વિશ્વના પાંચમા ક્રમના સૌથી મોટા જ્વેલરી રિટેલ ગ્રુપ અને જવાબદાર બ્રાન્ડ તરીકે જાણીતા માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટે 24 મિલિયન અમેરિકન ડોલર (આશરે રૂ. 200 કરોડથી વધુ)ના સીએસઆર પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે. નવી દિલ્હીના ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલની ઉપસ્થિતિમાં આ જાહેરાત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં માલાબાર ગ્રુપના ચેરમેન એમ પી એહમદ, માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના મેનેજિંગ ડિરેક્ટર – ઇન્ડિયા ઓપરેશન્સ ઓ. અશેર, ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરો નિશાદ એ.કે. અને અબ્દુલ્લા ઇબ્રાહિમ, કેરળ હાઉસ રેસિડેન્ટ કમિશ્નર અને આઇએએસ પુનીત કુમાર, પ્રથમના સીઇઓ રુકમણિ બેનરજી અને થનાલના ચેરમેન ડો. ઇદરિશ સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યાં હતાં.
આ પ્રસંગે પીયૂષ ગોયલે દેશભરની 33,000 વિદ્યાર્થિનીઓ માટે શૈક્ષણિક શિષ્યવૃત્તિ વિતરણનો પ્રારંભ કરતાં જણાવ્યું હતું કે, માલાબાર ચેરિટેબલ ટ્રસ્ટની આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનને સુદ્રઢ બનાવે છે. 24 મિલિયન ડોલરનું આ યોગદાન રાષ્ટ્રના વિકાસમાં અને ખાસ કરીને મહિલા સશક્તિકરણમાં મહત્વની ભૂમિકા ભજવશે.
માલાબાર ગ્રુપના ચેરમેન એમ.પી. એહમદેએ જણાવ્યું હતું કે, માનવ સંસાધનનો વિકાસ એ રાષ્ટ્રીય પ્રગતિની કરોડરજ્જુ છે. શિક્ષણ દ્વારા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવું એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. અમે સીએસઆર દ્વારા સમાજમાં લાંબાગાળાની અસર ઊભી કરવા માટે કટિબદ્ધ છીએ.
ગ્રુપ દ્વારા નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન ભારતના 19 રાજ્યોમાં 3,000 થી વધુ સ્થળોએ 15 મુખ્ય અભિયાન હાથ ધરાશે અને તેનાથી 2 લાખથી વધુ લોકો લાભન્વિત થશે. ગ્રુપ કન્યાઓ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ અને શેરી બાળકો માટે માઇક્રો-લર્નિંગ સેન્ટર્સ માટે 14 મિલિયન ડોલર, 'હંગર ફ્રી વર્લ્ડ' પ્રોજેક્ટ હેઠળ પૌષ્ટિક ભોજન વિતરણ માટે 3.6 મિલિયન ડોલર, જરૂરિયાતમંદો માટે આરોગ્ય સેવાઓ અને નિરાધાર માતાઓ માટે 'ગ્રાન્ડમા હોમ' અંતર્ગત 4.7 મિલિયન ડોલર અને પર્યાવરણ સુરક્ષા તથા માનવતાવાદી પ્રવૃત્તિઓ માટે 2.02 મિલિયન ડોલર ફાળવવા જઇ રહ્યું છે.
1993માં સ્થપાયેલ આ ગ્રુપ આજે 7.36 બિલિયન અમેરિકન ડોલરનું ટર્નઓવર ધરાવે છે. 14 દેશોમાં 430થી વધુ શોરૂમ્સ સાથે તે વિશ્વભરમાં જાણીતું છે. ગ્રુપ તેના ચોખ્ખા નફાના 5 ટકા સામાજિક સેવા માટે ફાળવે છે. આ કંપની પ્રથમ અને થનલ જેવી સંસ્થાઓ સાથે મળીને અત્યાર સુધીમાં 1.8 મિલિયન લોકોના જીવનમાં પરિવર્તન લાવી ચૂકી છે.

