાં ફરી એક વાર બહેનોએ સુંદર ડાન્સ અને નાની નૃત્ય નાટિકા “મા” કોરીયોગ્રાફર કલ્પનાબહેન ભટ્ટે રજુ કરી સભાજનોનું મનોરંજન કરાવ્યું.
આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે હેરોના મેયર અંજનાબહેન પટેલે પણ ખાસ હાજરી આપી. તેમણે એમના વક્તવ્યમાં જણાવ્યું કે આજે મને જૈન ધર્મ અને ભગવાન મહાવીર વિષે ઘણું જ્ઞાન મળ્યું. નવનાત વણિક એસોસિએશન તરફથી મળેલ સાથ-સહકારની પણ સરાહના કરી.
‘’સમર ધમાકા”માં એકત્ર થયેલ ભંડોળ ત્રણ ચેરિટીઓને ફાળવાયું
મહાવીર જન્મ કલ્યાણકના અવસરે માનવતાલક્ષી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અપાયું. ગયા વર્ષે ૨૭ જુલાઇના રોજ “સમર ધમાકા” કાર્યક્રમ નવનાત વણિક એસોસિએશન, વણિક કાઉન્સિલ અને JITO ના સહયોગથી ત્રણેય પેઢીને સાંકળતો કાર્યક્રમ નવનાત ગ્રાઉન્ડ અને હોલમાં યોજાયો હતો જેમાં ૯૦૦૦ પાઉન્ડનું ફંડ ચેરિટી માટએ એકત્ર થયું હતું. એ રકમમાંથી ૩૦૦૦ પાઉન્ડ અક્ષયપાત્ર ચેરિટીને, ૩૦૦૦ પાઉન્ડ સાઇ શ્રૃતિ ચેરિટેબલ ટ્રસ્ટને અને ૩૦૦૦ પાઉન્ડનો ચેક કિડની કેર યુ.કે.ને સાદર કરાયો હતો. આ પ્રસંગે જીટોના શ્રી કિરણ મહેતાએ સૌ સેવાભાવી ભાઇબહેનોએ આપેલ અમૂલ્ય સેવાની કદર કરી હતી.
આ પ્રસંગે નવનાત વણિક એસોસિએશને મેયર ચેરિટીમાં ૨૦૦૦ પાઉન્ડનો ચેક અર્પણ કર્યો અને ભગિનીએ પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મેયર ચેરિટીમાં ૫૦૦ પાઉન્ડના દાનની જાહેરાત કરી. દીવો અને આરતીની બોલીની રકમ પણ જીવદયામાં જ ફાળવાય છે.


comments powered by Disqus