ઇસ્લામાબાદઃ અફઘાનિસ્તાનમાં સુરક્ષાદળો દ્વારા શરૂ કરાયેલા ઓપરેશનમાં આશરે 800 અફઘાન તાલિબાન ત્રાસવાદીઓ માર્યા ગયા છે. માહિતી પ્રધાન અત્તાઉલ્લાહ તરારે ઓપરેશન ગઝબ લિલ હક્કે આ અંગે માહિતી આપી હતી. આ ઓપરેશનમાં 796 ફિત્ના અલ ખાવરીજ અને અફઘાન તાલિબાન માર્યા ગયા છે અને 1043થી વધુ ઘાયલ થયા છે. તરારે વધુમાં જણાવ્યું હતું કે, આ ઓપરેશન દરમિયાન 286 અફઘાન તાલિબાન ચોકીનો નાશ કરાયો છે, જ્યારે 44 ચોકી કબજે કરાઈ છે. આ સાથે 249 ટેન્ક, સશસ્ત્ર વાહનો, તોપખાનાં, બંદૂકો અને ડ્રોનનો નાશ કરાયો છે. પાકિસ્તાન સરહદ પારથી અફઘાન તાલિબાને ગોળીબાર કર્યા બાદ 26 ફેબ્રુઆરીથી ઓપરેશન ગઝબ લિલ હક્ક શરૂ કરાયું હતું. તરારે વધુમાં જણાવ્યું હતું કે સેનાએ અફઘાનિસ્તાનમાં હવાઈ માર્ગે 81 આતંકીઓ અને તેમનાં સહાયક માળખાગત સ્થળોને નિશાન બનાવ્યાં હતાં. ગુરુવાર અને શુક્રવારની રાત્રે ગુલામખાન સેક્ટરમાં અફઘાન તાલિબાન દ્વારા સરહદ ચોકી પર હુમલો કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો જેમાં 37 ત્રાસવાદીઓ માર્યા ગયા હતા જ્યારે 80 થી વધુ ઘાયલ થયા હતાં.
